- બંને દેશ વચ્ચે 1.42 લાખ કરોડનો વેપાર
- ભારતે એક વર્ષમાં 16.15 બિલિયન ડૉલરની નિકાસ કરી
નવી દિલ્હીઃ પડોશી દેશ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના હાલ ભારતના પ્રવાસે છે અને આજે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. જેમાં અનેક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી અને એમઓયુ પણ કરવામાં આવ્યાં હતા. દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશ વચ્ચે વેપારમાં વધારો થયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર બંને દેશોનો ભાર પરસ્પર વેપાર વધારવા માટે જળ, રેલ અને હવાઈ જોડાણ વધારવા પર છે. છેલ્લા પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારમાં 100% વધારો થયો છે અને તે 9 બિલિયન ડોલરથી વધી 18 બિલિયન ડોલર એટલે કે લગભગ 1.42 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. પરિવહન જોડાણ વધારીને, ભારત આગામી બે-ત્રણ વર્ષમાં નિકાસને 30 બિલિયન ડોલર સુધી લઈ જવાની યોજના ધરાવે છે. નોંધપાત્ર રીતે, ભારતે નાણાકીય વર્ષ 2021માં બાંગ્લાદેશને 16.15 બિલિયન ડૉલરની નિકાસ કરી છે જે નાણાકીય વર્ષ 2020 માં 9.69 બિલિયન ડોલર હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધમાં વધારે મજબુત બન્યાં છે. તેમજ પડોશી પ્રથમને માનતુ ભારત મુશ્કેલીના સમયમાં પડોશી દેશોની પડખે ઉભો રહ્યો છે. કોવિડ-19ની મહામારીના કપરા સમયમાં પણ ભારતે પડોશી દેશોને મદદ કરવામાં પાછી પાની કરી ન હતી. કોવિડ-19ની રસી બાંગ્લાદેશ, નેપાળ સહિતના પડોશી દેશોને મોકલીને મિત્રતા નિભાવી હતી.