દેશમાં કોરોનાની રસી માર્ચ મહિનામાં બજારમાં થશે ઉપલબ્ધ ?
દિલ્હીઃ કોરોના મહામારી સામેની લડાઈ અંતિમ તબક્કામાં પહોંચી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણના મહાઅભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. જો કે, આગામી માર્ચ મહિનાથી કોરોનાની દવાની દુકાનો ઉપર મળે તેવી શકયતા છે. આ માટે ભારત બાયોટેક દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સીરમ ઈન્સ્ટીટ્યુટ પણ કોવીશિલ્ડને બજારમાં લાવી શકે છે. જેની કિંમત રૂ. 900થી 1000 જેટલી હશે. ભારત બાયોટેક કોવેક્સિનને તા. 24મી માર્ચના રોજ બજારમાં લાવે તેવી શકયતા છે. ગયા વર્ષે આ જ દિવસે દેશમાં લોકડાઉન જાહેર થયું હતું. ભારત બાયોટેક કોરોનાને ખતમ કરવા માટે સિંગલ ડોઝ ઉપર પણ કામ કરી રહ્યું છે.
કંપનીના ડેડના જણાવ્યા અનુસાર કોવેક્સિન હાલ સરકારને આપવામાં આવી રહી છે. ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે મીટીંગ બાદ રસીની સ્ટોરેજ સહિતની સુવિધાની તપાસ કરવામાં આવશે. રસીને ઝડપથી બજારમાં લાવવા માટે તારીખ નક્કી કરવામાં આવશે. રસીને બજારમાં લાવવા માટે સરકારની મંજૂરીની જરુર નથી. અમારી પુરી તૈયારી છે કે, માર્ચના અંત સુધીમાં વેક્સિન બજારમાં આવી જાય. અત્યારે જે બે રસી બની છે 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે છે. કોવેસ્કિનને બાળકો ઉપર ટ્રાયલ માટે મંજૂરી મળી છે. 10 દિવસમાં 15 સેન્ટર પર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. ભારત બાયોટેક ઈન્જેકશન વેક્સિન ઉપરાંત નેજલ સ્પ્રે ઉપર પણ કામ કરી રહ્યું છે.
સિરમ ઈન્સ્ટીટ્યુટના રિઝનલ સેલ્સ મેનેજરે જણાવ્યું હતું કે, અત્યારે તો રસીનું પ્રોડકશન ચાલી રહ્યું છે. જેમાંથી 50 ટકા દેશમાં અને બાકીની વિદેશ મોકલવામાં આવશે. અમારી રસી બજારમાં ઉપલબ્ધ કરાવવામાં ઓગસ્ટ સુધીનો સમય લાગશે.