Site icon Revoi.in

બનાસકાંઠામાં પાણીની વિકટ સમસ્યા, દરરોજ ટેન્કરના 100થી વધારે ફેરા મારફતે પાણી પુરુ પડવાના પ્રયાસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે, બીજી તરફ ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદ ખેંચાયો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. બીજી તરફ બનાસકાંઠાના અનેક ગામોમાં પાણી અને ઘાસચારાની સમસ્યા ઉભી થઈ છે. જેથી રાજ્યમાં ટેન્કર રાજ ખતમ થયાના વાદાઓ વચ્ચે બનાસકાંઠામાં ટેન્કર મારફતે પાણી પુરુ પાડવામાં આવી રહ્યાંનું જાણવા મળે છે. લગભગ 35 જેટલા ગામમાં દરરોજ ટેન્કરના 102 ફેરા મારફતે પાણી પુરુ પાડવાના પ્રયાસો કરાય છે. રાજ્યના અન્ય જિલ્લાના ગામોમાં પણ ટેન્કર મારફતે પાણી પુરુ પાડવામાં આવે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ગામમાં દરરોજ ટેન્કરના 200થી ફેરા મારફતે પાણી પુરુ પાડવામાં આવે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, દાંતા અને પાલનપુર તાલુકાના 35 ગામોમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. આ ગામમાં સૌથી વધુ ટેન્કરના 102 ફેરા મારીને પાણી પહોંચાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથના તાલાલાના 6, વેરાવળના 7, સૂત્રાપાડાના 12 ગામોમાં ટેન્કરના કુલ 83 ફેરા મારવામાં આવે છે. આવી જ રીતે મોરબીના બે ગામ અને મધ્ય ગુજરાતના મહિસાગર જિલ્લાના કડાણાના એક ગામમાં ટેન્કરના આઠ જેટલા ફેરા મારવામાં આવે છે. આ ઉપરાંત રાજકોટના એક, અમરેલીના ખાંભાના એક, ધારીના બે ગામમાં સાત ફેરા તથા ભાવનગરના ઉમરાળાના બે ગામમાં દરરોજ સરેરાશ ટેન્કરના ચાર ફેરા મારફતે પાણી પુરુ પાડવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં બનાસકાંઠામાં પાણીની સમસ્યા કપરી હોવાનું મનાઈ રહ્યું છે એટલું જ નહીં આ જિલ્લામાં ઘાસચારાની અછત ઉભી થયાની ફરિયાદો ઉઠી છે.

(PHOTO-FILE)