મોટા ઉપાડે શરૂ કરાયેલું સી-પ્લેન આઠ મહિનામાં 8 ઉડાન પણ ભરી શક્યું નથીઃ કોંગ્રેસ કટાક્ષ
અમદાવાદઃ સરદાર પટેલની જન્મ જયંતિ 31મી ઓકટોબર, 2020ના રોજ વડાપ્રધાને દેશના પ્રથમ પેસેન્જર સી– પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી. અમદાવાદથી કેવડિયા વચ્ચે 1લી નવેમ્બર 2020થી શરૂ કરાયેલી સી પ્લેન સફરનું સૂરસૂરિયું થઇ ગયું છે. આ સી પ્લેન પણ ભાજપ સરકારની અન્ય યોજનાઓની જેમ માત્ર એક તાયફો સાબિત થયો છે. આ તાયફા પાછળ સરકારે પ્રજાના પરસેવાના નાણાં ખર્ચ્યા હોવાથી ભાજપ સરકાર પ્રજાની માફી માંગે તેવી માંગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવિડયા સુધી ચાલુ કરાયેલું સી– પ્લેન આઠ મહિનામાં આઠ દિવસ પણ ચાલ્યું નથી. દર દસ દિવસે સી પ્લેનને મેઇન્ટનન્સ માટે મોકલી દેવાય છે. છેલ્લા મેઇન્ટનન્સ માટે ૯ એપ્રિલે માલદીવ ગયેલ સી પ્લેન ૩ મહિનાથી પાછું ડોકાણું પણ નથી. એટલે ભાજપ સરકારની બીજી યોજનાઓની જેમ મોટા ઉપાડે શરૂ કરાયેલ સી–પ્લેનનું પણ સૂરસૂરિયું થઇ ગયું છે. 50 વર્ષ જૂનું રજીસ્ટ્રેશન નંબર ધરાવતું સી–પ્લેનની ખરીદી કરીને પ્રથમથી જ ભાજપ સરકારે પ્રોજેકટને નિષ્ફળ બનાવવાની તૈયારી કરી લીધી હતી. તેમણે વધુમાં ઉમેયુ હતું કે, કોરોના મહામારીની પ્રથમ લહેરના મુશ્કેલ સમયમાં આયોજન વગર લોકડાઉન લાદીને લોકોના ધંધા–રોજગાર છીનવી લીધા હતા. આવા મુશ્કેલ સમયમાં જનતાને રાહત આપવાની જગ્યાએ ભાજપ સરકારે ઉલ્ટાના માસ્કના દંડના નામે લોકો પાસેથી લૂંટેલા કરોડો રૂપિયાનો સી–પ્લેનના તાયફા અને જાહેરાતો પાછળ ધૂમાડો કરી દીધો છે. પાણીની જેમ વપરાયેલા જનતાની પરસેવાની કમાણીના પૈસા પણ પાણીમાં ગયા છે. તેના માટે ભાજપ સરકાર રાજયની જનતાની માફી માંગે તેવી માંગણી કરી છે.
(PHOTO-FILE)