અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે જરૂરી મેડિકલ સામગ્રીની કાળાબજારી થતી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સરકાર દ્વારા પણ કાળા બજારી કરનારા શખ્સોને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવવામાં આવી છે. હવે ઈન્જેકશનની કાળા બજારી કરનારની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાનો સરકારે નિર્ણય લીધો છે. પોલીસે પણ આવા તત્વોને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિકૃત લોકો ઇન્જેક્શનની કાળા બજારી કરી રહ્યા છે તેમને છોડવામાં નહીં આવે. આ સિવાય પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ સહિતની ઘણી બધી કલમો લગાડવાના આદેશ આપવામાં આવ્યા છે. મોતના સોદાગરોની શાન ઠેકાણે લાવવા માટે રાજ્ય સરકારે પૂરી કડકાઇ કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં આવા કાળાબજારી કરનારા લોકોને સબક શીખવાડવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પાસા કાયદા હેઠળ કાળા બજારીઓની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરાશે. રાજ્યના પોલીસ વિભાગને આ મુદ્દે કડક આદેશ આપી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં એક જ મહિનામાં 6 લાખ રેમડેસિવિર ઈંજેક્શન આપવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના જુહાપુરમાં આરોપીઓના ઘરેથી ઇન્જેક્શન મળ્યા હતા. મોહમ્મદ આસિફ અને રમિશ કાદારી નામક આરોપીઓના ઘરમાંથી 1100 ઈંજેક્શન મળી આવ્યા છે અને તેમણે સુરતના રહેવાસી કૌશલ વોરા પાસેથી ઇન્જેક્શન લીધા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ 60 હજાર ઇન્જેક્શન વેચવાનું પ્લાનિંગ કર્યું હતું. આરોપીઓ સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે.