અમદાવાદઃ સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશવિદેશના યાત્રીઓ સમક્ષ સોમનાથ તીર્થના ગૌરવને ઉજાગર કરતો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસાના વિરામ બાદ પુનઃ યાત્રીઓ માટે શરૂ કરવામાં આવી રહ્યો છે.
આવનાર ભક્તો સોમનાથ તીર્થના ઇતિહાસથી માહિતગાર થાય, કઈ રીતે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથ આ ભૂમિ પર પધાર્યા, કઈ રીતે ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાની અંતિમ લીલા દર્શાવી નિજધામ ગમન કર્યું. કઈ રીતે આ તીર્થ પ્રભાસ કેહવાયું. શું છે ધાર્મિક કથા? આ તમામ બાબતોથી આધુનિક 3D ટેકનોલોજીના ઉપયોગથી આવનાર યાત્રિકો માહિતગાર થાય તે માટે લાઇટ એન્ડ સાઉન્ડ-શોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે શો આવનાર યાત્રીઓમાં પ્રસિદ્ધ છે. આ શો ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ બંધ રહેતો હોય છે. પણ દિપાવલી પુર્વે પુનઃ આ શો યાત્રીઓ માટે શરૂ કરવામાં આવતો હોય છે.
ચોમાસાની સીઝન પૂર્ણ થતા સોમનાથ મંદિર ખાતે તા.25 ઓકટોબરથી લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રારંભ થશે.. શો નો સમય સાયં આરતી બાદ સાંજે 7-45 વાગ્યાનો રહેશે. શનિવાર તથા રવિવાર તહેવારોના દિવસોમાં યાત્રી પ્રવાહને ધ્યાને લઇ બે શો યોજવામાં આવશે. જેની સર્વે યાત્રીઓએ નોંધ લેવી.