Site icon Revoi.in

જીવનમાં આપણા ભાગે આવેલા કામમાં આળસ ન કરવી: સરતાન દેસાઈ

Social Share

– વિનાયક બારોટ

દરેક મનુષ્ય પોતાના કર્તવ્યો અને કર્મો સાથે બંધાયેલો છે. ઈશ્વરે દરેક મનુષ્યને એક જવાબદારી સાથે આ સંસારમાં મોકલ્યા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહે છે કે

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥२-४७॥

(એક વાત બરાબર સમજી લે કે) તારો “અધિકાર” માત્ર કર્મ કરવાનો છે, એનું કેવું ફળ મળે તેના પર નથી. એથી ફળ મેળવવાની આશાથી કોઈ કર્મ ન કર. (ફળ પર માત્ર પ્રભુ નો અધિકાર છે) જો તું ફળ મેળવવા માટે કર્મ કરીશ તો તને કર્મમાં આસક્તિ થશે. કોઈ પણ માણસે પોતાના ભાગે આવેલા કામથી દુર ન ભાગવુ જોઈએ તથા તેમાં આળસ ન રાખવી જોઈએ. આવા જ એક વ્યક્તિ છે સરતાન દેસાઈ કે જેઓ માને છે કે જીવનમાં હંમેશા આપણા ભાગે આવેલા કામમાં આળસ કરવી નહી અને તેનું નિષ્ઠાપૂર્વક પાલન પણ કરી રહ્યા છે.

સરતાન દેસાઈ કે જેઓએ B.A,B.ED મુખ્ય વિષય અંગ્રેજી સાથે અભ્યાસ કરેલ છે અને તેઓ પ્રધાનસેવક તરીકે તાણા પે કેન્દ્ર શાળા તાલુકો :કાંકરેજ જીલ્લો: બનાસકાંઠા ખાતે હાલ ફરજ બજાવી રહ્યા છે. તેઓ વર્ષ 2000માં શિક્ષણક્ષેત્રે જોડાયા હતા અને તે સમયે તેમને જાણ થઈ કે એક શિક્ષકની જવાબદારી કેટલી મહત્વની અને પડકારજનક હોય છે.

જીવનનો યાદગાર પ્રસંગ – જવાબદારીએ ખોટી આદતથી કર્યા દુર
સરતાન દેસાઈએ પોતાના શિક્ષણક્ષેત્રના જીવનની શરૂઆત બનાસકાંઠા નાં દિયોદર તાલુકા માં વડિયા ગામની સીમમાં આવેલ ઝિઝારા પ્રાથમિક શાળાથી શરૂ કરી હતી. તેઓએ જણાવ્યું કે શિક્ષક બનતા પહેલા તેમને તંબાકુના વ્યસનની આદત હતી. આજના સમયમાં જોવા જઈએ તો બધા વ્યક્તિને કોઈને કોઈ આદત સામાન્યપણે હોય છે જ પરંતુ સરતાન દેસાઈની વાત અલગ છે.

તેઓએ વિચાર્યું કે તેઓને જે તંબાકુના વ્યસનની આદત છે તે ખોટી છે અને આ પ્રકારના વ્યસન સાથે તો હુ બાળકોનું શુ જ્ઞાન આપીશ? તે બાદ સરતાન દેસાઈએ વિદ્યાર્થીઓ અને બાળકોમાં વ્યસનનો વિચાર પણ ન આવે તે માટે તંબાકુને હંમેશા માટે અલવિદા કહી દીધુ.

વિદ્યાર્થીઓને ભણાવતા પહેલા વિદ્યાર્થીઓની સમજ
શિક્ષણ એ ખુબ મોટી જવાબદારીનું કામ છે અને શિક્ષકને લઈને ચાણક્યજીએ પણ કહ્યું કે છે “શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ.” આ વાતને સરતાન દેસાઈએ પણ પોતાના શૈક્ષણિક જીવનમાં ખુબ સરસ રીતે સમજી છે. આ વાતને લઈને તેમણે કહ્યું કે શરૂઆતના સમયમાં દિવસોમાં જ્યારે તેઓ ભણાવતા હતા તે શાળામાં રાજસ્થાન માંથી સ્થળાંતર કરીને ગુજરાતમાં સ્થાયી થયેલા એવા સમાજના બાળકો વધારે આવતા હતા અને તેઓ રાજસ્થાનની મારવાડી ભાષા વધારે બોલતા હતા.

તો આ સમયે તેમને લાગ્યું કે વિદ્યાર્થીઓ સાથે વધારે સારી રીતે વિચાર વિમર્શ કરવા માટે વિદ્યાર્થીઓની ભાષા શીખવી પડશે અને તેઓ શીખ્યા પણ ખરા. વિદ્યાર્થીઓ માટે નવી ભાષા શીખવાનું પરિણામ એ આવ્યું કે આજે પણ તેમના હાથ નીચે ભણી ગયેલા વિદ્યાર્થી કે જેઓ ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષક, પોલીસ, સૈનિક તેમજ વિવિધ ક્ષેત્રો માં પોતાની ફરજ બજાવી રહ્યા છે છે.તેઓ આજે પણ દરેક પ્રસંગે આમંત્રણ આપે છે તેમજ ગુરુવંદના માટે તેમનાથી શક્ય એટલા તમામ પ્રયત્નો આજે પણ કરે છે. શિક્ષકના જીવનમાં પોતાના હાથ નીચે ભણી ગયેલા વિદ્યાર્થી ભવિષ્યમાં કોઈ સારા પદે પહોંચી જાય પછી પણ યાદ કરે.. એનાથી વધારે આનંદ ની વાત કાંઈ હોઈ જ ન શકે. આ બાદ વર્ષ 2004ના ડિસેમ્બરમાં તેઓ પોતાની બદલી કરાવીને કાંકરેજ તાલુકાના કાકર ગામની સીમમાં આવેલ બોરીયાવાસ પ્રાથમિક શાળામાં પોતાના વતનમાં આવ્યા હતા. વનવગડામાં આવેલ આ શાળા ના બાળકો અને વાલીઓ ની પાયની જરૂરિયાત પાણી, વીજળી અને રસ્તા ની સુવિધા મળી રહે તે માટે સતત તન મન અને ધનથી પ્રયત્નો કર્યા અને તેમાં સફળતા પણ મળી. સમાજના હિતમાં વ્યક્તિનું હિત રહેલ છે. શ્રીમદ્ ભગવત ગીતામાં કહ્યું છે કે कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः ।
लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि ॥३-२०॥

મહારાજા જનક જેવા નિષ્કામ કર્મનું આચરણ કરતા જ પરમ સિદ્ધિને પામ્યા છે. વળી તારે (અંગત સ્વાર્થ માટે નહીં કરવું હોય તો પણ) લોકસંગ્રહાર્થે, સંસારના ભલા માટે કર્મ કરવું જ રહ્યું.-આમ આ પ્રમાણે બાળવિકાસ માટે સતત પ્રયત્નો કરતા રહ્યા છે.

બાળપણનો યાદગાર પ્રસંગ
એવુ કહેવામાં આવે છે કે માણસનો જન્મ થાય ત્યારથી જ એની શીખવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને શીખવાનું બંધ તો ત્યારે જ થાય છે જ્યારે શ્વાસ બંધ થઈ જાય. એટલે કે દરેક વ્યક્તિ શીખે છે અને તે બાદ તેનું પાલન કરતો હોય છે. સરતાન દેસાઈના જીવનનો પ્રસંગ પણ કાંઈક આવો જ છે કે જેમાં તેમણે પોતાના શિક્ષક પાસેથી શીખ્યું અને તે જ વાત તેઓ હવે પોતાના વિદ્યાર્થીઓને શીખવાડી રહ્યા છે.

