Site icon Revoi.in

ભવ્ય રહ્યો ‘ઠાકરે’નો ફર્સ્ટ શૉ, થિયેટરની બહાર વાગ્યા ઢોલ-નગારાં

Social Share

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા બાલાસાહેબ ઠાકરેના જીવન પર બનેલી ફિલ્મ ઠાકરે રિલીઝ થઈ છે. અભિજીત પાનસેના નિર્દેશનમાં બનેલી ઠાકરે ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં છે. બાલાસાહેબ ઠાકરેએ જીવનભર મરાઠીઓના હક માટે અવાજ ઉઠાવ્યો છે. તેના કારણે ઠાકરેને મહારાષ્ટ્ર-મુંબઈમાં એક નાયકનો દરજ્જો પણ મળ્યો છે. તેવામાં જ્યારે શિવસેનાના સંસ્થાપકની બાયોપિક રિલીઝ થઈ છે, તો તેમના ટેકેદારોનો ઉત્સાહ પણ જબરદસ્ત રહ્યો છે.

મુંબઈ ખાતેના આઈમેક્સ વડાલામાં ઠાકરેનો ફર્સ્ટ શૉ સવારે સવા ચાર વાગ્યે રાખવામાં આવ્યો હતો. આવું ભારતીય સિનેમાના ઈતિહાસમાં પહેલીવાર થયું છે કે જ્યારે ફિલ્મ સવારે સવા ચાર વાગ્યે રિલીઝ થઈ હોય. સવારે ચાર વાગ્યાની આસપાસ આઈમેક્સ વડાલાની બહાર કોઈ સેલિબ્રેશન થઈ રહ્યું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. થિયેટરની બહાર ઢોલ-નગારા વાગી રહ્યા હતા. સિનેમાહોલને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો॥ શિવસેનાના નેતાઓ અને કાર્યકર્તાઓ હોલની બહાર દેખાઈ રહ્યા હતા. ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન લોકોની વચ્ચે બાલાસાહેબ ઠાકરેને લઈને જબરદસ્ત દિવાનગી જોવા મળી હતી.

બીજી તરફ, બાલાસાહેબ ઠાકરેની ભૂમિકા કરીને નવાજુદ્દીન સિદ્દીકીએ પણ મરાઠીઓમાં ઘણી લોકચાહના મેળવી છે. આ એક્ટરનું મહારાષ્ટ્રમાં રજનીકાંત જેવું સ્ટારડમ જોવા મળી રહ્યુ છે. સિનેમાહોલની બહાર નવાજુદ્દીન સિદ્દીકીના મોટા-મોટા પોસ્ટરો અને હોર્ડિંગ લાગેલા છે. ઠાકરે મૂવીમાં સિદ્દીકી હૂબહૂ બાલાસાહેબ ઠાકરે જેવા લાગી રહ્યા છે. શરૂઆતમાં તેમના લુકે દર્શકોને હેરાન કર્યા હતા.

બોક્સ ઓફિસ પર ઠાકરે ફિલ્મની ટક્કર કંગના રનૌતની પીરિયડ ડ્રામા મૂવી મણિકર્ણિકાની સાથે છે. ટ્રેડ રિપોર્ટ્સ મુજબ, ઠાકરે ફર્સ્ટ ડેમાં 2.75 કરોડથી ત્રણ કરોડ રૂપિયા સુધીનું કલેક્શન મેળવી શકે તેવી ગણતરી છે. ફિલ્મને સૌથી વધુ કમાણી મુંબઈ સર્કિટના થિયેટરોમાં થવાની આશા છે. મહત્વપૂર્ણ છે કે બોલીવુડની ફિલ્મો મુંબઈ સર્કિટમાં જ સૌથી વધારે કમાણી કરે છે. રણવીરસિંહની સિમ્બા અને યશની કેજીએફને પણ આ સર્કિટમાં સૌથી વધુ કમાણી થઈ હતી.

બાલાસાહેબ ઠાકરેની બાયોપિક ઠાકરેને દેશભરના 13 હજાર  સ્ક્રીન પર એક સાથે રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ લગભગ ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે થયું છે.

મહારાષ્ટ્રમાં પુણેમાં પણ બાલાસાહેબ ઠાકરેની બાયોપિક ઠાકરેને જોવા માટે શિવસેનાના કાર્યકર્તાઓ ઢોલ-નગારા સાથે સિનેમાઘરોમાં પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ઠાકરે ફિલ્મનો ફ્રીમાં શૉ દર્શાવાઈ રહ્યો છે.

વાશીમાં આઈનોક્સ સિનેમાહોલની બહાર શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. આ હંગામે ઠાકરે ફિલ્મનું પોસ્ટર નહીં લગાવવાના મામલે કરવામાં આવ્યો હતો. શિવસેનાના કાર્યકર્તાઓનો આરોપ હતો કે બાકી ફિલ્મોના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, તો ઠાકરે ફિલ્મનું પોસ્ટર કેમ લગાવાયું નથી. હંગામાને કારણે અહીં સવારનો શૉ રોકવાની ફરજ પડી હતી.