Site icon Revoi.in

મુશ્કેલીઓની સામે ઉભા રહેશો તો જ તેનું નિરાકરણ મળશે: સાજન શાહ

Social Share

વિનાયક બારોટ

માનવીનું જીવન એક એવી ઘટમાળ છે કે જેમાં સુખ અને દુઃખ નિરંતર ચાલ્યા કરે છે. દરેક લોકો પોતાની સમસ્યાઓ અથવા મુશ્કેલીઓ સામે લડતા જ હોય છે પણ જો આવા સમયમાં તેમને કોઈ સાચી દિશામાં જવાનું માર્ગદર્શન આપે તો અનેક સમસ્યાઓનો ઉકેલ આસાનીથી આવી જાય.

હાલના સમયમાં અસંખ્ય લોકો છે જે અનેક લોકોને સાચી દિશામાં માર્ગદર્શન આપી રહ્યા છે અને કોઈ સારા કામ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે, આમાંથી એક છે સાજન શાહ જેમના વિશે કહી શકાય કે તેઓ માત્ર ભારતીયોને જ નહીં પણ દેશ વિદેશમાં પણ લોકોને સારા કામ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

મોટીવેશનલ સ્પીકર બનવાની શરૂઆત

સાજન શાહ કે જેઓએ ખૂબ નાની ઉંમરે મોટીવેશનલ ટોક-શૉ આપવાનું શરૂ કર્યું હતું. શરૂઆતના દિવસોમાં તેઓ મ્યુનિસિપલ શાળાઓમાં 6-6 કલાકના પ્રોગ્રામ આપતા હતા અને ધીમે ધીમે વધારે શાળાઓ તથા કોલેજોમાં ટોક-શૉ આપવાનું શરૂ કર્યું હતુ. માત્ર 17 વર્ષની ઉંમરે ગુજરાત પોલીસના મોટા અધિકારીઓ, IPS અને IASની સામે મોટીવેશનલ સ્પીચનો પ્રોગ્રામ આપ્યો હતો અને તે બાદ તેમને મુંબઈથી આમંત્રણ આવ્યું હતુ જ્યાં મોટા મોટા હીરો અને રાજકીય નેતાઓ હતા અને ત્યાં 5 મીનીટ મોટીવેશનલ સ્પીચ આપવાની તક મળી હતી.

જો કે મહત્વનું એ હતું કે આ કામ કર્યાની સાથે જ સાજન શાહને ખબર પડી ગઈ હતી કે તેમની પાસે પૈસા ન હતા પણ તેમની પાસે મહેનત હતી. આ બાબતે તેમનું માનવું છે કે જ્યાં મહેનત હોય ત્યાં તમે કોઈ પણ વસ્તુને મેળવી શકો છો અને તેમાં સફળ બની શકો છો.

સાજન શાહના પુસ્તક YOU vs YOUનું દલાઈ લામા દ્વારા લોકાર્પણ

કોઈ પણ વ્યક્તિ માટે તે સન્માનજનક વાત કહેવાય કે આટલી નાની ઉંમરમાં તેમનું લખેલું પુસ્તક તિબેટના ધર્મગુરુ દલાઈ લામાના હાથે લોકાર્પણ થાય. સાજન શાહએ 19 વર્ષની ઉંમરમાં YOU vs YOU નામનું પુસ્તક લખ્યું હતુ અને તેનું લોકાર્પણ દલાઈ લામાના હાથેથી થયું હતુ.

ઉલ્લેખનીય છે કે સાજન શાહ દ્વારા લખવામાં આવેલા પુસ્તક પર વિશ્વના ટોચના ટેનિસ પ્લેયર રોજર ફેડરર અને માઈકલ સુમાકર જે એફ-1 રેસર છે તેમના પત્નીએ સારી પ્રતિક્રિયા આપી હતી.

