અમદાવાદઃ ગુજરાતમાં 458 જેટલી પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની સુવિધા નહીં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં 17 જેટલી સરકારી પ્રાથમિક શાળામાં વીજળીની પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું જાણવા મળે છે. જ્યારે પ્રાથમિક શાળાઓમાં 18 હજારથી વધારે ઓરડાની ઘટ છે.
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, રાજ્યની 17 સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની પાયાની સુવિધા ઉપલબ્ધ નથી. મોરબીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 1, પોરબંદરમાં 7, ગીર સોમનાથમાં 2, સુરેન્દ્રનગરની 2 પ્રાથમિક શાળાઓમાં વીજળી નથી. રાજ્યની 458 પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની પણ સુવિધા નથી.
હાલ રાજ્યમાં કુલ 1326 સરકારી, 5181 ગ્રાન્ટેડ શાળાઓ છે. હાલ રાજ્યમાં 5138 ખાનગી માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓ છે. ગુજરાતમાં 458 પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ જ નતી જ્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં 18,537 ઓરડાની ઘટ છે જેમાંથી સૌથી વધુ બનાસકાંઠામાં 1,555 ઓરડાની ઘટ છે. દાહોદમાં 1,477, પંચમહાલમાં 1,194 ઓરડાની ઘટ પડી છે. રાજકોટ જિલ્લામાં સરકારી શાળાઓમાં 449 ઓરડાની ઘટ છે. ગીર સોમનાથની પ્રાથમિક શાળાના 196 ઓરડાની ઘટ છે.