- ગાંધીનગર સ્થિત IFSCમાં દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સ્થપાશે
- તેનું કામકાજ આગામી જુલાઇ કે ઑગસ્ટ સુધીમાં શરૂ થવાની સંભાવના
- ત્યારબાદ દુબઇથી ભારતમાં ગોલ્ડ ટ્રેડિંગનો એક મોટો હિસ્સો ગિફ્ટ સિટીમાં ફંટાય શકે
ગાંધીનગર: ગુજરાત સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને હવે ગુજરાતમાં ગાંધીનગર સ્થિત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ખાતે દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સ્થપાઇ રહ્યું છે અને તેનું કામકાજ આગામી જુલાઇ કે ઓગસ્ટ સુધીમાં શરૂ થવાની સંભાવના છે. આથી દુબઇથી ભારતમાં ગોલ્ડ ટ્રેડિંગનો એક મોટો હિસ્સો ગિફ્ટ સિટીમાં ફંટાય તેવી અપેક્ષા છે.
આ અંગે ગિફ્ટ સિટીના એમડી તપન રે એ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની સ્થાપના થવાથી ભારતીય પરિવારો પાસે રહેલા સોનાનો એક મોટો જથ્થો બજારમાં આવી શકે છે. તે ઉપરાંત વેચાણકર્તાઓને કિંમતી ધાતુની માટે યોગ્ય અને પારદર્શી મૂલ્ય મળી શકશે.
એવો અંદાજ છે કે, ભારતીય ઘરોમાં લગભગ 22,000 ટન સોનું પડેલુ છે, જે નિષ્ક્રિય છે. તેમનું કહેવુ છે કે, એક બુલિયન એક્સચેન્જ IFSCમાં સ્થપાશે. તેમણે કહ્યુ કે, બીએસઇ, એનએસઇ અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇનડિયા એક વૈશ્વિક ભાગીદારની સાથે મળી બુલિયન એક્સચેન્જની સ્થાપના કરશે. તેઓ એક્સચેન્જ સ્થાપિત કરવાની નીતિ-પ્રક્રિયા અંગે પરસ્પર મંત્રણા કરી રહ્યા છે.
ગિફ્ટ સિટીના એમડીએ કહ્યુ કે, સોનાનો સૌથી મોટો ગ્રાહક હોવા છતાં ભારતનો સોનાના વૈશ્વિક ભાવ નિર્ધારણમાં કોઇ યોગદાન નથી. વધુમાં જણાવ્યુ કે, અમે વૈશ્વિક બજારમાં પર્ચેજિંગ પાવરનો લાભ ઉઠાવવામાં સક્ષમ નથી. ભારત દર વર્ષે લગભગ 800થી 900 ટન સોનાની આયાત કરે છે. સરકારે પાછલા વર્ષે કેન્દ્રીય બજેટમાં બુલિયન એક્સચેન્જ સ્થાપવાની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે IFSCમાં પણ બુલિયન ક્લિયરિંગ ઓપરેશન થશે. જે બેંકો સોનાની આયાત કરે છે, તેઓની પણ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જમાં હાજરી રહેશે. ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જમાંથી દેશભરમાં સોનાના એકસમાન ભાવ નિર્ધારણની અપેક્ષા છે.
(સંકેત)