Site icon Revoi.in

સુરતમાં શિક્ષકોને સ્મશાનગૃહમાં મૃતદેહ ગણવાની અને નોંધણીની કામગીરી સોંપાતા કચવાટ

Social Share

સુરતઃ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુનિ. કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી છે. શિક્ષકોને અત્યાર સુધીમાં કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી  છે. પરંતુ એકમાત્ર સ્મશાનગૃહમાં જવા માટેની કામગીરી બાકી હતી તો તે પણ સોંપવામાં આવી છે. અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી શિક્ષકોને અપાતા કચવાટની લાગણી જોવા મળી રહી છે. 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે શિક્ષકોએ પણ ફરજ બજાવવાની રહેશે. સ્મશાન ગૃહમાં આવેલા મૃતદેહોની અંતિમક્રિયામાં નોંધણીમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે શિક્ષકો જવાબદારી આપી દેવામાં આવી છે.

કોરોના કાળ દરમિયાન કોર્પોરેશનના તમામ કર્મચારીઓને અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં શિક્ષકોને કોરોના સંક્રમિત દર્દીઓના ઘરની બહાર રાખવામાં આવતા હતાં. ધન્વંતરી રથ સાથે જવાનું, સર્વેની કામગીરી,અનાજ વિતરણની અનેક કામગીરી કરવાના આદેશ થયા હતાં. જે ફરજના ભાગરૂપે શિક્ષકોએ નિભાવી હતી અને શહેર પર આવી આવી પડેલી મુશ્કેલીમાં પોતાની રીતે ફરજ અદા કરવા માટે તત્પરતા દાખવી હતી.ત્યારે સ્મશાનની કામગીરી સોંપાતા શિક્ષકો અવઢવમાં મૂકાયા છે. મ્યુનિ. કોર્પોરેશનના શિક્ષકે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, સ્મશાનમાં મૃતદેહની નોંધણી કરવાની કામગીરી શિક્ષકો માટે યોગ્ય નથી. અમે અમારા શિક્ષક સંઘમાં આ બાબતે રજૂઆત કરી છે. અમને આ કામગીરી અંગે સોશિયલ મીડિયા થકી જ મેસેજ આપવામાં આવ્યા હતાં. સંઘના અમારા હોદ્દેદારોને આ ઓર્ડર રદ કરવા માટે જાણ કરી છે. સંઘના હોદ્દેદારોએ આ કામગીરી શિક્ષકોને સોંપવા બદલ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સરકારને જાણ કરવાની બાંહેધરી પણ આપી છે.