Site icon Revoi.in

હાથમાં ગીતા, હોઠો પર જયહિંદ સાથે બિહારની દીકરી બની અમેરિકન સેનેટર

Social Share

અમેરિકાના વહીવટી તંત્રમાં ઘણાં ભારતીય મૂળના લોકોની મહત્વપૂર્ણ પદો પર નિમણૂક થઈ ચુકી છે. હવે આ કડીમાં એક નવું નામ જોડાયું છે અને તે નામ મોના દાસનું છે. મોના દાસ ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ પર અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના 7મા જિલ્લાના સેનેટર તરીકે ચૂંટાયા છે. મોના દાસનો પરિવાર ભારતના બિહાર રાજ્ય સાથે સંબંધ ધરાવે છે અને મોના દાસ આઠ માસના હતા, ત્યારે 1971માં તેમનો પરિવાર અમેરિકા પહોંચ્યો હતો.

મોના દાસે ગત 14 જાન્યુઆરીએ સેનેટર પદે શપથગ્રહણ કર્યા અને ખાસ વાત એ રહી કે તેમણે પોતાના હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા લઈને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા અને પોતાના ભાષણનું સમાપન જયહિંદ તથા ભારત માતા કી જયના જયઘોષ સાથે કર્યું હતું.

મોના દાસ અને તેમના પરિવારનો ભારત સાથે અતૂટ લગાવ છે અને તેઓ નજીકના ભવિષ્યમાં પોતાના પૈતૃક ગામ આવવાના છે તથા ભારત ભ્રમણની પણ યોજના બનાવી રહ્યા છે. મોના દાસનું પૈતૃક ગામ બિહારના મુંગેર જિલ્લાના ખડગપુર ડિવિઝનમાં આવેલું દરિયાપુર છે. એક મીડિયા અહેવાલ મુજબ, મોના દાસના દાદા ગોપાલગંજ જિલ્લાના રિટાયર્ડ સિવિલ સર્જન હતા. તેમણે ભાગલપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ અને દરભંગા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પણ કામ કર્યું છે. મોના દાસનો જન્મ દરભંગા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં થયો છે. મોના દાસના પિતા સુબોધ દાસ એક એન્જિનિયર છે અને તેઓ હાલ અમેરિકાના સેન્ટ લુઈસમાં રહે છે. મોના દાસ અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીમાંથી સ્નાતક છે.

મોના દાસ વડાપ્રધાન મોદીના ઘણાં મોટા પ્રશંસક છે. પોતાના શપથગ્રહણ સમારંભમાં મોના દાસે કહ્યુ હતુ કે મહાત્મા ગાંધીની જેમ જ હાલના ઊર્જાવાન નેતા વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે મહિલાઓના જીવનમાં સફળતાની ચાવી શિક્ષણ છે. યુવતીઓને શિક્ષણ આપીને એક આખો પરિવાર અને આગામી પેઢીને શિક્ષિત કરી શકાય છે. મોના દાસ સેનેટર તરીકે ગ્રામીણ વિસ્તારોની મહિલાઓના શિક્ષણ અને ગ્રામીણ વિસ્તારોની અન્ય સમસ્યાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવાની વાત કહી ચુક્યા છે.

મહત્વપૂર્ણ છે કે મોના દાસે ચૂંટણી દરમિયાન બે ટર્મથી સેનેટર રહેલા રિપબ્લિકન પાર્ટીના નેતા જો ફેનને હરાવ્યા હતા. મોના દાસે શપથગ્રહણ બાદ પોતાના ભાષણના સમાપનના તબક્કામાં એક સૂત્ર પણ આપ્યું હતું કે મહિલાઓનું કલ્યાણ, સૌનું સમ્માન છે.