તેમની પુસ્તક  YOU vs YOUનો મુખ્ય સાર

કોઈ પણ લેખક જો કોઈ પુસ્તક લખે તો તેની પાછળ તેના હજારો વિચાર અને ઉદેશ્ય હોય છે અને સાજન શાહની YOU vs YOU પુસ્તક કે જેમાં તેમણે પોતાના જીવનનો સાર આપી દીધો છે અને તે સાર છે કે માણસે પોતાની જાત સાથે જ લડવાનું હોય છે. સાજન શાહએ વધારે ઉમેરતા કહ્યું કે આંખ ખુલશે ત્યારે તમારી લડાઈ હશે અને આંખ બંધ થશે તો પણ તમારી લડાઈ ચાલું જ રહેશે.

સાજન શાહ માને છે કે તેઓ કોઈ ખાસ હોશિંયાર ન હતા અને પરંતુ તેમણે તેમની મહેનતને પોતાની તાકાત બનાવી છે. સાજન શાહ કોર્પોરેટ ઓફિસમાં પણ તે જ શીખવાડે છે કે જો તમારા રૂટ સાચા હશે તો ઝાડમાંથી ફ્રુટ સારા જ નીકળશે. રૂટ્સમાં તક્લીફ હશે તો સારા ફ્રુટ નહી મળે.

દેશ માટે કાંઈક કરવાની ઈચ્છા

જીવનમાં વૈશ્વિક સ્તરે માન-સન્માન મેળવ્યા બાદ સાજન શાહને પોતાના દેશ એટલે કે ભારત માટે કાંઈક કરવાની ઈચ્છા જાગી અને તેમણે પોતાના જીવનના કેટલાક ઉદેશ્ય નક્કી કર્યા, સાજન શાહ તે વાતથી જાણકાર હતા કે ભારત દેશનું યુથ જોરદાર છે અને તેથી તેમણે વિચાર્યું કે જો આ દેશના યુવાઓને ઉદેશ્ય ઉન્મુખ અને દ્રષ્ટિ ઉન્મુખ બનાવવામાં આવે તો આપણે આ દેશને સ્વામી વિવેકાનંદ કે એપીજે અબ્દુલ કલામ જેવા કોઈ વ્યક્તિને આ દેશને ગીફ્ટ આપી શકીશું.

આ વાત સાજન શાહ માટે એટલી મહત્વની છે કે તેમણે 20 વર્ષની ઉંમરીથી તેઓ દર વર્ષે ભારતના 18 જેટલા શહેરો નક્કી કરે છે અને કોઈ એક શહેરમાં 4-5 દિવસ કામ કરે છે. આ દરમિયાન તેઓ 10-10 શાળાઓ અને 10-10 કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને મોટીવેશનલ સ્પીચ આપે છે. આ વાત માટે સાજન શાહ કોઈ પ્રકારની ફી કે ચાર્જ લેતા નથી જે તેમની દેશ પ્રત્યેની લાગણી અને કામ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે.

સફળતા પાછળ અનેક હાથ

દુનિયાની દરેક ભાષામાં આ કહેવત તો એક જ છે કે “ કોઈ એક વ્યક્તિની સફળતા પાછળ કોઈ એકનો હાથ હોય છે” પણ સાજન શાહના કેસમાં તેમણે પોતાની સફળતા પાછળ અનેક લોકોનો હાથ અને પ્રેમ બતાવ્યો છે.

સાજન શાહના પરિવારે પણ તેમની સફળતા માટે એક મોટી કુર્બાની આપી છે જેમાં તેમના પિતાએ પોતાનો સારો એવો સાથ સહકાર આપ્યો છે. પરિવારના સાથ સહકાર મુદ્દે પણ કહ્યું કે જ્યાં સુધી તમારો પરિવાર તમારી સાથે ન આવે ત્યાં સુધી કદાચ તમે સફળ તો બની જાવ પરંતુ તમારા જીવનમાં કાંઈ ખાસ નહીં થાય અને તે પળની મજા નહીં લઈ શકો.

