- ગુજરાત વાલીમંડળે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
- બોર્ડની પરીક્ષા મેની જગ્યાએ જૂનમાં રાખવા રજૂઆત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા અમદાવાદ સહિતના શહેરોમાં સ્કૂલોમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. હવે બાળકોમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળતા વાલીઓ પણ ચિંતામાં મુકાયાં છે. દરમિયાન ગુજરાત વાલીમંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ધો-1થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગણી કરી છે. આ ઉપરાંત ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા મે નહીં પરંતુ હવે જૂન મહિનામાં યોજવા માટે રજૂઆત કરી છે.
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. હાલની પરિસ્થિતિમાં મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી, જેથી 1થી 9 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે અને ધોરણ 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં નહિ પરંતુ જૂન મહિનામાં લેવામાં આવે તેવી પત્રમાં માંગણી કરવામાં આવી છે. નવું વર્ષ પણ જૂન મહિનાથી શરૂ થશે અને 240 દિવસ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે અભ્યાસના પૂરા દિવસો પણ ન મળી રહે, તેથી તાત્કાલિક માસ પ્રમોશનની જાહેરત કરવાની માગણી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા અમદાવાદ સહિત આઠ શહેરી વિસ્તારમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓનલાઈન કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામીણ વિસ્તારમાં જ ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવતું હતું. જો કે, કોરોના વાયરસના કેસ વધતા હાલ પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓને ઓફલાઈન એજ્યુકેશનની જગ્યાએ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે.