ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત
અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. જો કે, હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયાં છે.
હવામાન વિભાગ દ્વારા તા. 8થી 10મી જાન્યુઆરી સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ડાંગ, તાપી, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી અને ભરૂચમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં આગામી 3 દિવસમાં વરસાદની શકયતા છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ચિંતામાં ખેડૂતો ગરકાવ થઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જેથી વહેલી સવારે અને રાતના સમયે લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળે છે. એટલું જ નહીં લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો પણ સહારો લઈ રહ્યાં છે.