Site icon Revoi.in

ગુજરાતઃ ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા 425 કેન્દ્રો શરૂ કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને પોતાના ઉત્પાદનને પુરતો ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. સરકાર દ્વારા ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે. જે માટે હાલ ખેડૂતો દ્વારા નોંધણી કરવામાં આવી રહી છે.  સમગ્ર રાજ્યમાં 425 કેન્દ્રો ઉપર ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્યભરમાં ગુજકોમાસોલ દ્વારા ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ આ મુજબ જણાવ્યું હતું. ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદ કરવા પહેલી ફેબ્રુઆરીથી નોંધણીની કામગીરી શરૂ થઈ છે. આગામી 28મી ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકાશે. દરમિયાન રાજ્યમંડળની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. રાજ્યભરમાં ચણાની ખરીદી માટે 187, તુવેરની ખરીદી માટે 135 અને રાયડાની ખરીદી માટે ત્રણ કેન્દ્રો શરૂ કરાશે. આ ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની નર્મદા નદીના ઈન્ટરસ્ટેટ જોડાણને મંજુરી મળી છે. આ જોડાણથી દક્ષિણ તથા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની 46300 હેક્ટર જમીનમાં સિંચાઈનો લાભ મળશે. આ યોજનામાં કેન્દ્ર સરકાર તરફથી 80 ટકા સહાય અપાશે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.