સરતાન દેસાઈએ આ બાબતે કહ્યું કે તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમના એક શિક્ષક હતા જેમનું નામ હતુ કિશનકુમાર ગૌરીશંકર દવે અને તેમનું હુલામણું નામ “દવે સાહેબ “કિશનકુમારએ સરતાન દેસાઈની સાથે સાથે અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર , વિનામૂલ્યે બાળકો માં જીવન મુલ્યો નુ ચારિત્ર્ય ઘડતર કર્યું. સામાન્ય રીતે શિષ્ય ગુરુ ની સેવા કરે પણ આ દવે સાહેબ આ જીવન બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે નિસ્વાર્થી ભાવે સેવા કરી હતી.

કિશનકુમારે આ બાબતે એકવાર સરતાન દેસાઈ તથા અન્ય વિદ્યાર્થીઓને કહ્યું હતુ કે તેઓ ખુદ જ્યારે નાના હતા ત્યારે ગરીબ હતા અને તે સમયે કિશનકુમારને એમના શિક્ષક વિનામૂલ્યે ભણાવતા હતા. કિશનકુમારને તેમના શિક્ષકે કહ્યુ હતુ કે “તુ પણ ભવિષ્યમાં આવી રીતે કોઈ બાળકને કે વિદ્યાર્થીને જોવે તો તેને ભણાવજે અને તેની પાસેથી કોઈ કોઈ રકમ ન લેતો.. અને તેથી કિશનકુમાર ગૌરીશંકર દવે શાળા સમય બાદ વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત પ્રમાણે વિનામૂલ્યે ભણાવતા હતા.”

આજે કિશનકુમારની વાતનું પાલન સરતાન દેસાઈ પણ કરી રહ્યા છે આ એક એવો સારાઈનો પ્રસંગ છે કે જે આગળની પેઢીને આપવામાં આવી રહ્યો છે.

જે કઈ પણ છે તે તમારા મગજમાં જ છે – સરતાન દેસાઈ
સરતાન દેસાઈ એક એવુ વ્યક્તિત્વ છે કે જે જીવનના ડગલેને પગલે કાંઈકને કાંઈક શીખી રહ્યા છે અને તેને યાદ પણ રાખી રહ્યા છે. આ પ્રસંગ એવો છે જે વર્ષોથી હજારો વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે. આજે પણ જે વિદ્યાર્થીઓ ગામડામાંથી શહેરમાં ભણવા આવે તેને લાગતુ હોય છે કે શહેરના વિદ્યાર્થી ક્યાંક તેમના કરતા વધારે હોશિયાર છે.

સરતાન દેસાઈ પણ પોતાના કોલેજના અભ્યાસ માટે ઉંઝા આવ્યા હતા અને ત્યાં તેમને આવો જ અનુભવ થયો હતો. તેમને લાગતુ કે તેઓ શહેરના વિદ્યાર્થીઓ કરતા ક્યાંક પાછળ છે પણ તેમની મહેનતે તેમનો આ ભ્રમ તોડી નાંખ્યો. સરતાન દેસાઈએ કોલેજના ત્રીજા વર્ષની પરીક્ષામાં ક્લાસમાં પ્રથમ નંબર મેળવ્યો હતો અને તે સમયે તેમને લાગ્યું કે ગામડાના વિદ્યાર્થીઓ વગર ટ્યુશને પણ સારા માર્ક લાવી શકે છે અને ભણી શકે છે.

જીવનમાં નિર્ણય કેવી રીતે લેવો
સરતાન દેસાઈ આ બાબતે ખુબ પ્રેક્ટિકલ રહે છે. જીવનમાં જે વસ્તુ પહેલા આવે છે તેને પહેલા આવકારો આપે છે અને પછી આગળ શુ થશે તેના વિશે વિચારતા નથી. તેઓ કહે છે કે તેઓ ભગવાન દ્વારકાધીશના ભક્ત છે અને જીવનમાં ભવિષ્યનું વિચારીને વર્તમાનને અસર થાય તેવુ કરતા નથી અને નિર્ણય લીધા પછી બીજી વાત વિશે વિચારતા નથી. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વ્યક્તિગત લાભ કરતાં સમાજના હિતને અગ્રતાક્રમ આપે છે કારણકે વ્યક્તિમાં સમાજ નહીં પણ સમાજમાં વ્યક્તિ રહે છે એટલે ‘સમાજના હિતમાં વ્યક્તિનું હિત સમાયેલું છે’.

