1. Home
  2. ગુજરાતી
  3. ગલ્ફની શાંતિમાં ખલેલની શક્યતા: સાઉદીનો બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ આગળ વધી રહ્યો છે?
ગલ્ફની શાંતિમાં ખલેલની શક્યતા: સાઉદીનો બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ આગળ વધી રહ્યો છે?

ગલ્ફની શાંતિમાં ખલેલની શક્યતા: સાઉદીનો બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ આગળ વધી રહ્યો છે?

0
Social Share

ઉત્તર કોરિયાનો પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલનો કાર્યક્રમ વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે. તેવી જ રીતે હવે ખાડી દેશોમાં પણ આવી જ મુસીબત વિશ્વની સામે ઉભી થવાની શક્યતાઓ છે. વિશેષજ્ઞો અને સેટેલાઈટ ઈમેજીસ પરથી ખુલાસો થયો છે કે સાઉદી અરેબિયામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા મિલિટ્રી બેસ ખાતે બેલેસ્ટિક મિસાઈલના સંભવિત નિર્માણ અને તેના પરીક્ષણની શક્યતા છે. આવા પ્રકારના હથિયાર કાર્યક્રમના પુરાવાને લઈને સાઉદી અરેબિયા તેના પરંપરાગત વ્યૂહાત્મક શત્રુ ઈરાનની આકરી ટીકા કરી ચુક્યું છે.

આવા શસ્ત્રો વિકસિત કરવાના કાર્યક્રમને લઈને આશંકાઓ સાઉદી અરેબિયાના શક્તિશાળી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ટીપ્પણીને કારણે વધુ પ્રબળ બને છે. ગત વર્ષ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યુ હતુ કે જો ઈરાન પાસે પરમાણુ હથિયાર હશે, તો સાઉદી અરેબિયા પણ ન્યૂક્લિયર વેપન વિકસિત કરવાથી ખચકાશે નહીં. બેલેસ્ટિક મિસાઈલો દ્વારા હજારો કિલોમીટર સુધી ન્યૂક્લિયર વોરહેડ્સ લઈ જઈ શકાય છે. જો કે આ મામલે રિયાધ અને વોશિંગ્ટન ખાતેના સાઉદી દૂતાવાસના અધિકારીઓએ ટીપ્પણી કરવાનું ટાળ્યું છે.

આવા બેલેસ્ટિક મિસાઈલ વિકસિત કરવાના કાર્યક્રમને કારણે તેના લાંબા સમયથી સિક્યુરિટી પાર્ટનર રહેલા અમેરિકાની સાથેના તેના સંબંધો વધુ ખબાર થશે. પહેલા જ વોશિંગ્ટન પોસ્ટના કોલમિસ્ટ જમાલ ખશોગીની હત્યા અને સાઉદીના નેતૃત્વવાળી ગઠબંધન સેનાના યમનમાં યુદ્ધને મામલે રિયાધ અને વોશિંગ્ટન વચ્ચે સતત રાજદ્વારી તણાવની સ્થિતિ બનેલી છે.

કેલિફોર્નિયાના મોન્ટેરે ખાતેના મિડ્ડલેબરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના મિસાઈલ એક્સપર્ટ જેફરી લેવિસે કહ્યુ છે કે મિસાઈલોમાં થતા મોટા રોકાણને મોટાભાગે પરમાણુ હથિયારો માટેના હિતો સાથે જોડવામાં આવે છે. સેટેલાઈટ ઈમેજીસનો અભ્યાસ કરનારા લેવિસે કહ્યુ છે કે તેમને થોડીક ચિંતા થઈ રહી છે, કારણ કે સાઉદી અરેબિયાની મહત્વકાંક્ષાઓને ઓછી આંકવામાં આવે છે.

સાઉદી અરેબિયાના પાટનગર રિયાધથી 230 કિલોમીટર પશ્ચિમમાં આવેલા અલ-દવાદમી કસબાની નજીકના મિલિટ્રી બેસની સેટેલાઈટ ઈમેજીસ પર સૌથી પહેલા વોશિંગ્ટન પોસ્ટે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેન્સ ડિફેન્સ વીકલીએ સૌથી પહેલા 2013માં આ મિલિટ્રી બેસની ઓળખ કરી હતી. તેના બે લોન્ચ પેડ્સ ઈઝરાયલ અને ઈરાને નિશાન બનાવાયેલા દેખાયા હતા. અહીં ચીન પાસેથી સાઉદી અરેબિયાએ મેળવેલી બેલેસ્ટિક મિસાઈલો બંને લોન્ચ પેડ્સ પર જોવા મળી હતી.