આ જ કારણોસર સાજન શાહ કહે છે કે તેઓ વિશ્વમાં કોઈ પણ ખુણે કોઈ પણ પ્રોગ્રામ કરે છે તો તેમના માતા પિતા અને તેમની બે બહેન તેમની સાથે જ રહે છે. આજે પણ તેમના પિતા અને માતા સાજનને એક લેટર લખીને આપે છે અને કહે છે કે સાજન જો આપણે વધારે મહેનત કરી હોત તો આપણે વધારે લોકો પર ઈમ્પેક્ટ લાવી શક્યા હોત.

સમાજને લઈને સાજન શાહનો અભિપ્રાય

દેશ-દુનિયાના લોકોના વિકાસ માટે અથાગ રીતે પ્રયાસ કરતા સાજન શાહે કહ્યું કે આજના સમયમાં જો દિશાહીન સમાજને સાચું માર્ગદર્શન આપવામાં આવે તો તે સમાજ દરેક સ્તરે વિકાસ કરી શકે છે. હાલ સાજન શાહ અમેરિકાના 8 મોટા રાજ્યોમાં ટોક-શૉ કરી રહ્યા છે અને કેનેડામાં પણ મોટીવેશન સ્પીચના ટોક-શૉ આપી રહ્યા છે.

વિશ્વને એક સાથે એક દિશામાં આગળ વધારવાનો પ્રયાસ

વિશ્વને એક જ મુદ્દે એક જ સાથે કેવી રીતે આગળ વધારવું તેના પર પણ સાજન શાહ કામ કરી રહ્યા છે. આ માટે તેઓએ યુનાઈટેડ ફર્સ્ટ નામની એપ્લિકેશન બનાવી છે. તેઓનો વિચાર છે કે જો આજની યુથ જનરેશનને ઉદેશ્ય ઉન્મુખ અને દ્રષ્ટિ ઉન્મુખની સાથે સાથે જો કેવી રીતે તેનું કોઈ વસ્તુનું પાલન થાય તે પણ આપીશું તો વધારે વિકસીત બની શકીશું. સાજન શાહએ યુનાઈટેડ ફર્સ્ટ પ્લેટફોર્મને એ રીતે બનાવ્યું કે જેમાં જેટલા પણ દેશના યુનીક સોશિયલ વર્કર્સ છે, એન્ત્રેપ્રેનિયોર્સ છે અને અન્ય લોકો પણ એક સાથે આવીને કાંઈક કોઈ એક વિષય પર કામ કરી શકે છે.

ગામડાઓના શિક્ષણ પર કામગીરી

સાજન શાહનો શિક્ષણને લઈને પણ એક અલગ જ મત છે અને તેના પર તેઓ કામ પણ કરી રહ્યા છે. તેઓ ગામડાઓની શાળાઓમાં ભણતા બાળકો માટે એક એવો પ્રોજેક્ટ પણ ચલાવે છે જેમાં 25 વર્ષ સુધી શાળા શૂન્ય વપરાશ એટલે કે 25 વર્ષ સુધી નિશૂલ્ક વિજળી, ભણતર અને છોકરો જ્યારે 10 ધોરણ ભણીને બહાર નીકળે ત્યારે તેનામાં 52 ગુણવત્તા હોય અને તે પોતાનું ઘર ચલાવી શકે એટલો યોગ્ય હોય.

વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને સાજન શાહએ કહ્યું કે વિદ્યાર્થીઓને પ્રવાસ માટે વહેલા ઉઠાડવા નથી પડતા પણ ભણવા જવા માટે ઉઠાડવા પડે છે અને તેનો મતલબ છે કે તેઓને શાળાએ કેમ જવાનું છે તેના વિશે જાણ જ નથી. જો કે સાજન શાહ આ જ મુદ્દે કામ કરી રહ્યા છે અને લોકોને જીવન જરૂરી યોગ્ય માર્ગ દર્શન આપી રહ્યા છે.

