અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે અને વધુ ખેંચાઈ પણ રહ્યો છે. 29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં નવી ખંડપીઠ દ્વારા મામલાની સુનાવણી થવાની હતી, પરંતુ જસ્ટિસ બોબડેની ગેરહાજરીને કારણે સુનાવણી ફરી એક વખત પાછી ઠેલાઈ છે.
આ મામલે ફરી એકવાર તારીખ પડવાને કારણે સંત સમાજમાં રોષની લાગણી છે. ઘણાં સંતોનું કહેવું છે કે આવા પ્રકારના વિલંબથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડાઈ રહી છે.
મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ રામમંદિર મામલાની સુનાવણી માટે પાંચ ન્યાયાધીશોની ખંડપીઠની રચના કરી હતી. તેમા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ સિવાય જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ અબ્દુલ નઝીર, જસ્ટિસ એસ. એ. બોબડે અને જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડ સામેલ છે. સુનાવણી 29 જાન્યુઆરીના રોજ થવાની હતી. પરંતુ આખરી સમયે જસ્ટિસ એસ. એ. બોબડે રજા પર ચાલ્યા ગયા અને સુનાવણી ટાળવી પડી છે. હજી એ પણ સ્પષ્ટ થયું નથી કે આ મામલાની સુનાવણી ક્યારે કરવામાં આવશે.
રામલલાના મુખ્ય પૂજારીનું કહેવું છે કે જે પ્રકારે તારીખ પર તારીખ મળી રહી છે, તેનાથી એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જલ્દી ન્યાય મળી રહ્યો નથી. તેમણે કહ્યુ છે કે આટલો મહત્વનો મામલો છે અને ન્યાયાધીશ રજા પર જઈ રહ્યા છે. કોર્ટનું વારંવાર આ મામલાને ટાળવું દુખદ છે. એક પક્ષ મામલાની તારીખ લંબાવવાને કારણે નારાજ છે. જ્યારે બીજા પક્ષનું કહેવું છે કે કોર્ટનું સમ્માન થવું જોઈએ.
બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીનું કહેવું છે કે તારીખ લંબાવવી કોઈ નવી વાત નથી, આવું થતું રહે છે. તેમણે કહ્યુ છે કે જો કોઈની કાર્ટ અથવા સરકારથી નારાજગી છે તો ભલે હોય. આનાથી ન્યાયિક પ્રક્રિયા પર કોઈ અસર થતી નથી.
પ્રયાગરાજમાં મીડિયા સાથેની વાતચીતમાં સંતોએ કહ્યુ છે કે જેના પર સંતોનો આશિર્વાદ હશે, તે વ્યક્તિ જ સત્તામાં પર ટકશે. સંતોનું કહેવું છે કે હવે ચાણક્ય નીતિ પ્રમાણે નવા રાજાની પસંદગી થશે. આ નવો રાજા રામમંદિરનું નિર્માણ કરશે અને રામમંદિરનું નિર્માણ થશે.
મહત્વપૂર્ણ છે કે આના પહેલા 10મી જાન્યુઆરીએ મામલાની સુનાવણી થવાની હતી. પરંતુ બાબરી મસ્જિદના પક્ષકારોના વકીલ દ્વારા ખંડપીઠ પર સવાલ ઉભા કરવામાં આવ્યા હતા. બાદમાં જસ્ટિસ યૂ. યૂ. લલિત ખુદ મામલાથી અલગ થયા હતા અને મુખ્ય ન્યાયાધીને નવી ખંડપીઠની રચના કરવી પડી હતી.
કેવી રીતે મળતી રહ તારીખ પર તારીખ
29 ઓક્ટોબર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે મામલાની જાન્યુઆરી-2019માં સુનાવણીની વાત કહી હતી
4 જાન્યુઆરી, 2019ના રોજ માત્ર 60 સેકટમાં જ નવી તારીખ 10 જાન્યુઆરીએ સુનાવણી કરવાનું ઠેરવ્યું હતું.
8 જાન્યુઆરી, 2019ના રોજ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ નવી ખંડપીઠની રચના કરી હતી.
10 જાન્યુઆરી, 2019ના રોજ ખંડપીઠમાં જસ્ટિસ યૂ. યૂ. લલિતની હાજરી પર વકીલ દ્વારા પ્રશ્ન ઉભો કરાયો, 29 જાન્યુઆરી સુધી સુનાવણી ટળી
27 જાન્યુઆરી, 2019ના રોજ જસ્ટિસ બોબડે રજા પર ગયા, 29 જાન્યુઆરીની સુનાવણી ટળી