શિક્ષણક્ષેત્રે સુધારા પર પોતાનો અભિપ્રાય
વિશ્વના કોઈપણ દેશનો શિક્ષક હોય તેમના માટે ઉત્તમ શિક્ષણ એ જ ઉદેશ્ય હોય અને એક શિક્ષક તરીકે સરતાનદેસાઈ પણ આવુ જ ઈચ્છ છે. તેઓએ આ બાબતે કહ્યું કે વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથે સાથે શારીરિક તંદુરસ્તીની પણ જરૂર છે. પહેલા જ્યારે તેઓ પોતાના ક્લાસમાં વિદ્યાર્થીઓને પુછતા કે કેટલા વિદ્યાર્થીઓ જમીને આવ્યા કે નહી. તો તેમાંથી 80 ટકા બાળકો જમ્યા વગર શાળાએ આવતા.

સરતાન દેસાઈએ વિચાર્યું કે બાળકોને કેવી રીતે શારીરિક રીતે પણ તંદુરસ્ત બનાવી શકાય, તો આ માટે તેમણે રામહાટની શરૂઆત કરી જેમાં બાળકનો કોઈ ખાવાની વસ્તુ લેવી હોય તો પૈસા મુકીને જાતે ખરીદી શકે અને આની પાછળનું કારણ છે કે બાળકોની શરીરની તંદુરસ્તી. આ પ્રકારના પગલુ ભરવાથી તેનું પરિણામ એવુ આવ્યુ કે બાળકો નિયમીત રીતે શાળાએ આવા લાગ્યા અને ભણતરમાં પણ ધ્યાન આપવા લાગ્યા.

સરતાન દેસાઈ માને છે કે સરકાર તો એની રીતે પ્રયાસ કરે જ છે પરંતુ આપણે પણ આ રીતે કાંઈક કરવુ જોઈએ જેથી બાળકોનું સ્વાસ્થય નાની ઉંમરમાં જોખમાય નહી.

જીવનનો સિદ્ધાંત
સરતાન દેસાઈ કે પોતાના ગુરૂજી દ્વારા શીખવવામાં આવેલી વાતોને જ પોતાનો સિદ્ધાંત માને છે. સામાન્ય રીતે તો દરેક લોકો પોતાના સિદ્ધાંત જાતે નક્કી કરતા હોય છે પરંતુ સરતાન દેસાઈ ચાર વાતો પર કાયમ છે જે તેમના ગુરૂજીએ તેમને શીખવી છે.

પહેલી વાત એવી છે કે વ્યસનથી હંમેશા દુર રહેવુ, આ બાબતે તેઓ માને છે કે વ્યસનમાં જેટલા રૂપિયાનો બગાડ થાય છે જો તેને શિક્ષણ પાછળ વાપરવામાં આવે તો તેનાથી કોઈ અન્ય નહી પણ પોતાના જ બાળકોનું ભવિષ્ય સુધરે છે. આ બાબતે સરતાન દેસાઈએ અસંખ્ય વાલીઓને સમજાવ્યા છે કે જો પૈસાનું રોકાણ શિક્ષણમાં કરવામાં આવશે તો તેમનો દિકરો કે દિકરી ભવિષ્યમાં સારી રીતે રહી શકશે અથવા જવાબદારી નાગરિક બની શકશે.

બીજી વાત એ છે કે બને ત્યાં સુધી માંસ(નોન-વેજ)થી દુર રહેવુ. આપણે પેટ ભરવા માટે જીવ હત્યા કરી રહ્યા છે અને આપણે આને બંધ નહી કરીએ તો આ પ્રથા આગળ પણ ચાલુ રહેશે. આ પ્રથાને રોકવા માટે તેમણે અક્ષયપાત્ર શરૂ કર્યુ જેમાં બાળકોને ઘરેથી એક મુઠ્ઠી દાણા વાલી પરવાનગી આપે તો લઈને આવવા. આ દાણાનો ઉપયોગ પક્ષીઓ ને ચણ નાખવા માટે કરવામાં આવતો જેથી તેમના મનમાં બાળપણથી જ પ્રાણી-પક્ષી પ્રત્યે લાગણી જાગે અને પર્યાવરણ પ્રેમી બને.