સાજન શાહ લોકોના વિકાસને લઈને માને છે કે જો જીવનમાં કોઈના પગ ખેંચવાને બદલે હાથ ખેંચશો તો તેઓ ખુબ આગળ વધશે. લોકોનું જીવનને વધારે સારું બને તે માટે સાજન શાહએ યુનાઈટેડ ફર્સ્ટ નામની એપ્લિકેશનમાં એક ફિચર રાખ્યું છે જેમાં જે લોકો તે એપ્લિકેશન વાપરી રહ્યા છે તે લોકો દિવસની જે પણ સારી પ્રવૃતિ કરે છે તેનો ફોટો એપ્લિકેશન પર મુકે છે. આ રીતે 30 દિવસ સુધી ફોટો પોસ્ટ કરવાથી એપ્લિકેશન વાપરનારને રિવોર્ડ મળે છે અને તે જ રિવોર્ડથી તેઓ જરૂરીયાતમંદ લોકોને જમવાનું આપવામાં આવે છે.

આ બાબતે સાજન શાહે કહ્યું કે આનાથી બાળકોને પ્રેરણા મળે કે તેમને પણ જીવનમાં કાંઈક કરવાનું છે અને સમાજમાં જાગૃતિ પણ આવે.

સમાજ સેવા માટે પૈસા જરૂરી નથી: સાજન શાહ

સમાજ સેવાને લઈને પણ સાજન શાહએ મહત્વની વાત કહી, સાજન શાહે આ મુદ્દે જણાવ્યું કે કેટલાક લોકો માને છે કે સમાજ સેવા કરવી હોય તો પૈસાની જરૂર પડે છે પણ ઘરની ટ્યૂબલાઈટ બંધ કરવી તે પણ એક સમાજ સેવા જ છે, સાજન શાહે કહ્યું કે યુનેસ્કોના સર્વે પ્રમાણે એક વ્યક્તિ દિવસમાં 5 લીટર પાણી બચાવી શકે છે અને જો કોઈ તે કામ કરે તો પણ તે સમાજ સેવા જ છે.

એક મિત્રની મહત્વની ભૂમિકા

સાજન શાહએ તેમના જીવનની સફળતા માટે અનેક લોકોને શ્રેય આપ્યું અને તેમાં તેમના મિત્ર વિશે પણ વાત કરી. સાજન શાહએ જણાવ્યું કે તેઓ એકવાર તેમના મિત્રએ તેમને સલાહ આપી હતી કે “સાજન, અમદાવાદમાં આવેલા મોટીવેશનલ સ્પીકરને તું સાંભળ” જો કે આ બાબતે સાજન શાહ તે સમયે ગંભીર હતા અને આ બધી વાતને ગણકારતા પણ નહી.

જો કે મિત્રના કહેવા પર તેઓ આ મોટીવેશનલ સ્પીકરને સાંભળવા ગયા હતા અને તે બાદ તેઓને હકીકતમાં અહેસાસ થયો કે જીવનમાં પોતાની જાતને પામ્યા સિવાય કે પોતાના ઉદેશ્યો સિવાય પણ અનેક વસ્તુઓ છે કે જેને માણસ ધારે તો મેળવી શકે છે. આ દિવસ પછી સાજન શાહએ નક્કી કર્યું કે જીવનમાં તેઓ ક્યારેય પાછું ફરીને નહીં જોવે અને તેમને જે મળ્યું તે હવે બીજાને પણ શીખવાડશે. નોંધનીય વાત એ છે કે આજે પણ જો કોઈ તેઓ કોઈપણ શાળા કે કોલેજમાં મોટીવેશનલ સ્પીચ આપે છે તો તેના માટે કોઈ રકમ લેતા નથી.

