વડોદરાના પોલીસ કમિશનની ફેક ફેસબુક આઈડી બનાવનારો ઝબ્બે
અમદાવાદઃ સાયબર ક્રાઈમના ગુનાને અંજામ આપતા ગુનેગારો હવે સામાન્ય પ્રજાની સાથે પોલીસ અધિકારીને નિશાન બનાવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ વડોદરાના પોલીસ કમિશનરનું ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ આરંભી દિલ્હીથી એક આરોપીને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના પોલીસ કમિશનર શમશેરસિંઘના નામે ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. ટેક્નિકલ સર્વેલન્સના માધ્યમથી પોલીસે તપાસ કરતા દિલ્હીથી આ ફેક આઈડી બનાવવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. જેથી સાયબર સેલે તપાસ દિલ્હી સુધી લંબાવી હતી. તેમજ તપાસ કરીને ફેક આઈડી બનાવનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.
આરોપીના મોબાઈલમાંથી વડોદરાના પોલીસ કમિશનરનો ફોટો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે તેની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તેમજ આરોપીને વડોદરા લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.