પાકિસ્તાન માટે જાસુસી કરતા પૂર્વ ભારતીય સૈનિક સહિત બેની કરાઈ ધરપકડ
દિલ્હીઃ ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈને મોકલાવતા પૂર્વ સૈનિક સૌરભ શર્માની ધરપકડ કરી હતી. હાપુડના સૌરભ શર્માને પૂછપરછ માટે લખનૌ સ્થિત એટીએસની ઓફિસ બોલાવવામાં આવ્યાં હતા. જ્યાં તેમણે ગુનાની કબુલાત કરતા ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક આરોપી અનસ ગિતૈલીની ગુજરાતના ગોધરાથી ધરપકડ કરવામાં આવી હતી. જેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લખનૌ લાવવામાં આવી રહ્યો છે. બંને વિરુધ્ધમાં એટીએસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉચ્ચ પોલીસ અધિકારી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, સૌરભ શર્માએ પૂછપરછમાં પૈસાની લાલચમાં સેનાની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયાના મારફતે પાકિસ્તાનની મહિલા અધિકારીને મોકલી હતી. તે બાદ અવાર-નવાર વિવિધ માધ્યમોથી બેંકના ખાતામાં પૈસા જમા કરાવવામાં આવ્યાં હતા. સૌરભ પૈસાની લાલચમાં ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન તથા અન્ય દેશમાં મોકલાવતો હોવાની એટીએસને માહિતી મળી હતી. જેથી તેની વિરુદ્ધમાં તપાસ કરવામાં આવી હતી. તેમજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. સૌરભ શર્માએ આરોગ્યના કારણોસર ચાલુ વર્ષે સેનામાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.