Site icon Revoi.in

ચીનનો મોટો રણનીતિક ફેરફાર, ભૂમિસેનામાં બીજિંગે કર્યો 50%નો ધરખમ ઘટાડો

Social Share

દુનિયાની સૌથી મોટી સેના પીપલ્સ લિબરેશન આર્મીનો દમ ભરનારા ચીને પોતાની ભૂમિસેનામાં મોટો ઘટાડો કર્યો છે. ચીને પોતાની ભૂમિસેનાનામાં લગભગ 50 ટકા જેટલો ધરખમ ઘટાડો કર્યો છે. જો કે ચીન પોતાની ભૂમિસેનાના સૈનિકોમાં ઘટાડો કરીને હવે પોતાની વાયુસેના અને નૌસેનાને મજબૂત બનાવી રહ્યુ છે. પીએલએને એક વ્યાપક આધુનિક દળ બનાવવાના ઈરાદાથી ચીને આના સંદર્ભે અનિવાર્ય રણનીતિક પરિવર્તન કર્યું છે. ચીન પોતાની સેનાને આધુનિક બનાવી રાખવા માટે પણ જાણીતું છે.

હોંગકોંગ ખાતે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે ચીનની સરકારી ન્યૂઝ એજન્સી સિન્હુઆને ટાંકીને જણાવ્યું છે કે વીસ લાખ સૈનિકો ધરાવતા ચીનના સૈન્ય પ્રતિષ્ઠાને પોતાની નૌસેના, વાયુસેના અને નવા વ્યૂહાત્મક એકમોને વધુ મજબૂત બનાવ્યા છે અને ભૂમિસેનાના આકારમાં ઘટાડો કર્યો છે.

આ અહેવાલમાં પીએલએ તરપથી કરવામાં આવેલા ફેરફારને પ્રમુખતા સાથે જણાવ્યો છે. રવિવારે પ્રકાશિત થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીએલએના ઈતિહાસમાં આ નવો ડેટા અભૂતપૂર્વ છે. ભૂમિસેનાની કુલ સંખ્યામાં 50 ટકાથી પણ ઓછી રહી ગઈ છે. ચીનના લગભગ અડધા બિન-યુદ્ધક એકમોને બહાર કરી દેવામાં આવ્યા છે અને પીએલએમાં અધિકારીઓની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પહેલીવાર નથી કે જ્યારે પીએલએની સંખ્યામાં ઘટાડો કરવાની વાત સામે આવી છે. આના પહેલા પણ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ પીએલએના આકારને ઘટાડવાની પહેલ કરી ચુક્યા છે. રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે સૈન્ય સુધારણાને આગળ વધારતા તાજેતરના વર્ષોમાં ત્રણ લાખ સૈન્યકર્મીઓની છટણી કરી છે. આ છટણી છતાં ચીન પાસે દુનિયાની સૌથી મોટી સેના છે. તેની સેનામાં 20 લાખ સૈન્યકર્મીઓ છે.

ચીનની સેનાના આકારમાં થયેલા પરિવર્તન પર શાંઘાઈ ખાતેના સૈન્ય વિશેષજ્ઞ ની લેક્યાંગે ક્હ્યુ છે કે આ ચીનનું રણનીતિક પરિવર્તન દર્શાવે છે. તેમનું કહેવું છે કે ચીનની સીમા પર દુશ્મનની સાથે લડાઈ સમયે નૌસેના, વાયુસેના અને મિસાઈલ યુનિટો વધારે પ્રભાવી અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.

આ અહેવાલથી સ્પષ્ટ થાય છે કે પીએલએના ચાર અન્ય એકમો-નૌસેના, વાયુસેના, રોકેટ ફોર્સ અને સ્ટ્રેટજીક સપોર્ટ ફોર્સની સંખ્યા તેની અડધી સંખ્યાથી વધારે થઈ ચુકી છે. ચીનની ભૂમિસેના અન્ય એકમોમાં હંમેશા પ્રભાવશાળી રહી છે. પરંતુ આ છટણી બાદ હવે તેની આવી સિદ્ધિ પણ છીનવાઈ ગઈ છે.