અમદાવાદઃ દેશમાં સ્ટીલના ઉત્પાદનમાં વધારો થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ 2030 સુધી 255 મિલિયન ટન અને વર્ષ 2047 સુધી 500 મિલિયન ટન સ્ટીલના ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્રપ્રસાદ સિંહએ જણાવ્યું હતું. તેમણે સુરતમાં ગૌણ સ્ટીલ ઉત્પાદકો અને ઉપભોક્તા સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગ્રે કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, સરકારની પ્રાથમિકતા સ્ટીલનું ઉત્પાદન વધારવાની સાથે પર્યાવરણની સુરક્ષા પણ જળવાય તે જરૂરી છે. હાલ દેશમાં 14 પી.આઈ.એલ. સ્કીમો કાર્યરત છે જેના થકી આપણે આત્મનિર્ભર બનવાના સ્વપ્નને સાકારિત કરી રહ્યા છીએ. કોરોનાકાળમાં પણ 120 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરી ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે સ્ટીલ ઉપભોક્તાઓને સ્ટીલ ક્ષેત્રમાં વધુને વધુ રોકાણ કરી રોજગારીનું સર્જન કરવા અપીલ કરી હતી. સ્ટીલ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ ઉપભોક્તાઓના હિત તથા ઉત્પાદન વધારવા માટે સરકાર નવી પોલિસી લાવવાની વિચારણા કરી રહી છે.
સ્ટીલ મંત્રાલયના અધિક સચિવ રશીકા ચોબેએ જણાવ્યું હતું કે, સ્ટીલ ઉદ્યોગ ક્ષેત્રમાં ગુજરાતનું સૌથી મોટું યોગદાન છે. હાલ ગુજરાતમાં 211 સ્ટીલ યુનિટો કાર્યરત છે. તેમણે ગૌણ ઉત્પાદકોને સ્ટીલનું ઉત્પાદન વધારવા, ટુલ કીટ અને ટેસ્ટીંગ પદ્ધતિ સંબંધિત અભિપ્રાયો આપવા જણાવ્યું હતું. SGCCI ના અધ્યક્ષ હિમાંશુ બોડાવાલાએ કહ્યું હતું કે, પ્રાચીન સમયથી ભારતમાં સ્ટીલ ઉદ્યોગનું વિશેષ મહત્વ રહ્યું છે. સ્ટીલ ઉત્પાદન કરવામાં ભારત આત્મનિર્ભરની દિશામાં અગ્રેસર છે.