જમ્મુ-કાશ્મીરના લડાખમાં બરફના તોફાન અને હિમખંડના ધસવાની ઘટનાથી ખારદૂંગલા પાસ નજીક ઘણાં વાહનો દબાયા છે. બરફમાં કેટલાક લોકોના દબાયાની આશંકા છે. સેના અને પોલીસ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. બરફની નીચે દબાઈ ગયેલા દશમાંથી ચારની લાશ બહાર કાઢવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી કરી રહેલી સેના અને પોલીસની ટુકડી અન્ય છ લોકોની તલાશીની કાર્યવાહી કરી રહી છે.
જમ્મુ-કાશ્મીરના લડાખમાં ભારે હિમસ્ખલન થયું છે અને તેની ઝપટમાં ઘણાં વાહનો આવી ગયા છે. આ વાહનો બરફની નીચે દબાઈ ગયા છે. આ વાહનોમાં ઓછામાં ઓછા દશ લોકોના દબાયા હોવાની આશંકા પ્રારંભિક અહેવાલોમાં વ્યક્ત કરવામાં આવી છે. આ દુર્ઘટનાની જાણકારી મળતાની સાથે જ ભારતીય સેનાની ટુકડી ઘટનાસ્થળે પહોંચી છે અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી છે. જો કે હવામાનમાં સતત થઈ રહેલા પરિવર્તનોને કારણે સેનાની રાહત અને બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.
મહત્વપૂર્ણ છે કે લડાખ સહીતના આખા જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફના તોફાને તાંડવ સર્જ્યું છે. જણાવવામાં આવે છે કે શુક્રવારે સવારે લગભગ સાત વાગ્યે લડાખના ખારદુંગલામાં સડકની વચ્ચે એક હિમશિલા ધસી પડી હતી. તેની ઝપટમાં કેટલાક પર્યટકો આવ્યા હતા. ખારદુંગલા પાસ પર આવેલી સડક દુનિયાનો સૌથી ઉંચો રોડ છે. અહીં તાપમાન માઈનસ 15 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું છે. બરફમાં ઘણાં પર્યટકોના દબાયાનું જણાવાઈ રહ્યુ છે. તેના સિવાય બરફના તોફાનમાં ઘણાં લોકો ફસાયા છે, તેમને બચાવવાની કોશિશો થઈ રહી છે.
આ હિમસ્ખલનની ઝપેટમાં આવેલા પર્યટકો સંદર્ભે પ્રારંભિક સ્તરે કોઈ માહિતી સામે આવી નથી. હવામાન વિભાગે કાશ્મીર ખીણ અને હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસોમાં ભારે હિમવર્ષા થવાની આગાહી કરી છે.