Site icon Revoi.in

ગુજરાત પોલીસ બનશે વધુ આધુનિકઃ દસ હજાર બોડીવોર્ન કેમેરા ઉપલબ્ધ કરાવાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલતી પોલીસ હવે વધારે આધુનિક બનશે. હવે પોલીસ વિભાગમાં રૂ. 50 કરોડના ખર્ચે દસ હજાર બોડીવોર્ન કેમેરા વસાવવામાં આવશે. આમ ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોલીસ સતત કામગીરી કરે છે. તેમજ પોલીસ તંત્રને વધારે આધુનિક બનાવવા માટે રૂ. 7060 કરોડની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. હવે પોલીસ વિભાગમાં બોડીવોર્નનો ઉપયોગ કરવામાં આવશે. પોલીસે શરીર પર લગાવેલા બોડી વોર્ન કેમેરાથી 50થી 60 મિટરની રેન્જમાં સામેની વ્યક્તિની ગતિવિધિ લાઈવ અથવા રેકોર્ડિંગથી કેદકરી લેવામાં આવશે. આ કેમેરાથી પોલીસ સાથેના લોકોના ઝઘડા પર અંકુશ આવશે તે સાથે જ પોલીસને ગંભીર ગુનામાં દિશા મળવા ઉપરાંત પુરાવા એકત્ર કરવામાં સરળતા પડશે. આ કેમેરાથી ટ્રાફિક નિયમન, કાયદો- વ્યવસૃથા, વીવીઆઈપી સુરક્ષા સહિતના આયોજનો વધુ મજબૂત બનાવી શકાશે. પોલીસ હેલમેટ, યુનિફોર્મ કે અન્ય પહેરવેશ પર બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરી શકશે.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. આ કેમેરા અનેક ગંભીર ગુનાની તપાસમાં પોલીસને મદદરૂપ સાબિત થઈ રહ્યાં છે. આ ઉપરાંત શહેરના વિવિધ ચાર રસ્તા ઉપર લગાવવામાં આવેલા કેમેરાની મદદથી ટ્રાફિકનું નિયમન પણ કરવામાં આવે છે. હવે બોડીવોર્ન કેમેરા પોલીસને મળતા ગંભીર ગુનાઓ અટકવાની શકયતા છે.