ત્રીજી વાત એ છે કે જગતની જે શક્તિએ આપણને જન્મ આપ્યો છે તેનું સન્માન કરવુ જોઈએ પછી એ દિકરી હોય, માતા હોય કે પત્ની હોય. સરતાન દેસાઈ માને છે કે જો બાળકોને નાનપણથી જ આ દિશામાં શીખવાડમાં આવે તો અનેક સમસ્યાઓ દુર થઈ શકે છે.

અને ચોથી વાત એ છે કે જીવનમાં આપણા ભાગે આવેલા કામમાં આળસ ન કરવી અને તે કામને તન,મન,ધનથી પુર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈ પણ કામને આળસના કારણે રોકી રાખવુ જોઈએ નહી અને આળશની અવગણના કરશો તો આળશ જ આપણને સાથ આપશે કામને ફટાફટ પુર્ણ કરવામાં.

પરિવારનો સાથ સહકાર
જીવનમાં તમારી પાસે કાંઈ હોય કે ના હોય પણ પરિવારનો સાથ સહકાર મળે તે ખુબ જરૂરી હોય છે અને પરિવારના સાથે સહકારથી જ તમારુ અડધુ કામ પતી જાય એવુ કહી શકાય. સરતાન દેસાઈના જીવનના સફરમાં તેમના પરિવારે પણ હંમેશા સાથ આપ્યો છે. તેઓ વર્ષ 2000માં શિક્ષક તરીકે લાગ્યા, તે બાદ 04-12-2004માં નાની શાળામાં પ્રિન્સિપાલ તરીકે કામ કર્યું અને તે બાદ 25-06-2009માં ધોરણ 6થી 8માં વિષય શિક્ષક તરીકે કામ કર્યું. ત્યારે બાદ C.R.C.CO(સી.આર.સી કો-ઓર્ડીનેટર તરીકે) અને પછી 5 સપ્ટેમ્બર 2012માં તાલુકા કક્ષાએ B.R.C.Co (બીઆરસી કો ઓર્ડીનેટર તરીકે)કામ કરવાનું થયુ અને તેમાં 262 શાળાના પ્રિન્સીપલ અને 1600 શિક્ષકો સાથે કામ કરવાનું થયુ.તેમના સેવા કાળ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ગુણોત્સવ પરિણામમાં કાંકરેજ તાલુકો સતત પ્રથમ હરોળમાં આવેલ છે. “કર્મ એજ ધર્મ” ઉક્તિ સાચા અર્થમાં સાર્થક થયેલ છે.
શિક્ષણ ક્ષેત્ર જવાબદારી નીભાવી રહ્યા છે તેમાં તેમની સફળતાનો શ્રેય તેમના પરિવારને આપી રહ્યા છે.

કોરોનાના સમયમાં શિક્ષણ ક્ષેત્રે આવેલા બદલાવ પર અભિપ્રાય
કોરોનામાં શિક્ષણ પર પ્રભાવ આવ્યો છે તે વાત તો છે પણ આવા સમયમાં સરતાનભાઈ વિવિધ માધ્યમ દ્વારા વિદ્યાર્થી સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. આ માટે તેઓ નજીક-નજીક રહેતા દર 10-15 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થીની પસંદગી કરતા અને તે વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓને જવાબદારી આપે છે અને આ રીતે ભણાવવાનું કામ ચાલ્યા કરે છે. ઓનલાઈન શિક્ષણથી નુક્સાન પણ થાય છે અને આ બાબતે કહ્યું કે ઓનલાઈન શિક્ષણથી બાળકોને મોબાઈલની આદત વધી જાય છે પણ ગ્રામીણ ક્ષેત્રે ઓનલાઈન શિક્ષણમાં તકલીફ પડી રહી છે.

