નોટિંઘમ: આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની પોતાની પહેલી ગ્રુપ મેચમાં વેસ્ટઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને પહેલા પાકિસ્તાનને બેટિંગ માટે દાવત આપી હતી. પોતાન કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કરતા વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ તોફાની બોલિંગ કરીને માત્ર 21.4 ઓવરમાં જ આખી પાકિસ્તાની ટીમને 105 રનમાં પેવેલિયન ભેગી કરી દીધી હતી.
ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરનારી પાકિસ્તાનની ટીમના બેટ્સમેન વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોનો સામનો કરી શક્યા નહીં. મેચની ત્રીજી ઓવરના આખરી બે બોલ પર બે રનના અંગત સ્કોર પર ઈમામ ઉલ હક આઉટ થઈને પેવેલિયન ભેગો થયો હતો. ત્યાં સુધી ટીમના ખાતામાં માત્ર 17 રન જોડાયા હતા.
તેના પછી ફખર જમાનને આંદ્રે રસેલે 22ના અંગત સ્કોરે આઉટ કર્યો, ત્યારે પાકિસ્તાનની ટીમે 35 રન કર્યા હતા.
બાદમાં રસેલે હારિસ સોહેલને પેવેલિયન ભેગો કર્યો હતો. બાબર આઝમ પણ વધારે સમય પિચ પર ટકી શક્યો નહીં. તે પણ 22 રનના સ્કોર પર આઉટ થઈને પેવેલિયન ભેગો થયો હતો. પાકિસ્તાનની ટીમની વિકેટો પડવાનું યથાવત રહ્યું હતું. સરફરાઝ આઠ, મોહમ્મદ હફિઝ 16 રન પર આઉઠ થયા હતા. બાદમાં ઈમાદ વસીમ શાદાબ ખાન અને હસન અલી પણ આઉટ થઈને પેવેલિયન ભેગા થયા હતા. 19.3 ઓરમાં પાકિસ્તાનની નવ વિકેટ 83 રન પર પડી ચુકી હતી. આખરી જોડી તરીકે વહાબ રિયાઝ અને મોહમ્મદ આમિરની જોડીએ કોઈપણ પ્રકારે પાકિસ્તાનનો સ્કોર 100ની ઉપર પહોંચાડયો હતો. પરંતુ આ બંને દાંવને વધુ લાંબો ખેંચી શક્યા નહીં. ઓશાને થોમસે રિયાઝને બોલ્ડ કર્યો હતો.
પાકિસ્તાનની ટીમની હાલત એટલી ખરાબ હતી કે સૌથઈ વધુ રન બનાવનારા બેટ્સમેનોના ખાતામાં માત્ર 22 રન છે. પાકિસ્તાનના ફખર જમાન અને બાબર આઝમે આ સ્કોર કર્યો હતો. આ બંને સિવાય વહાબ રિયાઝે 18 અને મોહમ્મદ હફીઝે 16 રન કર્યા હતા. આ સિવાય પાકિસ્તાન તરફથી જે સૌથી વધુ ભાગીદારી થઈ, તે આખરી વિકેટ માટે વહાબ રિયાઝ અને મોહમ્મદ આમિર વચ્ચે 17 રનની થઈ હતી.
વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોએ આજે પાકિસ્તાની બેટ્સમેન પર કેર વરસાવ્યો હતો. ઓશાને થોમસ અને કેપ્ટન જેસન હોલ્ડરે પાકિસ્તાનના મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરના બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તો ટોપ ઓર્ડર કોટરેલ અને આંદ્રે રસેલના કેરનો ભોગ બન્યા હતા. ઓસાને 5.4 ઓવરમાં 27 રન આપીને ચાર વિકેટ, કેપ્ટન જેસન હોલ્ડરે પાંચ ઓવરમાં 42 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. રસેલે ત્રણ ઓવરમાં માત્ર ચાર રન આપીને બે વિકેટ લીધી હતી. તો કોટરેલે ચાર ઓવરમાં 18 રન આપીને એક વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી.
વેસ્ટ ઈન્ડિઝ : જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, ડારેન બ્રાવો, શિમરોન હેટમાયેર, એશલે નર્સ, આંદ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, નિકોલસ પૂરન, શાઈ હોપ, ઓશાને થોમસ, શેલ્ટન કોટરેલ
પાકિસ્તાન : સરફરાઝ ખાન (કેપ્ટન), ફખર જમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ, મોહમ્મદ હફીઝ, હારિસ સોહેલ, શાદાબ ખાન, ઈમાદ વસીમ, હસન અલી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર