અમેઠી લોકસભા બેઠક: ગાંધી ફેમિલીનો ગઢ 2019માં થયો હતો ધ્વસ્ત, સંજય ગાંધીથી લઈને રાહુલ ગાંધીને મળી ચુકી છે અહીંથી જીત
ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક રાજ્યના પાટનગર લખનૌથી 130 કિલોમીટર અને દિલ્હીથી 685 કિલોમીટર દૂર છે. આ બેઠક 1967માં અસ્તિત્વમાં આવી. તેના પછી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વ હેઠળ રહી છે. યુપીમાં ઘણીવાર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની સરકારો બની, પણ તેમને આ બેઠક પર અત્યાર સુધીમાં એકપણ વાર જીત મળી નથી. ભાજપને મુશ્કેલીથી 2 વખત અમેઠી પરથી જીતવામાં સફળતા મળી છે.
કોણ ઉમેદવાર-
અમેઠી પરથી કોંગ્રેસે ઉમેદવારનું એલાન કર્યું નથી. આ બેઠક ઈન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસના ખાતામાં ગઈ છે. એનડીએ હેઠળ આ બેઠક ભાજપના ખાતામાં ગઈ છે અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી એકવાર અમેઠીથી મેદાનમાં છે.
ગાંધી ફેમિલીની પરંપરાગત બેઠક-
અમેઠીના રાજકારણમાં 57 વર્ષથી કોંગ્રેસનો દબદબો છે. આ બેઠક ગાંધી પરિવાર તરફથી સંજય ગાંધી, રાજીવ ગાંધી, મેનકા ગાંધી અને રાહુલ ગાંધી સુધીના સદસ્યોએ ચૂંટણી લડી છે 1967માં અમેઠી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી. તેના પછી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. 1977માં સંજય ગાંધીને અમેઠીમાં હાર મળી હતી. પરંતુ 1980ની ચૂંટણીમાં સંજય ગાંધીને જીત મળી હતી. રાજીવ ગાંધીએ અમેઠીથી ચાર વખત જીત પ્રાપ્ત કરી હતી. 1999માં સોનિયા ગાંધીને પણ અમેઠીથી જીત મળી હતી. રાહુલ ગાંધી પણ અમેઠીથી ચાર વખત સાંસદ બની ચુક્યા છે.
2019ની લોકસભા ચૂંટણી-
2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક પર કોંગ્રેસને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ મોટો ઝાટકો આપ્યો હતો. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીને 55 હજાર 120 વોટથી હરાવ્યા હતા. સ્મૃતિ ઈરાનીને 4 લાખ 68 હજાર 514 વોટ અને રાહુલ ગાંધીને 4 લાખ 13 હજાર 394 વોટ મળ્યા હતા.
અમેઠી બેઠકનો ઈતિહાસ-
1967માં અમેઠીમાં કોંગ્રેસના વિદ્યાધર વાજપેયીને જીત મળી હતી. 1971માં વિદ્યાધર વાજપેયીને જીત મળી. 1977માં કટોકટી બાદની ચૂંટણીમાં જનતા પાર્ટીના રવિન્દ્ર પ્રતાપ સિંહને જીત મળી હતી. તેમણે સંજય ગાંધીને હરાવ્યા હતા.
1980મં સંજય ગાંધીએ 1 લાખ 28 હજાર 545 વોટથી જીત મેળવી હતી. 1981માં સંજય ગાંધીના નિધન બાદ યોજાયેલી ચૂંટણીમાં રાજીવ ગાંધી અહીંથી પેટાચૂંટણી જીત્યા હતા. 1984, 1989 અને 1991ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીએ આ બેઠક પરથી જીત મેળવી હતી. 1991માં રાજીવ ગાંધીની હત્યા થઈ હતી અને તેના પછી યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સતીષ શર્માએ જીત મેળવી હતી. 1996માં લોકસભા ચૂંટણીમાં સતીષ શશર્મા ફરીથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. 1998માં ભાજપના ઉમેદવાર સંજય સિંહને જીત મળી હતી.
1999માં ફરી એકવાર ગાંધી ફેમિલીની અમેઠીમાં એન્ટ્રી થઈ હતી.સોનિયા ગાંધીને 1999માં અમેઠીમાં જીત મળી હતી. 2004માં સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી માટે બેઠક ખાલી કરી હતી. રાહુલ ગાંધીને 2004, 2009 અને 2014માં અમેઠીથી જીત મળી હતી. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા.
5 વિધાનસભા બેઠકનું ગણિત-
અમેઠી લોકસભા મતવિસ્તાર હેઠળ પાંચ વિધાનસભા બેઠકો- તિલોઈ, સૈલૂન, જગદીશપુર, ગૌરીગંજ અને અમેઠી સામેલ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 3 અને સમાજવાદી પાર્ટીના 2 બેઠકો પર જીત મળી હતી. પરંતુ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાકેશ પ્રતાપસિંહ ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે. તિલોઈથી ભાજપના મયંકેશ્વર શરણ સિંહ, સૈલૂનથી ભાજપના અશોક કુમાર, જગદીશપુરથી ભાજપના સુરેશ કુમાર, અમેઠીથી સમાજવાદ પાર્ટીના મહારાજ પ્રજાપતિ અને ગૌરીગંજથી રાકેશ પ્રતાપ સિંહ ધારાસભ્ય છે.
જાતિ સમીકરણ-
અમેઠી બેઠક પર બ્રાહ્મણ અને રાજપૂત વોટર્સની બોલબાલા છે. આ બેઠક પર 18 ટકા જેટલા બ્રાહ્મણ, 11 ટકા રાજપૂત, 26 ટકાથી વધુ અનુસૂચિત જાતિના અને 20 ટકા મુસ્લિમ વોટર્સ છે.