1983 બેચના આઈપીએસ અધિકારી ઋષિકુમાર શુક્લાને સીબીઆઈના નવા નિદેશક બનાવવામાં આવ્યા છે. ઋષિકુમાર શુક્લાના નામ પર સિલેક્ટ કમિટીએ મંજૂરીની મ્હોર લગાવી દીધી છે.
આ સિલેક્ટ કમિટીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં સૌથી મોટા વિપક્ષ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે સામેલ હતા.
મહત્વપૂર્ણ છે કે સિલેક્ટ કમિટીની મંજૂરીની મ્હોર બાદ ઋષિકુમાર શુક્લા આગામી બે વર્ષ માટે સીબીઆઈના ચીફના પદ પર રહશે. મધ્યપ્રદેશના ડીજીપી સહીત અન્ય ઘણાં મહત્વના પદો પર રહી ચુકેલા ઋષિકુમાર શુક્લાને ખૂબ જ તેજતર્રાર આઈપીએસ અધિકારી માનવામાં આવે છે.
ઋષિકુમાર શુક્લા ગ્વાલિયરના વતની છે. તેમની પ્રારંભિક પોસ્ટિંગ સીએસપી રાયપુર તરીકે થઈ હતી. તેઓ દમોહ, શિવપુરી અને મંદસૌર જિલ્લાના એસપી રહી ચુક્યા છે. તેના સિવાય 2009થી 2012 સુધી એડીજી ઈન્ટેલિજન્સ પણ રહી ચુક્યા છે. જુલાઈ-2016થી જાન્યુઆરી-2019 સુધીમાં તેઓ મધ્યપ્રદેશના ડીજીપી પણ રહી ચુક્યા છે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર સત્તામાં આવ્યા બાદ તેમને મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ બોર્ડના ચેરમેન બનાવી દેવામાં આવ્યા હતા.