કેનેડાથી પરત આવ્યા તે સમય

સાજન શાહ પોતાના આગળના ભણતર માટે કેનેડા ગયા હતા પણ ત્યાં રહીને તેમને લાગ્યું કે તેઓ જીવનમાં કાંઈક અલગ કરવા માંગે છે અને તેઓ કેનેડાથી પરત આવી ગયા. કેનેડાથી પરત આવીને સાજન શાહે તેમના પિતા સાથે વાત કરતા કહ્યું કે “પપ્પા હું આ બધી વસ્તુ માટે બન્યો નથી અને તમે ભલે ઘર ગીરવે મુક્યું પણ મારે ગોલ દુનિયાને કાંઈક આપવાનો છે”

આ મુદ્દે સાજન શાહના પિતાએ તેમને ખૂબ સાથ-સહકાર આપ્યો અને કહ્યું કે “પાછું આવવું હોય તો આવી જા પણ આવ્યા પછી ક્યારેય જિંદગીમાં પાછું વળીને ન જોતો અને જ્યાં સુધી વિઝન પુરુ ન કરે ત્યાં સુધી હાર ન માનતો”  આ વાતને સાજન શાહે પોતાની જીવનની સૌથી વધારે યાદગાર અને  મહત્વની પળ બતાવી. સાજન શાહે કહ્યું કે આ જ વાતના  કારણે તેઓ આ સ્થળ પર છે જ્યાં તે હાલ છે.

જીવનની કપરી સ્થિતિ પર સાજન શાહનું મંતવ્ય 

જેવી રીતે આપણે બધા જ જાણીએ છે કે જીવનમાં ખુશી અને દુ:ખ તો આવે છે અને જાય છે, આ સમયે ધૈર્ય રાખવું અને કપરા સમયમાં હિંમત બનાવી રાખવી ખૂબ જરૂરી છે. તો આ બાબતે સાજન શાહ માને છે કે તેમના જીવનમાં જે પણ મુશ્કેલી આવી તે મુશ્કેલી નથી પણ તે મુશ્કેલીને ભગવાનનો ઈશારો સમજ્યા અને માન્યું કે આ મુશ્કેલી ભગવાને મને મારી તાકાત વધારવા માટે આપી છે.

સાજન શાહનું તે પણ માનવું છે કે મુશ્કેલીઓથી ભાગવું ન જોઈએ પણ તેની સામે ઉભા રહેશો તો તેનું નિરાકરણ મળી જશે.

સ્વામી વિવેકાનંદના એક ઉદાહરણને લઈને સાજન શાહે કહ્યું કે રામકૃષ્ણ પરમહંસ હતા કે જેઓએ તેમની પ્રતિભાને ઓળખી હતી અને સમાજમાં કોઈ પણ વ્યક્તિ મોટીવેશનલ સ્પીચ આપે છે તે પણ મહત્વનું છે.

સ્કૂલ-લાઈફમાં મળેલી સફળતા

સાજન શાહએ પોતાની સ્કૂલ લાઈફનો એક પ્રસંગ યાદ કરતા જણાવ્યું કે તેઓ જ્યારે સ્કૂલમાં હતા ત્યારે તે સ્કૂલના આચાર્યએ તેમને સ્કૂલ પર 5 મીનીટ બોલવાનું કહ્યું હતું જો કે સ્કૂલ પર સાજન શાહે સતત 15 મીનીટની સ્પીચ આપી હતી. આ સ્પીચ બાદ સ્કૂલના આચાર્યએ સાજન શાહને કહ્યું હતુ કે સાજના તમારી બોલવાની સ્પીચ ખુબ સરસ છે અને જો તમે આ વસ્તુ પર મહેનત કરશો તો આગળ જતા અનેક લોકોને ઘણું બધું આપી શકશો.

સાજન શાહને પણ મોટીવેશનલ સ્પીચ આપવાનો પહેલેથી જ શોખ હતો અને આ બાબતે તેમણે સ્કૂલના આચાર્યને કહ્યું કે સાહેબ આમ તો આ વસ્તુના લોકો 5-6 હજાર રૂપિયા લેતા હોય છે પરંતુ હું આ વાતના કોઈ પૈસા નહી લઉ અને સ્કૂલના બધા વિદ્યાર્થીઓને શીખવાડીશ અને તે બાદ તેમના આચાર્ય સાહેબે તેમને તક આપી જે તેમના માટે જીવનની યાદગાર ક્ષણ હતી.

જીવનની સફળતમાં માસાનો સાથ સહકાર

આ વિશ્વમાં દરેક વ્યક્તિ જીવનના એક સ્ટેજ પર આવીને નિર્ણય લેતો હોય છે અને એવો જ સમય સાજન શાહના જીવનમાં પણ આવ્યો. સાજન શાહના માસાએ પુછ્યું કે સાજન શું કરે છે આજકાલ, આ બાબતે સાજન શાહએ જવાબ આપ્યો કે તેઓ આ રીતે મોટીવેશનના પ્રોગ્રામ કરે છે.

આ વાત સાંભળ્યા બાદ સાજન શાહના માસાએ કહ્યું કે તું મારી કંપનીમાં બધા પ્રોગ્રામ શીખવાડી દે. જો કે તેમણે આ કામ કર્યું અને કંપનીમાં તેનું પરીણામ પણ સારું આવ્યું.

આ બાદ સાજન શાહના માસાએ પુછ્યું હતું કે સાજન આગળ જીવનમાં શું કરવા માગે છે અને તે સમયે સાજન શાહએ કહ્યું હતું કે તેઓ અમેરિકાના એન્થોની રોબિન્સ જે મોટીવેશનલ સ્પીકર છે તેમના જેવા બનવા માગે છે. આ સાંભળ્યા બાદ તેમના માસાએ તેમની પાસે પાસપોર્ટ માગ્યો અને એક ટીકીટ આપી યુરોપની, અને કહ્યું કે તારી ફીસ ભરી દીધી છે અને 4 દિવસ તું આ માણસના પ્રોગ્રામને એટેન્ડ કરી આવ, આ માટે 4 દિવસ તેઓ રોમ ગયા હતા અને ત્યાં 140 દેશના 22000 લોકો પ્રોગ્રામ એટેન્ડ કરવા આવ્યા હતા અને જ્યારે તે વ્યક્તિનો પ્રોગ્રામ જોયો ત્યારે તેઓ 58 વર્ષના હતા અને ત્યારે સાજન શાહને લાગ્યું કે ઈન્ટરનેશનલ સ્પીકર અલગ અલગ દેશોમાંથી અસંખ્ય લોકોને એક જગ્યાએ બોલાવીને 4 દિવસમાં મોટીવેટ કરી શકે છે તો તે કામ પોતે 58 વર્ષની જગ્યાએ 32-33 વર્ષેની ઉંમરે જ કરી શકે.

આ કાર્યક્રમ દરમિયાન સાજન શાહને તે વાત પણ ખબર પડી કે જે વ્યક્તિ હાલ 58 વર્ષની ઉંમરે મોટીવેશનલ સ્પીચ આપે છે તે વ્યક્તિ તેમની ઉંમરમાં પુસ્તકો વેંચતા હતા. આ વાત સાજન શાહે પણ નક્કી કરી અને જેટલું પણ કમાતા હતા તેમાંથી કોઈ મોટા મોટીવેશનલ સ્પીકર પાસેથી શીખે અને પછી ભારત આવીને તે વાતને વધારે આસાનીથી કેવી રીતે લાગુ કરી શકાય કે લોકોને સમજાવી શકાય તેના પર કામ કરવાનું વિચાર્યું.

આ સમયે સૌથી મોટો વિચાર તેમના મનમાં એ હતો કે જો કોઈ વસ્તુ કોઈ એક વ્યક્તિ કરી શકે છે તો તે વસ્તું તમે પણ કરી જ શકો છો. સફળતાને લઈને પણ સાજન શાહએ કહ્યું કે સફળ ન થવાના બે કારણ છે તેમાં એક છે કે તમે સફળ થયેલા વ્યક્તિ જેટલી મહેનત નથી કરતા કે ઉત્સાહીત નથી અને બીજું કારણ છે કે ક્યાંક તો તમે પોતાના પર દયા કરો છો અને તમારી જાતને જ લાગણી ભર્યા ઈમોશનલ કારણો આપો છો અને તેને જોઈને તમે મહેનત કરવાનું પણ ઓછું કરી દો છો.

