મહાશિવરાત્રી પર્વઃ ઉજ્જૈનમાં 21 લાખ દીપડા પ્રગટાવીને અનોખી રીતે કરાશે ઉજવણી
ભોપાલઃ સમગ્ર દેશમાં મહાશિવરાત્રી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ભોળાનાથના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. તેમજ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉજ્જૈનમાં આજે શિલ જ્યોતિ અર્પણમ મહોત્સવની ઉજવણી કરાશે. અહીં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર શહેરમાં લગભગ 21 લાખ દિવડા પ્રગટાવવામાં આવશે. જેમાંથી 12 લાખ દીવડા ક્ષિપ નદીના તટ ઉપર સતત 10 મિનિટ સુધી પ્રગટાવીને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલ આ રેકોર્ડ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાના નામે છે.
ઉજ્જૈનના કલેકટર આશિષસિંહના જણાવ્યા અનુસાર 1લી માર્ચના દિવસ ઉજ્જૈન શહેરમાં નવો ઈતિહાસ રચાશે. 21 લાખ દીપડાનો દીપોત્સવ જોવા માટે સામાન્ય લોકોને રાતના 8 કલાક ઘાટો ઉપર પ્રવેશ આપવામાં આવશે. સાંજના 7 કલાકે સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ થશે. રામધાટ ઉપર સાયરન વાગવાની સાથે જ 12 દીવડા પ્રગટાવતા લગભગ 10 મિનિટ જેટલો સમય લાગશે. દીવડો પ્રગટાવ્યા બાદ તમામ લોકો હટી જશે અને બીજી સાયરન વાગતાની સાથે જ ગીનીઝ બુક ઓપ વર્લ્ડ રેકોર્ડની ટીમ તેને પોતાનામાં કેમેરામાં કેદ કરશે. તમામ ઘાટો ઉપર એક સાથે 6 હજાર બ્લોક સાથે 120 સેકટરમાં લગભગ 14 લાખ દીવડા રાખવામાં આવ્યાં છે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહેશે અને તેઓ પણ દીપડા પ્રગટાવશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શકયતા છે. જેથી પોલીસ તથા તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.