નવેમ્બરની સેટેલાઈટ ઈમેજીસમાં દેખાતું માળખું એટલું મોટું હતું કે જેને બેલેસ્ટિક મિસાઈલના નિર્માણ અને ફ્યૂલિંગ માટે વાપરી શકાય. બેસના ખૂણામાં રોકેટ એન્જિન ટેસ્ટ સ્ટેન્ડ પણ જોઈ શકાતું હતું. તેના પર રોકેટ દેખાતું હતું અને ત્યાં તેને પરીક્ષણ માટે ફાયર કરાયું હતું. એક્સપર્ટનું કહેવું છે કે આવું પરીક્ષણ કાર્યક્ષમ મિસાઈલોના નિર્માણની કોશિશ માટે ચાવીરૂપ હોય છે.

વોશિંગ્ટન ખાતેની ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટજીક સ્ટ્ડીઝના મિસાઈલ ડિફેન્સ વિભાગના સિનિયર ફેલો મિશેલ ઈલ્લેમને પણ સેટેલાઈટ તસવીરોની સમીક્ષા કરી છે. તેમણે કહ્યુ છે કે આ તસવીરો બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામનો ખુલાસો કરે છે.

પ્રશ્ન એ પણ છે કે સાઉદી અરેબિયાને આવી સુવિધાઓના નિર્માણ માટેની ટેક્નોલોજી ક્યાંથી મળી હશે. લેવિસનું કહેવું છે કે સાઉદી અરેબિયા ચીન જેવી ડિઝાઈનના રિસેમ્બલ્સ ધરાવે છે. જો કે તે પ્રમાણમાં નાના છે.

ચીનના સાઉદી અરેબિયાને સૈન્ય સમર્થન એ કોઈ આશ્ચર્ય નથી. ચીને સાઉદી અરેબિયા અને મધ્ય-પૂર્વના દેશોને હથિયારબંધ ડ્રોન્સનું વેચાણ વધાર્યું છે. જો કે પોતાના જ મિત્રદેશને અમેરિકાએ આવા વેચાણ પર રોક લગાવી છે. ચીને સાઉદી અરેબિયાને ડોંગફેંગ બેલેસ્ટિક મિસાલોનું પણ વેચાણ કર્યું છે. પહેલા પણ સાઉદી અરેબિયા પાસે આવી મિસાઈલો હોવાનું માનવામાં આવતું હતું.

સાઉદી અરેબિયાના આવા કોઈ મિલિટ્રી બેસ સંદર્ભે ચીનના સંરક્ષણ મંત્રાલયે તાત્કાલિક ટીપ્પણી આપવાનું ટાળ્યું છે. ચીનના વિદેશ વિભાગના પ્રવક્તા હ્યુ ચુન્યિંગે કહ્યું છે કે તેમણે ક્યારેય એવી વાત સાંભળી નથી કે ચીને સાઉદી અરેબિયાને મિસાઈલ બેસ નિર્માણ માટે મદદ કરી હોય.

સાઉદી અરેબિયા અને ચીન એમ બંનેમાંથી કોઈપણ દેશ મિસાઈલ ટેક્નોલોજી કંટ્રોલ રેઝીમના સદસ્ય દેશો નથી. આ ત્રીસ વર્ષ જૂની સમજૂતીછે. તેના દ્વારા ન્યૂક્લિયર બોમ્બ જેવા વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શનનું વહન કરનારા હથિયારોને લઈ જવા સક્ષમ રોકેટ્સનો પ્રસાર મર્યાદીત કરવામાં આવ્યો છે.

ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામને સાઉદી અરેબિયા પ્રાદેશિક સ્તરે વ્યૂહાત્મક ખતરો માને છે. સાઉદી અરેબિયાની સાથે ઈઝરાયલ અને અમેરિકાએ પણ ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામની ટીકા કરી છે.
2015માં વૈશ્વિક મહાસત્તાઓ સાથેના પરમાણુ કરાર બાદ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ મર્યાદીત થઈ ચુક્યો છે અને ઈરાને તેને શાંતિપૂર્ણ ગણવ્યો છે. જો કે પશ્ચિમી દેશોની મહાસત્તાને આશંકાઓ છે કે સિવિલ ન્યૂક્લિયર પ્રોગ્રામના નામે પરમાણુ હથિયારોની ક્ષમતા વિકસિત કરાઈ હતી. જો કે ઈરાને આવા આરોપોને સતત રદિયો આપ્ય છે.

ઈરાનની એરફોર્સ 1979 પહેલા ફાઈટર જેટ્સ પર દારોમદાર ધરાવે છે. જેને કારણે ઈરાને હવે બેલેસ્ટિક મિસાઈલ પર નિર્ભરતા વધારી છે. બીજી તરફ સાઉદી અરેબિયા પાસે અત્યાધુનિક ફાઈટર જેટ્સ એફ-15, ટાયફૂન્સ અને ટોર્નેડો જેવા યુદ્ધવિમાનો છે. ત્યારે સાઉદી અરેબિયા દ્વારા મિસાઈલો શા માટે વિકસિત કરાઈ રહી છે, તેને વૈશ્વિક શાંતિ સામેના ખતરા સંદર્ભેના દુનિયાના સૌથી મોટા સવાલોમાંથી એક માનવામાં આવે છે.

