દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં ટ્રક અને બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માત બાદ બસમાં આગ લાગવાની ઘટના બની હતી. સોમવારે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 26 લોકોના મોત નીપજ્યા છે. અધિકારીઓ દ્વારા આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે. દુર્ઘટનાનો ભોગ બનેલી બસ કરાચી શહેરથી પ્રવાસીઓને લઈને પંજગુર જિલ્લામાં જઈ રહી હતી અને લાસબેલા જિલ્લાની હદમાં તેની ટ્રક સાથે અથડામણ સર્જાઈ હતી. બસમાં 40 લોકો સવાર હતા.
લાસબેલા જિલ્લાના સ્થાનિક વહીવટી તંત્રના પ્રમુખ શબીર મંગલે કહ્યુ છે કે તેમણે બસમાંથી 26 લાશોને જપ્ત કરી છે. તમામના મોત આગમાં દાઝી જવાને કારણે થયા છે. એક અધિકારીએ એમ પણ કહ્યુ છે કે ટ્રકમાં ઈરાની ઈંધણ હોવાને કારણે દુર્ઘટના બાદ અહીં ભીષણ આગ લાગી હતી. પ્રવાસીઓ જીવ બચાવવા માટે બસમાંથી કૂદવા લાગ્યા હતા. પરંતુ તેમ છતાં બસની અંદર ઘણાં લોકો ફસાઈને મોતને ભેંટયા હતા.
ઈજાગ્રસ્તો 16 લોકોમાંથી છની હાલત ગંભીર છે. ઈદી ફાઉન્ડેશનના બચાવ અધિકારીએ કહ્યુ છે કે સુવિધાઓ અને એમ્બ્યુલન્સોની અછતને કારણે ઈજાગ્રસ્તોને કરાચી લઈ જવામાં ઘણો સમય લાગ્યો છે. તેમણે કહ્યુ છે કે મોટાભાગની લાશો ખરાબ રીતે બળી ગઈ છે અને તેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે.