આતંકવાદનો માર્ગ છોડીને સેનામાં સામેલ થનારા લાન્સનાયક નઝીર વાનીને અશોક ચક્ર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આ પહેલો મોકો છે કે જ્યારે આતંકવાદના નાપાક માર્ગ પરથી પાછા ફરેલા કોઈ યુવાનને સૈનિક બન્યા બાદ દેશમાં શાંતિકાળ દરમિયાનના સૌથી મોટા સૈન્ય સમ્માનથી નવાજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નઝીર વાનીએ 2004માં આત્મસમર્પણ કર્યું હતું. તેના થોડા સમયગાળા બાદ જ નઝીરે ભારતીય સેનામાં સામેલ થવાનું નક્કી કર્યું હતું. ક્યારેક સેના વિરુદ્ધ લડનારા નઝીર વાનીએ આતંકવાદીઓ સામે લડતા નવેમ્બર-2018માં પોતાનો જીવ વતનના નામે કુર્બાન કર્યો હતો.
ગત વર્ષ નવેમ્બરમાં શોપિયાંમાં કેટલાક આતંકવાદીઓના છૂપાવવાના ઈનપુટ્સ બાદ સુરક્ષાદળોની ટુક્ડી તેમને મોતને ઘાટ પહોંચાડવા માટે પહોંચી હતી. એક મકાનમાં છૂપાયેલા છ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા હતા. આતંકવાદીઓ સામેની અથડામણમાં નઝીર વાનીએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. વળતા ગોળીબારમાં નઝીર વાની પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલ થવા છતાં પણ શહદ નઝીર વાનીએ ઘરમાં છૂપાયેલા આતંકવાદીઓને ભાગવા દીધા નહીં. લાન્સ નાયક નઝીર વાનીએ આતંકવાદીઓના ભાગવાના માર્ગ પરની પોઝિશન પરથી હટયા નહીં અને તેમણે એક પછી એક આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જો કે આ ઓપરેશનમાં આતંકવાદીઓની ગોળીઓનું નિશાન બનેલા નઝીર વાની પણ શહીદ થઈ ગયા હતા.
નઝીર વાનીની અભૂતપૂર્વ બહાદૂરી માટે તેમને અશોક ચક્રથી સમ્માનિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ સચિવાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે નઝીર વાની એક શ્રેષ્ઠ સૈનિક હતા અને તેમણે હંમેશા પડકારજનક મિશનમાં સાહસનો પરિચય આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે નઝીર વાની પોતાની જાંબાજીને કારણે બે વખત સેના મેડલથી સમ્માનિત થઈ ચુક્યા છે.
નઝીર વાની કુલગામના ચેકી અશ્મૂજી ગામના વતની હતા. નઝીરના પરિવારમાં તેમના પત્ની અને બે બાળકો છે. તેમણે 2004માં ટેરિટોરિયલ આર્મીમાંથી સેનામાં પોતાની સેવા આપવાનું શરૂ કર્યું હતું. 2007 અને 2017 એમ બે વખત નઝીર વાનીને સેના મેડલથી નવાજવામાં આવ્યા હતા.