આમ તો આપણે ગુજરાતી ભાષામાં સફળતાને લઈને અનેક કહેવતો સાંભળી હશે જેમાં એક કહેવત એવી પણ છે કે કામ કરવાથી કાંઈક મળે અને નક્કી કરેલી દિશામાં સખત મહેનત કરવાથી સફળતા મળે. હવે આ કાંઈક મળવું અને સફળતા વચ્ચે શું ફર્ક છે તે નીલુ પટેલની વાત જાણો ખબર પડે.
નીલુ પટેલ એવી વ્યક્તિ છે કે જેઓએ પોતાનું નસીબ જાતે લખ્યું તેવું પણ કહી શકાય. તેમણે સખત મહેનત અને ઉત્સાહથી પેપર મશી આર્ટ ક્ષેત્રે દેશ-દુનિયામાં ડંકો વગાડ્યો છે અને તેમના જીવનનો એક જ મંત્ર છે કામ કરતા રહો, તો તમારુ કામ જ બોલશે અને એક દિવસ કર્મનું ફળ ચોક્કથી મળશે. નકામા થઈ ગયેલા પેપરમાંથી ઉત્કૃષ્ટ કલાકૃતિઓ બનાવીને અનેક રેકોર્ડ અને એવોર્ડ જીતનારા નીલુ પટેલ લુપ્ત થઈ રહેલી આ કલાને જીવંત રાખવા આજે પણ સંઘર્ષ કરી રહ્યાં છે. તેમજ પેપર મશી કળામાં રસ ધરાવતા લોકોની કલાને બહાર લાવવા માટે એક પ્લેટફોર્મ પણ પુરુ પાડી રહ્યાં છે.
આવી છે પેપર મશી કળા
કાગળના માવાની મદદથી બનાવવામાં આવતી કલાકૃતિને પેપર મશી આર્ટ કહેવામાં આવે છે. તેમણે કાગળના માવા અને ગુંદરની મદદથી અદભૂત અને સુંદર નયનરમ્ય બે હજારથી પણ વધારે કલાકૃતિ તૈયાર કરી છે.
જીવનમાં પ્રથમ માસ્ક ભગવાન શ્રીનાથજીનું બનાવ્યું
જીવનમાં તમે જો કોઈ પણ કામ ભગવાનનું નામ લઈને કે ભગવાનને આગળ રાખીને કરો તો તે કામ નિશ્ચીત રીતે પાર પડે જ છે તો આવું જ કાંઈક નીલુ પટેલે પણ કર્યું હતુ. તેઓએ 1989ની આસપાસથી પેપર મશી ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું હતું અને તે સમયે પેપરની મદદથી બે હજારથી વધારે માસ્ક બનાવ્યા હતા જેમાં પ્રથમ માસ્ક શ્રીનાથજી ભગવાનનું બનાવ્યું હતું.
મહત્વનું છે કે આ માસ્કનું મુખાવીંદ જોઈને વૈષ્ણવ સંપ્રદાયના મહારાજ એટલા ખુશ થઈ ગયા હતા કે આવા માસ્ક ભેટમાં આપવા માટે મહારાજે આર્શીવાદ આપ્યાં પણ હતા. આ પછી તેમણે ભગવાન શ્રીનાથજીના એક હજાર જેટલા માસ્ક બનાવ્યા હતા અને યાત્રાધામ શ્રીનાથજીમાં અર્પણ કર્યાં હતા. આ મંદિર દ્વારા આ માસ્કનું ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
માતાને જ ગુરૂ બનાવીને પેપર મશી કળા શીખ્યા
કોઈપણ વ્યક્તિના જીવનમાં તેના ગુરૂનું મહત્વ સંપૂર્ણપણે ન બતાવી શકે કારણ છે કે તે અગણ્ય છે અને તે અનમોલ છે. આ જ રીતે નીલુ પટેલના જીવનમાં તેમના ગુરૂ પણ તેમની માતા જ હતા અને તેમની પાસેથી જ બધું શીખ્યા છે. નીલુ પટેલ જે પેપર મશી આર્ટના ઉત્કૃષ્ટ કલાકાર છે તેમણે ધો-10 સુધીનો અભ્યાસ અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી જાણીતી નવરંગ સ્કૂલમાંથી કર્યો હતો. પેપર મશીની કળા તેમને માતા કોકીલાબેન પાસેથી વારસામાંથી મળી છે.
