Site icon Revoi.in

ગુજરાતઃ ધો-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે સરકાર દ્વારા ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન કોરોનાના કેસમાં ઘટાડો થતા બોર્ડના ધો-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. જેથી નારાજ વાલીઓએ રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાની માંગણી કરી હતી. તેમજ પરીક્ષા રદ કરવાની માંગણી સાથે આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

કેસની હકીકત અનુસાર ગુજરાતમાં 15 જુલાઈથી ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા રદ કરવાની માગ ઉઠી છે. આ મુદ્દે હાઈકોર્ટમાં પણ અરજી થઈ હતી. આ અરજીની સુનાવણીમાં કોર્ટે નારાજગી વ્યક્ત કરીને હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો.

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની માગના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ નાપાસ થયેલાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પાસ થઈ પોતાની ક્ષમતા બતાવે તેવી ટકોર પણ કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીઓએ ભણવા પર ધ્યાન આપવું જોઈએ. તેમજ વાલી મંડળને પણ વિદ્યાર્થીઓના હિતમાં રજૂઆત કરવા ટકોર કરી હતી. હાઈકોર્ટે આ અરજીની સુનાવણી તા. 13મી જુલાઈ સુધી મુલત્વી રાખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ધો.10ના 19485 અને ધો.12માં 11337 જેટલા રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો-10ના વિદ્યાર્થીઓ માટે 7 ઝોનની 108 બિલ્ડીંગ ફાળવાઈ છે. જ્યારે ધો-12ના વિદ્યાર્થીઓ માટે 1 ઝોનની 32 બિલ્ડીંગ ફાળવાઈ છે. કોરોના ગાઈડલાઈન અનુસાર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.