દિલ્હીઃ દેશમાં કોવિડ અને રસીકરણ સંબંધિત પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. અધિકારીઓએ દેશમાં કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે પીએમ મોદીને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતગાર કરાયા હતા કે દેશમાં કોરોનાના ટેસ્ટિંગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. માર્ચ મહિનાના પ્રારંભે દર સપ્તાહે 50 લાખ પરિક્ષણ થતા હતા, જે અત્યારે વધીને દર સપ્તાહે 1.3 કરોડ થઈ ગયા છે. હાલમાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો તથા દર્દીઓના સાજા થવાના દરમાં વધારો થઈ રહ્યો છે. દરરોજના કેસની સંખ્યા ચાર લાખ થઈ ગઈ હતી જે હવે આરોગ્ય કર્મચારી, રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકારના પ્રયાસોથી ઘટી ગઈ છે. કોવિડ, પરિક્ષણ, ઓક્સિજનની ઉપલબ્ધતા, આરોગ્ય માળખું તથા વેક્સિનની વ્યવસ્થા અંગે રાજ્ય અને જિલ્લાની પરિસ્થિતિ અંગે અધિકારીઓએ નરેન્દ્ર મોદી સમક્ષ વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જે જિલ્લામાં ટીપીઆર ઉંચો છે તેવા રાજ્યોમાં સ્થાનિક સ્તરે કન્ટેન્ટમેન્ટ રણનીતિ હાલના સમયની જરૂરિયાત છે. જ્યાં પોઝિટિવ કેસનો દર ઉંચો છે તેવા રાજ્યો સહિત તમામ રાજ્યમાં આરટી પીસીઆર અને રેપિડ ટેસ્ટ બંનેમાં ટેસ્ટિંગના પ્રમાણમાં વૃદ્ધિ કરવાની જરૂર છે. પોઝિટિવ કેસની ઉંચી સંખ્યા તેમના પ્રયાસોને માઠી અસર પાડશે તેવા દબાણ વિના પરિક્ષણની સંખ્યા જાહેર કરવામાં પારદર્શકતા લાવવા રાજ્યોને પ્રોત્સાહિત કરવા જોઇએ. પ્રત્યેક નિવાસે ટેસ્ટિંગ અને સર્વેલન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યના સંસાધનોમાં વૃદ્ધિ કરવી જોઇએ. તેમણે ગ્રામ્ય ક્ષેત્રોમાં કોરોના સામેની લડતને વેગ આપવા આશા અને આંગનવાડીના કાર્યકરોને જરૂરી સાધનો સાથે સજ્જ કરવાની પણ સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં સારવાર અને ઘરે જ આઇસોલેશન માટે ઉદાહરણો સાથે સરળ ભાષામાં માર્ગદર્શિકા ઉપલબ્ધ કરાવવી જોઇએ.
પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો હતો કે ગ્રામ્ય વિસ્તારમાં ઓક્સિજનના પુરવઠાના યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરાવવા માટે વિતરણ યોજના ઘડવી જોઇએ જેમાં ઓક્સિજન કોન્સેન્ટ્રેટરની જોગવાઈનો પણ સમાવેશ થવો જોઇએ. વેન્ટિલેટર તથા અન્ય સાધનોના યોગ્ય ઉપયોગ માટે આરોગ્ય કર્મચારીઓને જરૂરી તાલીમ આપવી જોઇએ અને આ પ્રકારના મેડિકલ સાધનો અવિરતપણે ચાલતા રહે તે માટે વિજ પુરવઠો જારી રહે તેની ખાતરી કરાવવી જોઇએ.