જવાહરલાલ નેહરુની જન્મજયંતિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. X પર એક પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું હતું કે, “તેમની જન્મજયંતિ નિમિત્તે, હું આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.”
પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમણે પોતાની પ્રારંભિક શિક્ષા પોતાના ઘરે જ ખાનગી શિક્ષકો દ્વારા પ્રાપ્ત કરી હતી. 15 વર્ષની ઉંમરે જ તેઓ ઇંગ્લેન્ડ જતાં રહ્યા અને હૈરોમાં બે વર્ષ રહ્યા બાદ તેમણે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાંથી તેમણે પ્રાકૃતિક વિજ્ઞાનમાં સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1912માં ભારત પાછા ફર્યા પછી તરત જ રાજકારણમાં જોડાયા હતા. અહીં સુધી કે વિદ્યાર્થીકાળ દરમિયાન પણ તેઓ વિદેશી હકુમત હેઠળના દેશોની સ્વતંત્રતા સંઘર્ષમાં રસ દાખવતા હતા. તેમણે આયર્લેન્ડમાં થયેલા સિનફેન આંદોલનમાં ઉડો રસ લીધો હતો. તેમને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અનિવાર્યરૂપે સામેલ થવું પડ્યું હતું.
1912મા તેમણે પ્રતિનિધિ તરીકે બાંકીપુર સંમેલનમાં ભાગ લીધો હતો તેમજ 1919માં અલ્હાબાદના હોમરૂલ લીગના સચિવ બન્યા હતા. 1916માં તેઓ મહાત્મા ગાંધીને પહેલી વખત મળ્યા હતા. જેમનાથી તેઓ ખૂબ પ્રેરિત થયાં હતા. તેમણે 1920માં ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં પ્રથમ કિસાન માર્ચનું આયોજન કર્યું હતું. 1920 – 22ના અસહયોગ આંદોલનના સંબંધમાં તેમને બે વખત જેલ જવું પડ્યું હતું.
પંડિત નહેરું સપ્ટેમ્બર 1923મા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિના મહાસચિવ બન્યા. તેમણે 1926માં ઇટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, ઇંગ્લેન્ડ, બેલ્જિયમ, જર્મની તેમજ રશિયાની મુલાકાત લીધી હતી. બેલ્જિયમમાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક સત્તાવાર પ્રતિનિધિ તરીકે બ્રસેલ્સમાં દીન દેશોના સંમેલનમાં ભાગ લીધો હતો. તેમણે 1927માં મોસ્કોમાં ઓક્ટોબર સમાજવાદી ક્રાંતિની દસમી વર્ષગાંઠ સમારંભમાં ભાગ લીધો હતો. એ પહેલા 1926માં મદ્રાસ કોંગ્રેસમાં કોંગ્રેસને આઝાદીના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ કરવામાં નહેરુએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 1928માં લખનઉમાં સાયમન કમિશન વિરુદ્ધ એક સરઘસનું નેતૃત્વ કરવા બદલ તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. 29 ઓગસ્ટ 1928ના રોજ તેમણે તમામ પક્ષોના સંમેલનમાં ભાગ લીધો તેમજ તેઓએ લોકોમાંથી એક હતા જેમણે ભારતીય બંધારણ સુધારના નહેરુ રિપોર્ટ પર સહી કરી હતી. આ રિપોર્ટનું નામ તેમના પિતા શ્રી મોતીલાલ નહેરુના નામ પર રાખવામાં આવ્યું હતું. એજ વર્ષે તેમણે ‘ભારતીય સ્વતંત્રતા લીગ’ન સ્થાપના કરી તેમજ તેમના મહાસચિવ બન્યા. આ લીગનો મૂળ ઉદેશ્ય ભારતને બ્રિટિશ સામ્રાજ્યથી પૂર્ણત: અલગ કરવાનો હતો.
1929માં પડિત નહેરુ ભારતીય રાષ્ટ્રીય સંમેલનના લાહોર સત્રના અધ્યક્ષ ચૂંટાયા જેનું મુખ્ય લક્ષ્ય દેશ માટે પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું હતું. તેમણે 1930-35 દરમિયાન મીઠા સત્યાગ્રહ તેમજ કોંગ્રેસના અન્ય આંદોલનોના કારણે ઘણી વખત જેલવાસ ભોગવ્યો. તેમણે 14 ફેબ્રુઆરી 1935ના રોજ અલ્મોડા જેલમાં પોતાની આત્મકથાનું લેખન કાર્ય પૂર્ણ કર્યું. છૂટ્યાં બાદ તેઓ પોતાની બિમાર પત્નીના ખબર અંતર પૂછવા સ્વીટ્ઝર્લેન્ડ ગયા તેમજ તેમણે ફેબ્રુઆરી-માર્ચ 1936માં લંડનની મુલાકાત લીધી. તેમણે જુલાઇ 1938માં સ્પેનની પણ મુલાકાત લીધી જ્યારે ત્યાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું. બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાના થોડા સમય પહેલા તેઓ ચીનની મુલાકાતે પણ ગયા હતા.
પંડિત નહેરુએ ભારતને યુદ્ધમાં ભાગ લેવા માટે મજબૂર કરવાનો વિરોધ કરતાં વ્યક્તિગત સત્યાગ્રહ કર્યો, જેને કારણે 31 ઓક્ટોબર 1940ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને ડિસેમ્બર 1941માં અન્ય નેતાઓ સાથે જેલમાંથી મુક્ત કરી દેવાયા હતા. 7 ઓગસ્ટ, 1942ના રોજ મુંબઇમાં થયેલા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિની બેઠકમાં પંડિત નેહરુએ ઐતિહાસિક સંકલ્પ ‘ભારત છોડો’ને કાર્યાન્વિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું. 8 ઓગસ્ટ, 1942ના રોજ તેમને અન્ય નેતાઓ સાથે ધરપકડ કરીને અહેમદનગર કિલ્લા લઇ જવામાં આવ્યા. આ છેલ્લો મોકો હતો જ્યારે તેમને જેલ જવું પડ્યું તેમજ આ વખતે જ તેમને સૌથી લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું. પોતાના સમગ્ર જીવનનાં તેઓ નવ વખત જેલ ગયા હતા. જાન્યુઆરી 1945માં પોતે છૂટ્યાં પછી તેમણે રાજદ્રોહના આરોપ હેઠળ રહેલા આઇએનએના અધિકારીઓ તેમજ વ્યક્તિઓનો કાયદાકિય બચાવ કર્યો હતો. માર્ચ 1946માં પંડિત નહેરુએ દક્ષિણ- પૂર્વ એશિયાની મુલાકાત લીધી હતી. છ જુલાઇ, 1946ના રોજ તેઓ ચોથી વખત કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા હતા તેમજ ફરીથી 1951થી 1954 સુધી વધુ ત્રણ વખત તેઓ આ પદ માટે ચૂંટાયા હતા.