વિશ્વકપમાં ભારતીય ટીમને એક મોટો આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં ઈજાગ્રસ્ત થયેલ શિખર ધવન હવે ત્રણ સપ્તાહ સુધી રમી શકશે નહીં. ઈજાગ્રસ્ત થવાને કારણે ધવનને ટીમની બહાર થવું પડયું છે. શિખર ધવનના ડાબા હાથના અંગુઠામાં આવેલા સોજા બાદ આજે તેનું સ્કેનિંગ કરાવવામાં આવ્યું હતું. સ્કેનિંગ કરાવાયા બાદ ઈજાને ગંભીર ગણાવતા ડોક્ટરોએ તેને ત્રણ સપ્તાહ આરામ કરવાની સલાહ આપી છે.
રવિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિશ્વકપ મેચમાં ભારતની જીતના હીરો ધવનને ફાસ્ટબોલર નાથન કુલ્ટર નાઈલનો ઉછાળ લેતો બોલ વાગ્યો હતો. પરંતુ તે દર્દ છતાં રમ્યો હતો.ઘણાં દર્દ છતાં ધવને 109 બોલમાં 117 રનનો દાંવ ખેલ્યો હતો. શિખર ધવન ઈજાને કારણે ફીલ્ડિંગ માટે ઉતર્યો ન હતો અને તેના સ્થાને રવિન્દ્ર જાડેજાએ સમગ્ર 50 ઓવર સુધી ફીલ્ડિંગ કરી હતી.
ભારતીય ટીમ પાસે ઓપનિંગ બેટ્સમેન તરીકે એલ. રાહુલનો વિકલ્પ છે. રાહુલે કેટલીક મેચોમાં પહેલા પણ ઓપનિંગ કર્યું છે. ધવનના સ્થને ટીમમાં કોને મોકો મળશે, તેને લઈને હજી તસવીર સ્પષ્ટ થઈ નથી. સૂત્રો પ્રમાણે, ટીમ તરફથી શ્રેયસ અય્યરનું નામ આગળ વધારવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિઓને જોતા કેટલાક એક્સપર્ટ્સનું કહેવું છે કે ઋષભ પંતને ટીમમાં સામેલ કરાય તેવી શક્યતા છે. માનવામાં આવે છે કે શ્રેયસ અય્યર અને ઋષભ પંતમાંથી કોઈને મોકો મળે તેવી શક્યતા છે.
ભારતીય ટીમનો આગામી મુકાબલો ન્યૂઝીલેન્ડની સાથે છે. જો કે ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ શિખર ધવનના ઈજાગ્રસ્ત થવાથી ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે. હવે ઓપનિંગ જોડી આગામી મેચમાં કેટલો દમ દેખાડશે, તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.