જીવનમાં તમારા આઈડલ કે પ્રેરણા સ્ત્રોત

જીવનમાં શીખવા માટે અને શીખવું હોય તો બધું જ છે અને સાજન શાહ આ વાતને અલગ રીતે લે છે. તો આ મુદ્દામાં સાજન શાહ માને છે કે એક માણસ પાસેથી બધુ શીખીશું અને જાણીસું તો આપણે તેના જેવા બની જઈશું અને તેવું ન થાય તે માટે જીવનમાં પાંચ પિલ્લર બનાવ્યા હતા.

આ પાંચ પીલ્લરમાં પહેલું પીલ્લર છે તેમના પિતા, કે જો જીવનમાં બિરદમ લેવું હોય તો તેઓ પોતાના પિતા પાસેથી લે છે. બીજું પીલ્લર છે સ્વામી વિવેકાનંદ, કે જેમની પુસ્તકોમાંથી તેઓ શબ્દોનો પ્રભાવ સમજે છે. ત્રીજુ પીલ્લર છે અબ્રાહમ લિંકન, જે હંમેશા તેમને કેટલી મહેનત કરી છે તેના વિશે શીખવે છે અને જણાવે છે. ચોથુ પીલ્લર છે એપીજે અબ્દૂલ કલામ, જેમાં કોઈ પણ કામ પ્રત્યે સતત ભૂખ રહે તે માટે એપીજે અબ્દુલ કલામને વાંચતા અને સમજતા. પાંચમું પીલ્લર છે તેમની જીંદગીનું જેમાં તેમને એ લોકોની યાદીમાં એક એવા ભારતીય તરીકે બનવાનું છે કે જે લોકોને કાંઈક શીખવું કે સાંભળવું છે તો તેઓ ભારત આવે અને સાજન શાહ તેમને ગાઈડ કરે. આ માટે તેમણે એન્થોની રોબિન્સ અને દિપક ચોપડાને ખૂબ વાંચ્યા, સમજ્યા અને જાણ્યા છે.

સાજન શાહને જ્યારે લાગે કે તેમનામાં લાલચ આવી કે, સ્પીચમાં ધાર નથી રહી તો આ માટે તેઓ તેમના પિતા સાથે વધારે વાત કરે અને સમય વિતાવે.

જીવનનો સિદ્દાંત

વિશ્વમાં કોઈ વ્યક્તિ એવો ન હોય જેનો કોઈ સિદ્ધાંત ન હોય, સિદ્ધાંત સાચો છે કે ખોટો તે બીજી વાત છે પરંતુ કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સિદ્ધાંત તો હોય જ, સાજન શાહએ જણાવ્યું કે તેમને તેમના પિતા દ્વારા સંસ્કાર તો આપવામાં આવ્યા પરંતુ તે સંસ્કારનું પાલન કરવું તે તેમને  કહેવામાં આવેલા વાક્યને જ પોતાના જીવનનો એક સિદ્ધાંત બનાવી દીધો જેમાં તેમના પિતા કહેતા હતા કે આચાર્ય લોકેશ મુનીએ શીખવાડ્યું છે.

આચાર્ય લોકેશ મુનીએ સાજન શાહને શીખવાડ્યું કે સાચી વસ્તુ હોય અને તેને નાનો છોકરો આવીને કહે તો પણ અમલ કરી દેવાની પણ જે વસ્તુ ખોટી હોય તે વાત માટે પરમાત્મા આવીને કહે તો તે વસ્તુ માટે લડવાનું પણ ખોટી વસ્તુનો સ્વીકાર તો નહીં જ કરવાનો.

