Site icon Revoi.in

ગુજરાતની સાત કરોડ જનતા પરિવર્તન માટે એક થઈઃ મલ્લિકાર્જુન ખડગે

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની વિધાનસભાની 89 બેઠકો ઉપર સવારના 8 કલાકથી મતદાન શરૂ થયું હતું. જો કે, તે પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, યુવા નેતા રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ગુજરાતની 7 કરોડ જનતા પરિવર્તન માટે એક થયાં છે.

 

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પરિવર્તન માટે એક થઈ છે. મતદાનમાં ભાગીદારી લોકતંત્રની આત્મા હોય છે. આ વખતે ગુજરાતમાં પહેલીવાર મતદાન કરનારા યુવાનોને ખુબ-ખુબ શુભેચ્છાઓ.. તેમણે ગુજરાતીમાં લખ્યું હતું કે, લોકશાહીના આ પર્વને વધુમાં વધુ મતદાન કરીને સફળ બનાવવા ગુજરાતની જનતાને અપીલ છે.

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને મતદારોને અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, રોજગારી માટે, સસ્તા ગેસના સિલેન્ડર માટે, ખેડૂતોના દેવા માફી માટે તમામ મતદારોએ મતદાન કરવું જોઈએ. ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકતંત્રના આ પર્વને સફળ બનાવો.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ટ્વીટ કરીને અપીલ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તેવુ મતદાન કરીએ.