એમેઝોન ઇન્ડિયાને ભારતના શ્રમ મંત્રાલયે કર્મચારીઓની હકાલપટ્ટી પર સમન્સ મોકલ્યા.
દિલ્હી: કેન્દ્રીય શ્રમ મંત્રાલયે એમેઝોન ઇન્ડિયાને કર્મચારીઓની બળજબરીથી છટણી કરવા અંગે સમન્સ મોકલી આપેલ છે. મંત્રાલય દ્વારા કંપનીને બેંગલુરુમાં ડેપ્યુટી ચીફ લેબર કમિશનર સમક્ષ હાજર થવા જણાવવામાં આવ્યું છે.
સૂત્રો અનુસાર, મંત્રાલય દ્વારા મંગળવારે પાઠવેલી આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “તમને (Amazonને ) વ્યક્તિગત રીતે અથવા અધિકૃત પ્રતિનિધિ સાથે આ બાબતે સંબંધિત તમામ રેકોર્ડ સાથે ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવે છે.”
આ નિર્ણય એમેઝોન પર શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકતી NITES દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ લેવામાં આવ્યો છે. કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવને લખેલા આ પત્રમાં NITESએ દાવો કર્યો છે કે એમેઝોનના કર્મચારીઓને કંપનીમાંથી બળજબરીથી દૂર કરવામાં આવ્યા હતા. NITES એ દાવો કર્યો હતો કે એમેઝોન કંપનીના આ પગલાંને કારણે કંપનીના ઘણા લોકોની આજીવિકા દાવ પર લાગી છે. ઇન્ડસ્ટ્રીઝ ડિસ્પ્યુટ્સ એક્ટ હેઠળ, એવી દલીલ પણ કરવામાં આવી હતી કે સરકારની પરવાનગી વિના, કોઈપણ એમ્પ્લોયર આ રીતે પોતાના કર્મચારીઓની સામૂહિક હકાલપટ્ટી કરી શકતા નથી. NITESના પ્રમુખ હરપ્રીત સલૂજાએ મીડિયાને જણાવ્યું હતું કે યુનિયન, કર્મચારીઓ માટે ન્યાયની અપેક્ષા રાખે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એમેઝોને અત્યાર સુધીમાં 10,000 લોકોની છટણી કરી છે અને આ પ્રક્રિયા હજી 2023 સુધી ચાલુ રહી શકે છે.
(ફોટો: ફાઈલ)