Site icon Revoi.in

અમદાવાદમાં મનપા સંચાલિત વીએસ, શારદાબેન અને એલ.જી હોસ્પિટલનું નવીનીકરણ કરાશે

Social Share

અમદાવાદઃ કોર્પોરેશનના કમિશનર દ્વારા આજે શહેરનું વર્ષ 2021-22નું રૂ. 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં ઘરના ઘરની યોજના હેઠળ મનપા દ્વારા 20 હજારથી વધારે આવાસ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં ચાર ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ ઉપરાંત બી આર ટી એસ માટે 150 મીની ઇલેક્ટ્રોનિક બસોની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં મનપા સંચાલિત વીએસ, શારદાબેન અને એલ.જી હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે. આ બજેટમાં શહેરીજનો ઉપર કોઈ વધારાનો કરબોજ નાખવામાં નથી આવ્યો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2021-2022 નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજુ કરી દેવામાં આવ્યું છે. આ બજેટમાં નવા પ્રોજેક્ટો પણ જાહેર કરવામાં આવ્યા નથી. જો કે, અમદાવાદમાં ચાલી રહેલ પ્રોજેક્ટોને પૂર્ણ કરવા માટે ભાર મૂકવામાં આવ્યા છે. શહેરમાં નવા સામેલ થયેલા બોપલ, ઘુમા, નાના ચિલોડા, કઠવાડાના વિકાસ માટે 110 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે રૂ. 120 કરોડ, શારદાબેન હોસ્પિટલના નવીનીકરણ માટે 95 કરોડ અને એલ.જે.હોસ્પિટલના નવીનીકરણ માટે રૂ. 115 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એસવીપીમાં સિનિયર સીટીઝન માટે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ સાથે જીરિયાટ્રિક વિભાગ કરાશે. રૂ. 310 કરોડના ખર્ચે નવા 4 ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે. ગાંધી આશ્રમનો રૂ. 10 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત ઘરના ઘર યોજના હેઠલ 20489 આવાસો બનાવવામાં આવશે. રેવન્યુ આવક માટે 5337.50 કરોડ અંદાજ રાખવામાં આવ્યો છે. જ્યારે 3912.50 કરોડનો રેવન્યુ ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે.

શહેરના ચાંદખેડા અને ગોતામાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત ગોતા વિસ્તારમાં નવુ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. શહેરમાં 8 નવા ટેનિસ કોર્ટ બનાવાશે. આગામી વર્ષે 19 જેટલા સ્માર્ટ વોટર એટીએમ બનવામાં આવશે.