ભોપાલઃ કોરોના સામે રસી જ એક રામબાણ ઇલાજ છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે 100 ટકા રસીકરણના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. લોકો કોરોનાના બંને ડોઝ લેવા બહાર આવે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રલોભન આપવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં કોરોનાની રસી આપનારને ખાદ્યતેલનું પાઉચ આપવામાં આવે છે. હવે મધ્યપ્રદેશના મંદસૌરમાં જિલ્લા આબકારી અધિકારીએ અનોખો આદેશ કર્યો છે. જિલ્લા અધિકારીએ દારૂની ખરીદી ઉપર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.
જિલ્લા આબકારી અધિકારીએ આદેશ કર્યો છે કે, જે લોકોએ કોરોનાના બંને ડોઝ લીધા હશે, તેમને દારૂની ખરીદી ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ આદેશ આજના એક દિવસ માટે જ જાહેર કરાયો હતો. આજે સમગ્ર મધ્યપ્રદેશમાં મહા-વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને આ આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
મંદસૌર જિલ્લા પીઆરઓ ઈશ્વરલાલ ચૌહાણે જણાવ્યું હતું કે, જિલ્લા આબકારી અધિકારીએ આદેશ કર્યો છે જે હેઠળ કોવિડ-19 વેક્સિનના બંને ડોઝ લેનાર સર્ટિફિકેટ દેખાડશે તો તેને દેશી દારૂની ખરીદી ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ અપાશે. આ આદેશ માત્ર દેશી દારૂ ખરીદીનારને લાગુ પડશે. મંદસૌર શહેરમાં 3 દેશી દારૂની દુકાન છે ત્યાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ખંડવા જિલ્લા આબકારીએ પણ એક વિચિત્ર આદેશ જાહેર કર્યો હતો. જેમાં કોરોના રસીનો બીજો ડોઝ ન લેનારને દારૂ નહીં આપવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો.
(PHOTO-FILE)