ગુજરાતઃ પ્રાથમિક શિક્ષણમાં ભગવદગીતા ભણાવવાનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો
અમદાવાદઃ રાજ્યમાં ધો-6થી 8માં વિદ્યાર્થીઓને ભગવત ગીતા ભણાવવા અંગે સરકારે નિર્ણય લીધો છે. દરમિયાન આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. રાજ્યની વડી અદાલતે નિર્ણયના અમલ ઉપર વચગાળાનો સ્ટે આપવાનો ઈન્કાર કરીને રાજય સરકાર, શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસો જારી કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-6થી 8માં શાળાઓમાં વિદ્યાર્થીઓને ભગવદ્ગીતા ભણાવવા અંગેના રાજય સરકારના 17મી માર્ચ 2022ના ઠરાવ સામે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં અરજદારપક્ષ તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, શાળાઓમાં ભગવદ ગીતા અભ્યાસમાં સામેલ કરવાનો સરકારનો નિર્ણય નેશનલ એજયુકેશન પોલિસીની વિરુધ્ધનો છે. શાળાકીય અભ્યાસમાં બાળકોનું ઘડતર અને શિક્ષણ કોઇ ધર્મને અનુલક્ષીને નહી પરંતુ સર્વધર્મ સમભાવ પ્રકારનું અને સર્વગ્રાહી હોવું જોઇએ. સરકારનો નિર્ણય કોઇ ધર્મને અનુલક્ષીને કરાયો હોય તેમ જણાય છે અને તેનાથી ભારતીય બંધારણ અને તેની જોગવાઇઓનો ભંગ થાય છે. આ સંજોગોમાં હાઇકોર્ટે સરકારનો નિર્ણય ગેરકાયદે, અયોગ્ય અને ગેરબંધારણીય હોઇ હાઇકોર્ટે તેને રદબાતલ ઠરાવવો જોઇએ. અરજદારપક્ષ તરફથી આ વિષયના પુસ્તકો નક્કી થઇ જાય તે પહેલાં આ રિટ પેન્ડીંગ છે ત્યાં સુધી સરકારના ભગવદ્ ગીતા ભણાવવાના નિર્ણય સામે વચગાળાનો સ્ટે આપવાની પણ માંગ કરાઇ હતી. જો કે, હાઇકોર્ટે તે ધરાર ફગાવી દીધી હતી.