Site icon Revoi.in

રાહુલ ગાંધી 14મી ફેબ્રુઆરીએ ધરમપુરમાં જંગી સભાને સંબોધી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

Social Share

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે.ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર અભિયાનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિનામાં બેવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તા. 14મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાંથી રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરાવશે. રાહુલ ગાંધી વલસાડ જિલ્લામાં મેટ્રો ટ્રેન માટે જમીન સંપાદન વિવાદને લઈને જંગી રેલી સંબોધવાના હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.


સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હીથી પરત ફર્યા છે. ગુજરાત કોંગ્રેસમાં અસંતોષ અને નારાજગી મુદ્દે બંને નેતાઓએ ગુજરાત પ્રભારી રાજીવ સાતવ સાથે મુલાકાત કરી હતી. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને કિરીટ પટેલે રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. રાહુલ ગાંધીની આગામી તા. 14મી ફેબ્રુઆરીની ગુજરાત મુલાકાત સાથે જ મિશન લોકસભા 2019ની શરૂઆત થશે. રાહુલ ગાંધી પોતાની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતમાંથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. રાહુલ ગાંધીની મુલાકાતની મુલાકાતને પગલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો અને હોદેદારોની બેઠક બોલાવી છે. રાહુલ ગાંધી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના લાલડુંગરી ખાતે એક મહારેલીને સંબોધન કરશે. રાહુલ ગાંધી બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મામલે રેલી કરવાના હોવાની માહિતી મળી છે. વલસાડ બેઠક આદિવાસી માટે અનામત સીટ છે. 2004 અને 2009ના વર્ષમાં આ બેઠક કોંગ્રેસ પાસે હતી. એટલું જ નહીં વલસાડ જિલ્લા હેઠળ આવતી ધારાસભાની ત્રણ બેઠક હાલ કોંગ્રેસ પાસે છે. આ માટે જ રેલી માટે વલસાડ જિલ્લાની પસંદગી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત ગણતરીના દિવસોમાં જ થવાની છે ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ચાર ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ પાંચ નેતાઓ સવારે દિલ્હી દરબારમાં પહોંચી ગયા હતા. દિલ્હીમાં તેમના આગમન સાથે જ ફફડી ઉઠેલા મોવડી મંડળે મામલો થાળે પાડવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને દિલ્હી પહોંચવાની તાકીદ કરી હતી, જેના પગલે ચાવડા પણ દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી ખાતે પ્રભારી રાજીવ સાતવે ધારાસભ્યો અને પ્રદેશ પ્રમુખને આમનેસામને કરીને નારાજગી દૂર કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા.