- ચીનની દરેક ચાલ પર બાજનજર માટે ભારતીય સેનાએ સરકાર પાસે રડારની માંગણી કરી
- ભારતીય સેનાએ લો લેવલ લાઇટવેઇટ રડારની માંગણી કરી
- તેનાથી ચીનની દરેક ગતિવિધિઓ પર ચાંપતી નજર રહેશે
નવી દિલ્હી: લદ્દાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચે વિવાદ હજુ અકબંધ છે, અનેકવાર મંત્રણા છતાં પણ હજુ કોઇ સમાધાન આવ્યું નથી. બીજી તરફ ચાલબાઝ ચીન સતત કોઇને કોઇ હરકત કરીને વિવાદને વધુ ઉત્તેજન આપી રહ્યું છે અને ચીનની દરેક ચાલ પર બાજ નજર રાખવા માટે ભારતીય સેનાએ સરકાર પાસે લો લેવલ લાઇટવેઇટ રડારની માંગણી કરી છે.
ભારત-ચીનની ભૌગોલિક ચિત્ર પર નજર કરીએ તો મોટા ભાગની સરહદ પર્વતીય વિસ્તાર છે અને પર્વતો હોવાને કારણે ચીનની ગતિવિધિઓ પર નજર રાખવાનું કામ વધુ પડકારજનક અને કાઠું છે. આ વિસ્તાર ખાસ કરીને ઓછી ઊંચાઇએ ઉડતા દુશ્મનના વિમાનો, હેલિકોપ્ટરો અને ડ્રોન માટે મદદગાર છે.
આપને જણાવી દઇએ કે, સેનાએ જે રડારની માંગણી કરી છે તે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટની યાદીમાં સમાવિષ્ટ છે.
જેમાં સર્વેલન્સ અને હથિયારથી સજ્જ ડ્રોન, કાઉન્ડર ડ્રોન સિસ્ટમ, ઈન્ફ્રન્ટી વેપન્સ ટ્રેનિંગ સિમ્યુલેટર, રોબોટિકસ સર્વિલેન્સ પ્લેટફોર્મ, પોર્ટેબલ હેલીપેડ જેવા ઘણા હથિયારો સામેલ છે.
સરકાર અત્યારે મેક ઇન ઇન્ડિયાને વધુ પ્રોત્સાહિત કરવા માટે અને દેશમાં જ શસ્ત્ર ઉદ્યોગ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તથા પ્રોત્સાહન આપવા માટે 209 ડિફેન્સ પ્રોડક્ટ્સને 2025 સુધી બહારથી ખરીદવા પર પ્રતિબંધ મુક્યો છે.
નોંધનીય છે કે, DRDO દ્વારા એક ખાસ પ્રકારના રડારનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેને અશ્લેષા નામ અપાયું છે. વાયુસેનાએ તેને પોતાની ખેપમાં સામેલ કર્યું છે.