અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કોરોના મહામારીને પગલૈ પાવડી પૂજા બંધ કરવામાં આવી હતી. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા હવે જનજીવન ફરી પાટે ચડી રહ્યું છે. દરમિયાન 11 મહિના બાદ અંબાજીમાં પાવડી પૂજા વિધીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોના મહામારીને પગલે રાજ્યભરમાં ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ રાખવામાં આવ્યાં હતા. અનલોકમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટતા મંદિરના દરવાજાઓ ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા. યાત્રાધામ અંબાજી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે અને તેમાં પણ ખાસ કરીને નિજ મંદિરમાં બ્રાહ્મણો દ્વારા પાવડી પૂજા વિધી કરાતી હોય છે જે કોરોનાને કારણે છેલ્લા 11 માસથી બંધ હતી, જે હવે ફરી શરુ કરવામાં આવી છે. અંબાજી મંદિરના મોટાભાગના પ્રવેશદ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. સરકારની SOP મુજબ પ્રસાદ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સરકાર અને અંબાજી મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા બ્રાહ્મણોની લાગણીને માન આપી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે માતાજીની પાવડી પૂજા ફરી શરૂ કરવામાં આવી છે.