ડિફેન્સ એક્સપર્ટ ઈલ્લેમને કહ્યુ છે કે સાઉદી અરેબિયાના પાયલટ્સ તાલીમબદ્ધ છે. પરંતુ તેમ છતાં સાઉદી અરેબિયાને લોજેસ્ટિક હેલ્પ માટે અમેરિકા પર નિર્ભર રહેવું પડે છે. તેમણે કહ્યુ છે કે સાઉદી અરેબિયા હાલ મોટા પ્રમાણમાં અમેરિકાની મદદ પર નિર્ભરતા ધરાવે છે. ઈરાનિયન લક્ષ્યાંકો પર હુમલા વખતે અમેરિકાની ફોર્સિસ અને સપોર્ટિંગ ફંક્શન્સ સાઉદી અરેબિયાને આમા મદદ કરે તેની કોઈ સંપૂર્ણપણે ખાતરી નથી. બેલેસ્ટિક મિસાઈલો આવી ચિંતાની સામે વ્યાજબી ઉપાય છે.

બીજી તરફ યમનના હુતી વિદ્રોહીઓ દ્વારા સાઉદી પર છેક રિયાધ સુધીની પહોંચ ધરાવતા મિસાઈલ હુમલા કરવામાં આવે છે. અમેરિકા અને પશ્ચિમી દેશોના વિશેષજ્ઞોનું કહેવું છે કે ઈરાન દ્વારા આવી મિસાઈલો હૂતી વિદ્રોહીઓને પુરી પાડવામાં આવે છે. જો કે આવા આરોપોને હૂતી વિદ્રોહીઓ અને ઈરાન બંને નકારે છે.

સાઉદી અરેબિયા પોતાના પરમાણુ કાર્યક્રમને આગળ વધારવાની ફિરાકમા છે અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન કહી ચુક્યા છે કે જો ઈરાન વિકસિત કરશે, તો સાઉદી પાસે પણ આવા હથિયારો હશે. ગત વર્ષ માર્ચમાં 60 મિનિટના ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ કે સાઉદી અરેબિયા પરમાણુ બોમ્બ મેળવવા માંગતું નથી. પરંતુ કોઈપણ પ્રકારની શંકા વગર જો ઈરાન પરમાણુ બોમ્બ વિકસિત કરશે, તો સાઉદી અરેબિયા પણ ઝડપથી આવું કરશે.

ટેક્સાસ બેસ્ડ પ્રાઈવેટ ઈન્ટેલિજન્સ ફર્મ ઓસ્ટિનના સ્ટ્રેટફોરે કહ્યુ છે કે સાઉદી અરેબિયાનો કાર્યક્રમ ઈરાનના બેલેસ્ટિક મિસાઈલના પ્રોગ્રામને મર્યાદીત કરવાના અમેરિકા અને તેના વેસ્ટર્ન એલાઈની કોશિશોને વધુ ગુંચવશે. સ્ટ્રેટફોરે કહ્યુ છે કે સાઉદી અરેબિયા ટેસ્ટ લોન્ચ ફેઝમાં જશે, તો અમેરિકા પર પ્રતિબંધો દ્વારા કાર્યવાહીનું દબાણ વધશે. જેવું કે અમેરિકાએ ઈરાન સાથે કર્યું છે.

બીજી ઓક્ટોબરે ઈસ્તંબુલ ખાતેના સાઉદી કોન્સ્યુલેટમાં ખશોગીની હત્યા બાદ અમેરિકન કોંગ્રેસમાં સાઉદી અરેબિયાની ટીકાઓમાં વધારો થયો છે. તો યમનમાં ચાલી રહેલા યુદ્ધને લઈને પણ સાઉદી અરેબિયાની ટીકા કરવામાં આવી છે.

ઈલ્લેમને કહ્યુ છે કે જો સાઉદી અરેબિયા પરમાણુ ક્ષમતા ધરાવતી મિડિયમ રેન્જ સિસ્ટમ્સ વિકસિત કરશે, તો પ્રતિક્રિયા ઘણી ઉગ્ર હશે. જો કે તે સાર્વજનિક ન પણ હોય. તેમણે કહ્યુ છે કે આને અમેરિકા અને પ્રાદેશિક સ્થિરતા માટે વધુ એક જોખમ તરીકે લઈને અમેરિકન કોંગ્રેસ સાઉદી અરેબિયાની ઝાટકણી કાઢશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code