ઉપકાર કરનારાને ક્યારેય ન ભૂલવા

સાજન શાહના પિતા સાજન શાહને હંમેશા કહે છે કે “બેટા ઉપકારીઓના ઉપકારને કોઈ દિવસ ભુલતો નહીં” અને આ વાતનું સાજન શાહ પાલન પણ કરે છે, સાજન શાહ ક્યારેય કોઈના ઉપકાર ભુલતા નથી, આ બાબતે સાજન શાહે કહ્યું કે ઉપરવાળો ક્યારે તમને કોઈનો ઉપરવાળો બનાવી દે છે તે તમને ખબર નથી રહેતી એટલે જીવનમાં જેટલા લોકોની મદદ કરી શકો જે રીતે થાય એ રીતે કરવી જોઈએ અને ક્યારેય તે પણ ન વિચારો કે તમે કોઈના પાછળ શું વાપર્યુ કે કેટલો ટાઈમ બગાડ્યો.

યુવાઓ માટે સંદેશ

આ બાબતે સાજન શાહે કહ્યું કે દરેક યુવા વ્યક્તિએ જો દાદા-દાદી હોય તો તેમની સાથે મહિનામાં 2-3 દિવસ વિતાવો અને તેનું કારણ છે કે જીવનનો ઉદેશ્ય દાદા-દાદી આપી શકે છે અને બાળકોને મેન્ટલી સ્ટ્રોંગ બનાવી શકે છે. જીવનમાં દરેક વ્યક્તિએ શિક્ષક સિવાય અન્ય એક મેન્ટર બનાવો જોઈએ અને જો મેન્ટર નથી મળતા તો તેમણે ચોપડીઓ વાંચવાનું શરૂ કરવુ જોઈએ કેમ કે ચોપડીઓ જીવનમાં બહુ બધુ શીખવાડે છે.

આજકાલના યુવાનોની નશાની આદતને લઈને કહ્યું કે જો આજના યુવાઓને ઈચ્છાશક્તિ કે મહેનત કરવાનો નશો લાગશે તો કોઈ અન્ય નશાની જરૂર નહીં  પડે અને કોઈ મોટીવેશનની પણ જરૂર નહીં પડે.

જીવનમાં જે લોકો માને છે કે જીવનમાં કોઈ આવશે અને તારા ચમકશે તો આ વાત તદ્દન ખોટી છે અને સાજન શાહ આમાં માનતા નથી, દરેક લોકોએ ફેન્ટેસીના વર્લ્ડમાંથી બહાર આવી જવું જોઈએ,

જીવનનો આગળનો ઉદેશ્ય

સાજન શાહએ અત્યાર સુધીમાં 1 કરોડથી વધારે વ્યક્તિઓને મોટીવેશનલ સ્પીચ આપી છે, 1500 જેટલી સ્કૂલ્સ અને કોલેજમાં જ્યા 1000ની આસપાસ જેટલા છોકરાઓને ફ્રીમાં મોટીવેશનલ શો આપે છે અને 30000 માતા-પિતાને ઘરને વધારે સારું કેવી રીતે બનાવવું તે માટેના પ્રોગ્રામ આપે છે.

આ ઉપરાંત સાજન શાહ અત્યારે 30 કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરે છે અને માને છે કે સમાજને વિકસીત કરવા માટે 18 સોશિયલ એક્ટિવીટી થવી જોઈએ.

સાજન શાહએ વધારે ઉમેરતા કહ્યું કે ભારતમાં સમાજ સેવકો, નેતાઓ તથા અન્ય લોકો પોતાની રીતે તો કામ કરી જ રહ્યા છે પરંતુ જો તમામ લોકો એક જ દિશામાં કામ કરે તો તે કામ વધારે સારી રીતે અને સરળતાથી થઈ શકે. આ કામ માટે તેઓ 8 સ્ટેટ અને એક યુનિયન ટેરેટોરી સુધી પહોંચી ગયા છે અને 450 ફાઉન્ડેશનને એક સાથે લાવ્યા છે.