1. Home
  2. રિવોઈહિરોઝ
  3. આપણી જવાબદારી છે તો તેને નિભાવીએ, તેનાથી નજર ન ફેરવીએ: ડૉ. મહેશ ચૌહાણ
આપણી જવાબદારી છે તો તેને નિભાવીએ, તેનાથી નજર ન ફેરવીએ: ડૉ. મહેશ ચૌહાણ

આપણી જવાબદારી છે તો તેને નિભાવીએ, તેનાથી નજર ન ફેરવીએ: ડૉ. મહેશ ચૌહાણ

0
Social Share

વિનાયક બારોટ

આપણે ભગવાનના અનેક રૂપ વિશે જાણીએ છે. આપણે બધા જ આપણા માતા-પિતાને ભગવાનના રૂપમાં જ જોઈએ છે, પણ આ સિવાય પણ સમાજમાં એક વર્ગ એવો છે જેને આપણે માણસના રૂપમાં ભગવાન કહી શકીએ છે અને તે છે ડૉક્ટર્સ. ભૂતકાળના સમયમાં આપણે વૈધ કહેતા હતા. સામાન્ય રીતે કહીએ તો જ્યારે કોઈ પીડા થાય ત્યારે યાદ ભગવાન આવે પણ આપણે જઈએ છે ડૉક્ટર પાસે અને દરેક વ્યક્તિની સમાનભાવનાથી સારવાર કરે તે જ ડૉક્ટર વર્ગની મહાનતા છે.

આ વખતે વાત કરીશું ડૉ. મહેશ ચૌહાણની – કે જેમણે પોતાના ડૉક્ટર જીવનકાળ દરમિયાન અનેક દર્દીઓની સારવાર કરી અને તેમને સ્વસ્થ કરીને ઘરે મોકલ્યા હશે. ડૉ. મહેશ ચૌહાણ વર્ષ 1996માં MBBSની ડિગ્રી મેળવી અને ત્યારથી લઈને આજ સુધી તેઓ ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી છે. હાલ મણીનગરની એલજી હોસ્પિટલમાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.

સંઘર્ષમય બાળપણ અને સફળતા

જો વાત કરવામાં આવે ડૉ. મહેશ ચૌહાણના બાળપણની તો તે પણ ખુબ સંઘર્ષમય રહ્યું છે અને તે સંઘર્ષમાંથી પ્રેરણા લેવામાં આવે તો અનેક લોકોના જીવન બદલાઈ શકે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર જેમ દિવાના સહારે ભણતા હતા તેવી રીતે ડૉ. મહેશ ચૌહાણ પણ ભણેલા છે. તેઓએ જણાવ્યું કે તેમનો ઉછરે ગામડામાં થયો છે, પ્રાથમિક શિક્ષણ સુધી તેમના ગામમાં લાઈટ ન હતી, સાતમાં ધોરણમાં આવ્યા ત્યારે ગામમાં સ્ટ્રીટ લાઈટ આવી અને ત્યાં સુધી તેઓ ફાનસ અને દિવડાના આધારે ભણ્યા હતા, સાતમાં ધોરણની ફાઈનલ પરીક્ષા સ્ટ્રીટલાઈટના થાંભલા નીચે ભણીને પાસ કરી હતી.

 

તેઓએ બાળપણમાં જ વિચારી લીધું હતુ કે સંઘર્ષમય જીવનમાંથી બહાર નીકળવા માટે ભણવું ખુબ જરૂરી છે અને તેમના પરિવારની પણ અપેક્ષા હતી કે તેઓ આગળ જતા ભણવાને મહત્વ આપે. તેમના માતા માતાશ્રી શિક્ષક હતા અને પિતાશ્રીની કરીયાણાની દુકાન હતી.

જીવનમાં પરિવારનો સાથ સહકાર

એવા અસંખ્ય લોકો હશે જે માને છે કે જીવનમાં કોઈ પણ સફળતા પાછળ સૌથી મોટો હાથ પરિવારનો હોય છે અને તેમનો સાથ સહકાર હોય છે. ડૉ. મહેશ ચૌહાણના જીવનમાં પણ કાંઈક આવી જ વાત છે, તેમણે કહ્યું કે જ્યારે તેમને પોતાના જીવનમાં કાંઈપણ કરવું હોય તો તેમનો પરિવાર હંમેશા તેમની સાતે ઉભો રહ્યો છે અને સાથ સહકાર આપ્યો છે.

જ્યારે અમદાવાદમાં MBBS ભણતા હતા ત્યારે તેમને તેમના માતાશ્રીએ એક ચીઠ્ઠી આપી હતી અને તેમાં એક એવી વાત લખી હતી જે તેમના જીવનનો આધાર કે મુખ્ય આદેશ બની તેમ કહી શકાય. ચીઠ્ઠીમાં તેમના માતાશ્રીએ લખ્યું હતુ કે “બેટા, તને ડૉક્ટર બનવાનું સૌભાગ્ય મળ્યું છે તો હવે લોકોની સેવા કરજે. તને ડૉક્ટર બનવાની ભેટ મળી તે પરમાત્માની ભેટ છે ” તેઓએ વધારે ઉમેરતા કહ્યું કે તેમના જીવનમાં તેમના માતા-પિતાના આશિર્વાદ, પત્નીનો સાથ, ભાઈ-ભાભીનો સહકાર અને બાળકોનો પણ સાથ મળ્યો છે જેના કારણે તેઓનો જીવનમાં પરિવાર તરફથી કોઈ મુશ્કેલી પડી ન હતી.

