કોરોનાની અસરઃ વાહનોના વેચાણમાં થયો 50 ટકાથી વધુનો ઘટાડો
દિલ્હીઃ દેશમાં કોરોના કેસમાં વધારો થતા મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં લોકડાઉન અને કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો હતો. તેમજ કેટલાક આકરા નિયમો લાદવામાં આવ્યાં હતા. જેની અસર વેપાર-ધંધા ઉપર પણ પડી છે. બીજી તરફ મે મહિનામાં દરેક પ્રકારના વાહનોના રિટેલ વેચાણમાં ગાબડું પડ્યું હોવાનું જાણવા મળે છે. મે મહિનામાં વાહનોના વેચાણમાં 55 ટકા જેટલું ગાબડું પડ્યુનું જાણવા મળે છે. હાલ કોરોનાની અસર ઘટતા ફરીથી જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. જેથી આગામી દિવસોમાં વેચાણમાં વધારો થવાની શકયતા છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન અનુસાર એપ્રિલની સરખામણીએ મેમાં વાહનોના રજિસ્ટ્રેશનમાં 55 ટકા ઘટાડો નોંધાયો છે જ્યારે મે 2019ની સરખામણીએ મે 2021ના રિટેલ વેચાણમાં 71 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળે છે. ટુ વ્હીલર્સ વાહનના વેચાણમાં 53 ટકા, થ્રી વ્હીલર્સ વાહનોના વેચાણમાં 76 ટકા, ઊતારૂ વાહનોના વેચાણમાં 59 ટકા, ટ્રેકટર્સના વેચાણમાં 57 ટકા તથા કમર્સિયલ વાહનોના વેચાણમાં માસિક 66 ટકાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. જેથી મોરેટોરિઅમ મંજૂર કરવા માટે પણ એસોસિએશન દ્વારા રિઝર્વ બેંકને વિનંતી કરવામાં આવી છે.
હવે દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી ગુજરાત સહિતના રાજ્યોમાં નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. જેથી આગામી દિવસોમાં વાહનોના વેચાણમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે લોકડાઉન અને કરફ્યુનો અમલ કરવામાં આવતા વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે. તેમજ લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.