ICICIના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરના પરતિ દીપક કોચર સાથે જોડાયેલા લોન કેસમાં સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી છે. તેની સાથે જ સીબીઆઈએ મુંબઈ અને ઔરંગાબાદમં વીડિયોકૉનના મુખ્યમથકો પર દરોડાની પણ કાર્યવાહી કરી છે. આ આખા મામલામાં ચંદા કોચર વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સીબીઆઈ દ્વારા વેણુગોપાલ ધૂતના વીડિયોકોન ગ્રુપ અને દીપક કોચરની કંપની નૂપાવર વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે. એફઆઈઆર નોંધવાની સાથે જ સીબીઆઈની ટુકડીએ કુલ ચાર સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી છે. જેમાં નરીમન પોઈન્ટ ખાતેની વીડિયોકોનની ઓફિસ અને નૂપાવરના કાર્યાલયો પર સીબીઆઈની ટીમે તપાસ કરી છે.
આઈસીઆઈસીઆઈ બેંક અને વીડિયો કોનના શેર હોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન, આરબીઆઈ અને સેબીને એક પત્ર લખીને વીડિયોકોનના અધ્યક્ષ વેણુગોપાલ ધૂત અને આઈસીઆઈસીઆઈના સીઈઓ અને એમડી ચંદા કોચર પર એકબીજાને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. દાવો છે કે વેણુગોપાલ ધૂતની કંપની વીડિયોકોનને આઈસીઆઈસીઆઈ બેંકમાંથી 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી અને તેના બદલામાં ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચરની વૈકલ્પિક ઊર્જા કંપની નૂપવારમાં પોતાના નાણાંનું રોકાણ કર્યું હતું.
આરોપ છે કે આવી રીતે ચંદા કોચરે પોતાના પતિની કંપની માટે વેણુગોપાલ ધૂતને ફાયદો પહોંચાડયો હતો. 2018માં આના સંદર્ભે ખુલાસો થયા બાદ ચંદા કોચરે બેન્કમાંથી રાજીનામુંઆપ્યું હતું. સીબીઆઈએ પહેલી ફેબ્રુઆરી-2018ના રોજ આના સંદર્ભે પ્રારંભિક તપાસ દાખલ કરી હતી. બાદમાં હવ સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરાવીને તપાસ ચાલુ રાખી છે. વીડિયોકોનને લોન આપવાના મામલામાં ચંદા કોચરની ભૂમિકા પર પણ સવાલ છે. તેવામાં એફઆઈઆર દાખલ થયા બાદ તેમની અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધે તેવ શક્યતા છે.