અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાને ડામવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આગામી તા. 1લી માર્ચથી 60 વર્ષથી વધારે ઉંમરના લોકો અને વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. સરકાર દ્વારા કોરોનાના આ રસીકરણ માટે સરકારી કેન્દ્રો ઉભા કરવાની સાથે કેટલીક ખાનગી હોસ્પિટલનો પણ મંજૂરી આપી છે. જો કે, ખાનગી હોસ્પિટલમાં રસી માટે ચાર્જ વસુલવામાં આવશે.
#COVIDVaccination #COVID19 pic.twitter.com/SFFikfudHj
— Nitin Patel (@Nitinbhai_Patel) February 27, 2021
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારત સરકારે કોરોનાની વેકસીન ખાનગી હોસ્પિટલમાં લેવાની કિંમત ફક્ત રૂપિયા 150 નક્કી કરેલ છે અને વહીવટી ચાર્જ 100 રૂપિયા નક્કી કરેલ છે. આમ આરોગ્ય વિભાગ માન્ય ખાનગી હોસ્પિટલમાં ફક્ત રૂપિયા 250ની કિંમત થી એક વેકસીનનો ડોઝ પ્રાપ્ત કરી શકાશે અને સરકારી હોસ્પિટલમાં આ વેકસીન વિનામૂલ્ય આપવામાં આવશે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવી હતી. હવે 60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને વિવિધ બીમારીથી પીડાતા 45 વર્ષથી વધુને તા. 1 માર્ચથી કોરોનાની રસી આપવામાં આવશે. કોરોનાની રસી માટે નોંધણી કરાવું ફરજિયાત છે. સરકારી હોસ્પિટલ અને સરકાર માન્ય ખાનગી હોસ્પિટલમાં કોરોનાની રસી આપવામાં આવશે. તા. 1 માર્ચથી કોરોનાની રસી માટે આરોગ્ય વિભાગ દ્વારા કવાયત તેજ બનાવી છે.