પદ્માવત ફિલ્મના પ્રસારીત થવા સમયે ચર્ચામાં આવેલી કરણી સેના એક વર્ષ બાદ ફરીથી નારાજગી સાથે સામે આવી છે. આ વખતે રાજપૂત સંગઠન કરણી સેનાના નિશાના પર કંગના રનૌતની રાણી લક્ષ્મીબાઈ પર આધારીત ફિલ્મ મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી છે.
કરણી સેનાએ મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસીની રિલીઝનો વિરોધ કર્યો છે. તેમણે રાણી લક્ષ્મીબાઈના અંગ્રેજ અધિકારી સાથેના સંબંધો મામલે દ્રશ્યાંકન પર વાંધો વ્યક્ત કર્યો છે. કરણી સેનાનો દાવો છે કે ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈને એક ગીતમાં ડાન્સ કરતા દર્શાવવામાં આવ્યા છે, આ સભ્યતાની વિરુદ્ધ છે.
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ શેખાવતે એક મીડિયા જૂથ સાથેની વાતચીતમાં કહ્યુ છે કે વારંવાર તેમણે જોયું છે કે ફિલ્મમેકર્સ કોઈ ઉદેશ્યની સાથે ખાસ સીન્સ દર્શાવવાની સ્વતંત્રતા લેતા હોય છે. આ બધું સહન કરી શકાય નહીં. તેમણે આના સંદર્ભે ગત વર્ષ ફેબ્રુઆરીમાં પણ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ, તેમણે પદ્માવતને ઘણાં રાજ્યોમાં રિલીઝ થવા દીધી ન હતી.
સુખદેવસિંહે કહ્યુ છે કે કંગના રનૌતની મણિકર્ણિકાના પણ આવા જ હાલ થવાના છે. તેમણે નિર્માતાઓ સાથે વાત કરીને કહ્યુ છે કે તેઓ ફિલ્મ રિલીઝ થતા પહેલા તેમને દેખાડે. જો આમ કરવામાં નહીં આવે અને મૂવી રિલીઝ કરવામાં આવશે, તો તેઓ પ્રોપર્ટીની તોડફોડ કરશે અને તેના ઉત્તરદાયી તેવો નહીં હોય. સુખદેવ સિંહે કહ્યુ છે કે તેમને સીબીએફએસના ક્લિયરન્સનો કોઈ મતલબ નથી. તેમણે કહ્યુ છે કે આ ફિલ્મને ઈતિહાસકારોને દર્શાવવી જોઈએ, જેથી તેઓ તથ્યોની ચકાસણી કરી શકે.
કરણી સેનાએ દીપિકા પાદુકોણ- રણવીરસિંહ- શાહિદ કપૂરની સ્ટાર કાસ્ટ ધરાવતી ફિલ્મ પદ્માવતનો ખુબ વિરોધ કર્યો હતો. આરોપ હતો કે ફિલ્મમાં રાણી પદ્માવતીનું ખોટી રીતે દ્રશ્યાંકન કરવામાં આવ્યું છે. અલાઉદ્દીન ખિલજી અને પદ્માવતી વચ્ચે રોમેન્ટિક સીન્સ ફિલ્માવાનો આરોપ લગાવાયો હતો. ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીની સાથે મારામારી અને ફિલ્મના સેટની તોડફોડ પણ કરવામાં આવી હતી.
દીપિકા પાદુકોણ અને સંજય લીલા ભંસાલીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. મેકર્સે ઘણીવાર દાવા કર્યા છે કે ફિલ્મમાં રાણી પદ્માવતીના સમ્માનને ઠેસ પહોંચાડવામાં આવી નથી. પરંતુ ફિલ્મ રિલીઝ સુધી કરણી સેનાએ ઘણાં રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યા હતા. આ મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.