તેઓ નાના હતા ત્યારે માતા કાગળના માવાની મદદથી સુપડા લીપતા હતા અને એટલું જ નહીં સુંદર વાડકા બનાવીને તેનો ઘર વપરાશમાં ઉપયોગ કરતા હતા. કાગળના માવામાંથી સુંદર વસ્તુઓ બનાવતા માતા પાસેથી શીખીને જ આ ક્ષેત્રમાં કઈંક અલગ કરવાનું વિચાર્યું હતું. તેઓ જ્યારે સ્કૂલે જતા ત્યારે તેમના મોટાભાઈ કલ્પેશ પટેલ સાઈકલ ઉપર મુકવા અને લેવા આવતા હતા. આજે પણ એ ક્ષણોને યાદ કરીને તેઓ નાનપણના એ દિવસોમાં ખોવાય જાય છે. તેમજ નાનપણના આ સુખદ દિવસો અને પ્રસંગોને આજે પણ તેઓ ભૂલ્યાં નથી. સ્કૂલના દિવસોમાં કરાવવામાં આવતું ભરતકામ અને મોતીકામ સહિતની વસ્તુઓ આજે પણ જીવની જેમ તેમણે સાચવી રાખી છે.
પિતા પાસેથી શીખ્યા હાર્ડવર્ક
કલાકાર નીલુ પટેલના જીવનમાં તેમના પિતાની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે, આ બાબતે તેમણે જણાવ્યું હતુ કે તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમના પિતા ગુણવંતભાઈ પાસેથી સખત મહેનત કરવાનું શીખ્યા હતા. તેમના માટે માતા તો તેમના પ્રેરણાસ્ત્રોત છે જ પણ તેમના પિતા દ્વારા શીખવાડવામાં આવેલી વાતોનું આજે પણ તેઓ પાલન કરે છે.
નીલુ પટેલ જણાવ્યું કે તેમના પિતાના કહેલા રસ્તા પર ચાલવાથી તેમને આ સિદ્ધિઓ અને સફળતા મળી છે અને તેમના પિતા કહેતા હતા કે “કામ કરતા રહેવાનું, તો કર્મનું ફળ ચોક્કસ મળશે” અને પિતાના આ મંત્રને તેમણે પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો છે.
કલાકાર કોઈ વ્યક્તિને ત્યારે કહી શકાય જ્યારે તે નકામી વસ્તુમાંથી કામની વસ્તુ બનાવી શકે અને અંગ્રેજીમાં આ માટે એક શબ્દ પણ છે “Best out of Waste”. તો આ વાત નીલુ પટેલ પર સાબીત થાય છે કારણ કે જે લોકો માટે પેપર નકામી પસ્તી છે તે જ વસ્તુ નીલુ પટેલ માટે તેમની કલાકારી સાબીત કરવાનો સ્ત્રોત છે. અસંખ્ય લોકો એવું માનતા હશે કે પેપરનું લાંબુ આયુષ્ય નથી અને તે પેપર માત્ર પસ્તી જ છે. જો કે નીલુ પટેલે લોકોના આ વિચારોને ખોટા પાડ્યા છે અને તેમણે 30 વર્ષ જૂના પેપરથી બનેલા માસ્ક આજે પણ સાચવી રાખ્યાં છે.
કલાકૃતિ તૈયાર થયા બાદ સૌપ્રથમ માતાનો અભિપ્રાય
દરેક સફળ વ્યક્તિની પાછળ કોઈ એક વ્યક્તિનો હાથ હોય છે અને નીલુ પટેલની વાતમાં તો તેમણે પોતાની સફળતા માટે પુરા પરીવારની જ વાત કરી. તેઓ પોતાની સફળતાનો શ્રેય માતા, ભાઈ, ભાભી અને મિત્રોને આપે છે. તેમના જીવનમાં પરિવારજનો અને મિત્રોની સાથે પાળેલા બે શ્વાનનું પણ મહત્વનું સ્થાન છે.
નીલુ પટેલ જ્યારે કોઈ કલાકૃતિ તૈયાર કરે ત્યારે સૌ પ્રથમવાર માતા-ભાઈને અને બે શ્વાનને જ બતાવે છે અને ત્યાર બાદ જ કલાકૃતિને પ્રદર્શનમાં મુકવામાં આવે છે. તેઓ કોઈ કલાકૃતિ તૈયાર કરતા હોય ત્યારે તેમની માતા સતત તેમની સાથે જ રહે છે અને જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડે છે. વર્ષ 2014માં તેમણે લગભગ સાડા ત્રણ ફૂટનો એક પોટ બનાવ્યો હતો. જેનો ફોટો અજાણ્યા સારા વ્યક્તિએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મોકલ્યો હતો અને ત્યાર બાદ સામેથી 8 ફૂટનો પોટ બનાવવાનું સલાહ-સૂચન આપવામાં આવ્યું હતું. આ વાતને ચેલેન્જ તરીકે લઈને તેમને 5950 જેટલા ન્યૂઝપેપરના પેજનો ઉપયોગ કરીને માત્ર 28 દિવસમાં 17 ફૂટની ઉંચાઈનો પોટ બનાવ્યો હતો અને આજે પણ આ પોટ કલાપ્રેમીઓ અમદાવાદના પાલડીના સંસ્કાર કેન્દ્રમાં નિહાળી શકે છે.