બાળકીનો જીવ બચાવવાની ખુશી

ડૉક્ટરને ભગવાનનું બીજુ રૂપ કહેવામાં આવે છે અને તેમાં કોઈ શંકા નથી. ડૉક્ટર પોતાના જીવનકાળ દરમિયાન હજારો લોકોની સારવાર કરે છે અને ક્યારેક તેમની સાથે પણ એવા કિસ્સા બનતા હોય છે જે તેમને જીવનમાં યાદગાર બની જતા હોય છે.

 

આવા જ એક કિસ્સાને યાદ કરાવતા ડૉ. મહેશ ચૌહાણએ કહ્યું કે જ્યારે તેઓનું ભણવાનું પુર્ણ થયું હતુ અને શરૂઆતના સમયમાં તેમને અસલાલી પ્રાથમિક કેન્દ્રમાં મુકવામાં આવ્યા હતા. આ સમયે એક એવો કેસ આવ્યો હતો કે એક બાળકીને જોરદાર તાવ આવ્યો હતો અને તાવના કારણે તે બાળકીને ખેંચ આવી હતી. જો કે પ્રાથમિક સારવાર કેન્દ્રમાં જરૂરી સાધનો ન હોવાના કારણે તેમણે તે બાળકીને પરિવારને અમદાવાદ કે બારેજા હોસ્પિટલમાં જવાનું કહ્યું, પણ બાળકીના પરિવારની સ્થિતિ એવી હતી કે તેઓ બાળકીને ત્યાં લઈ જઈ શકે તેમ ન હતા.

જો કે ડૉક્ટર માટે દર્દીનો જીવ બચી જાય તેનાથી વધારે શું હોય શકે?  તો તે સમયે તેમણે અન્ય રીતે મદદ કરી હતી. ડૉક્ટર તો ભગવાનનું બીજુ રૂપ છે તે કોઈ પણ રીતે મદદ કરી શકે.

આખરે તે મદદથી બાળકીનો જીવ તો બચી ગયો અને તે ડૉ. મહેશ ચૌહાણ માટે જીવનની સૌથી યાદગાર ક્ષણ બની છે. જો કે આવા અનેક કિસ્સાઓ ડૉ. મહેશ ચૌહાણના જીવન સાથે સંકળાયેલા છે જેમાં તેમનું કામ “નેકી કર ઔર દરિયેમેં ડાલ” એવું રહ્યું છે

જીવનનો અનમોલ સિદ્ધાંત

ડૉ. મહેશ ચૌહાણ માને છે કે આપણે આપણી જવાબદારીને ક્યારેય ભૂલવી જોઈએ નહી. તમે જે દેશમાં રહો છો જે દેશનું અનાજ તમે ખાઓ છો તે દેશને શક્ય એટલું મદદરૂપ બનો અને તમારું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવો. દેશવાસીઓની સેવા પણ એક પ્રકારની દેશની સેવા જ છે તેવું તેમણે જણાવ્યું.

એક ડૉક્ટર તરીકે સમાજને સંદેશ

ડૉક્ટર વિશે તો જેટલું કહો એટલું ઓછું, કારણ છે કે ડૉક્ટર લોકોને સ્વસ્થ તો કરે જ છે પરંતુ એવી પણ આશા રાખે છે કે લોકોના સ્વાસ્થય જળવાઈ રહે અને લોકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે. આ બાબતે ડૉ. મહેશ ચૌહાણ માને છે કે દેશમાં દરેક લોકોએ આરોગ્યને લગતું જરૂરી શિક્ષણ તો પ્રાપ્ત કરવું જોઈએ. સ્વસ્થ રહેવા માટે નાના-નાના પગલા લેવાના હોય છે જેને જીવનમાં ઉતારી દો તો ગંભીર રોગથી તમે બચી શકાય છે. ઋતુ પ્રમાણે ભોજન કરવુ અને શરીરને સાફ અને સ્વચ્છ રાખવાથી પણ અનેક મોટી બીમારીઓથી બચી શકાય છે તો દરેક ભારતવાસીને અપીલ કરતા કહ્યું કે સમયસર કસરત, પ્રાણાયમ અને તકેદારી રાખવી જેથી ડૉક્ટરની જરૂર ન પડે.

કોરોનાવાયરસને લઈને ભારતવાસીઓને એક સંદેશ

કોરોનાવાયરસને લઈને આજે સમગ્ર વિશ્વ લડી રહ્યુ છે અને તેમાં ભારત પણ બાકાત નથી, તો આ વાતને લઈને ડૉ. મહેશ ચૌહાણ કહ્યું કે ભારતમાં સરકાર, ડૉક્ટર અને દેશવાસીઓએ ખુબ મહત્વની ભૂમિકા નિભાવી છે અને તેના કારણે અન્ય જોરદાર કોરોનાગ્રસ્ત દેશોની તુલનામાં ભારતે સારો એવો કન્ટ્રોલ કર્યો છે.

ભારતના લોકોએ આ સમયમાં લોકોથી શારીરિક અંતર  જરૂર બનાવ્યું છે પરંતુ મનથી કે હ્યદયથી એકબીજાથી દુર થયા નથી. અસંખ્ય ભારતીયોએ જરૂરીયાતમંદ લોકોને મદદ કરી છે અને તેનાથી અનેક પરિવારને મુશ્કેલી કે તક્લીફ પડી નથી. આગામી સમયમાં પણ આ રીતે લોકોમાં સંપ અને એકતા બની રહે તેવી તેમની ઈચ્છા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code