દિકરીઓને શાળાએ જતી કરવામાં પોતાના મિત્રને મદદ
સરતાન દેસાઈ માને છે કે સમાજના વિકાસ માટે મહિલાઓને શિક્ષણ મળવુ ખુબ જરૂરી છે, તેઓ લોકોના વ્યસનથી દુર રહેવાની પણ સલાહ આપે છે. એક સત્ય પ્રસંગ વાત એવી છે કે સરતાન દેસાઈના મિત્ર છે હેગા ભરવાડ જે કાંકરેજ તાલુકાના કાકર ગામની બાજુમાં ધુડાનગરની એક વાદી વસાહત ત્યાં રહે છે.તેમનો મુખ્ય વ્યવસાય ભીખ માગવાનો છે. આ હેગા ભરવાડને ઈચ્છા હતી કે અહિંયા પણ શાળા હોવી જોઈએ.

બાળકોના ભણતર માટે શાળાતો બની ગઈ પણ તેમાં માત્ર છોકરાઓ ભણવા આવતા હતા પણ દિકરીઓ ભણવા આવતી ન હતી. આ વાતને હેગા ભરવાડે જાણવાનો પ્રયાસ કર્યો અને પછી ખબર પડી કે કુળદેવી ની રજા વગર દિકરીઓને શાળા માં ભણવા મોકલવામાં આવતી નહીં.

હેગા ભરવાડે વિચાર્યુ કે તે સમાજના જાતરમાં જઈને આનુ નિવારણ આવી શકે.. જાતર એટલે કે સમાજનું સંમ્મેલન. ત્યાં માતાજીને પુછીશુ.. ત્યાં માતા પરવાનગી આપશે તો દિકરીને ભણાવવા મોકલીશુ અને જોગાનુંજોગ માતાજીએ પરવાનગી આપી તે બાદ હવે તે શાળામાં દિકરીઓ પણ ભણી રહી છે.

માનનીય વડાપ્રધાન સાહેબ નું સપનું છે કે દરેક તાલુકામાં છોકરા-છોકરીને શિક્ષણ માટે અદ્યતન સુવિધાવાળું શિક્ષણ માટે માટે મોડર્ન સ્કૂલ શાળામાં ઉભી કરવાનું સપનું છે. આ માટે સરતાન ભાઈને ગાંધીનગર બોલાવવામાં આવ્યા અને તે સમયે સરતાન દેસાઈની બીઆરસી કોઓર્ડિનેટ તરીકેની તાલુકામાં જવાબદારી હતી. એ પ્રણને લઈને તેમણે આજે મોર્ડન સ્કૂલ પણ તૈયાર થઈ ગઈ છે અને તે શાળામાં તેમણે આચાર્ય તરીકે પણ 3 વર્ષ કામ કર્યું અને બન્યું એવુ કે જિલ્લામાં તેમની સ્કૂલનું પરિણામ સૌથી વધારે આવ્યું અને ગુજરાત સરકારે સ્વચ્છતા એવોર્ડ આપીને શાળા નો સન્માન કર્યું

આ સાથે સાથે સરતાન દેસાઈને દૂધ સંજીવની યોજના અંતર્ગત પણ એક વર્ષ સફળ જવાબદારી નિભાવી હતી. આ બાબતે તેઓ માનતા હતા કે સરકાર તો આ બાબતે યોગ્ય સમયે પગલા લેશે પણ આપણી જવાબદારી આ છે તો અત્યારે આ કામ કરીએ.. શિક્ષણ ક્ષેત્રે કરેલ શ્રેષ્ઠ કામગીરી સરકાર શ્રી ને ધ્યાને પર આવતા ગુજરાત સરકાર તેમને તાલુકા ના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી ને તેમનું સન્માન કર્યું હતુ.

તેઓ માને છે બાળકો જ અમારા ભગવાન છે. આ બાબતે કહે છે કે “જીસે શક હો વો કરે ખુદા કી તલાશ, હમ તો બચ્ચો કો હી ખુદા માનતે હૈ”