લોકોમાં રહેલી કળાને બહાર લાવવા માટે તત્પર નીલુ પટેલ
પેપર મશી આર્ટમાં નીલુ પટેલે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને ભારે સંઘર્ષ બાદ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો કે, પોતાની જેમ અન્યને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે તેઓ પેપર મશી આર્ટમાં રસ ધરાવતા લોકોને તમામ પ્રકારની મદદ કરી રહ્યાં છે. તેમજ પોતોના સંપર્કમાં આવેલા લોકોને નીલુ પટેલ ભૂલતા નથી. તેઓ મુખૌટે આર્ટ ફાઉન્ડેશન મારફતે લોકોમાં રહેલી કલાને બહાર લાવવાનું પ્લેટફોર્મ પુરુ પાડે છે.
ભારતમાં પેપર મશી આર્ટનો જન્મ
ભારતમાં અશોક રાજાના જમાનામાં પેપર મશી આર્ટનો જન્મ થયો હતો અને તે સમયે જેલમાં બંધ કેદીઓના હાથમાં ભીંજાયેલા પેપર આવતા હતા. આ પેપર તેમણે દિવાલ ઉપર મારતા માછલીના આકારની પ્રતિકૃતિ તૈયાર થઈ હતી.
જો કે, હાલ પેપર મશી લુપ્ત થઈ રહી હોવાથી ચિંતિત નીલુ પટેલે આ આર્ટને જીવંત રાખવાના અથાગ પ્રપ્તનો કરી રહ્યા છે, જેથી આજની પેઢીના મનપસંદ અને નવા ટ્રેંડ અનુસાર નવા-નવા ક્રિએશન કરી રહ્યાં છે. તેમજ તેઓ પર્યાવરણના જતન માટે મોટાભાગે નેચરલ કલરનો ઉપયોગ કરે છે.
યુવાનોને લઈને નીલુ પટેલનો સંદેશ
આજના સમયમાં યુવાનો એટલી હદે ચંચળ થયા છે તેમને કઈ દિશામાં જવું તે નક્કી કરી શક્તા નથી અને આ બાબતે નીલુ પટેલનું માનવું છે કે, આજના યુવાનોએ કોઈ એક જ લક્ષ્ય સાથે આગળ વધવું જોઈએ. જીવનમાં અનેક ઉતાર ચડાવ આવ્યા બાદ જ સફળતા મળશે. આપણી પરંપરાગત હસ્તકળા લુપ્ત થઈ રહે છે. જેથી આવી કળાને બચાવવા માટે સમાજના દરેક વર્ગના લોકોએ આગળ આવવું જોઈએ તેમજ હસ્તકલાને કારીગરોને પ્રોત્સાહિત કરવા રહેવું જોઈએ.
મહત્વનું છે કે ભારતમાં પેપરમશી કળા હવે માત્ર ત્રણ સ્થળો પર જોવા મળે છે જેમાં કાશ્મીર, દક્ષિણ ભારત અને ડાંગમાં આ કળા જોવા મળે છે. પરંતુ કમનસીબે ડાંગમાં પણ હવે આ કળા ઘીરે-ઘીરે લુપ્ત થઈ રહી છે. જે ડાંગમાં પરંપરાગત માસ્ક બનતા હતા તે હવે ઓછા થઈ રહ્યાં છે. આવી પરંપરાને બચાવવા માટે લોકોએ આગળ આવવું જોઈએ.
પિતા અને પ્રકૃતિને એકસમાન પ્રેમ
નીલુ પટેલના પિતા પહેલેથી જ પ્રકૃતિ પ્રેમી રહ્યા છે અને નીલુ પણ તેમના પિતાની જેમ પ્રકૃતિ પ્રેમી છે, આજે પણ તેઓ સવારે અને સાંજે બે કલાક પોતાના ગાર્ડનમાં વિતાવે છે તેમજ ગાર્ડનીંગનું કામ પણ જાતે જ કરે છે. કુદરત સાથે રહેવાનું વધારે પસંદ કરતા નીલુ પટેલને નાની ચકલી, જાસુદનું ફૂલ, પારિજાતના ફુલ, ખુલ્લા ખેતરો વગેરે વધારે પસંદ છે.
સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એટલે નીલુ પટેલ
લિમ્કા બુક ઓફ રેકોર્ડ, યુનિક વર્લ્ડ રેકોર્ડ સહિત વિવિધ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય રેકોર્ડસ બુકમાં સ્થાન ધરાવતા નીલુ પટેલે નકામા છાપાના માવામાંથી અમદાવાદની ઓળખસમી ઐતિહાસિક સીદી સૈયદની જાળી બનાવી હતી. તેમજ તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. આમ તેમણે ફક્ત અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર મહિલાના સન્માનમાં વધારો કર્યો છે. તેમજ બેટી બચાવો, બેટી પઢાવો અને સ્ત્રી સશક્તિકરણના અભિયાનોને પણ સાર્થક કર્યું છે.