Site icon Revoi.in

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ‘બચપન કા પ્યાર’ ગીતના અસલ ગાયક છે આ ગુજરાતી

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સોશિયલ મીડિયા ઉપર ‘બચપન કા પ્યાર’ નામનું ગીત અને તેને છત્તીસગઢના સહદેવ ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. એટલું જ નહીં સહદેવે ગાયેલા આ ગીતના વખાણ ફિલ્મ કલાકારો ઉપરાંત રાજકીય આગેવાનોએ કર્યાં છે. જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગીત અસલમાં ગુજરાતના જ એક લોકગાયકના કંઠે ગવાયેલું છે. ગુજરાતમાં પંચમહાલના કમલેશ બારોટ નામના એક લોકગાયકે વર્ષ 2018માં આ ગીત બનાવ્યું હતું. તેમજ મયુર નદિયાએ તેને સંગીત આપ્યું હતું. જ્યારે ગીતકાર પી.પી.બારિયા છે. કમલેશ બારોટના કંઠે ગવાયેલુ અસલ ગીત પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં આ ગીતને 50 લાખથી વધારે લોકોએ જોઈ ચુક્યાં છે.

છત્તીસગઢના સહદેવે વર્ષ 2019માં સ્કૂલમાં ‘બચપન કા પ્યાર’ ગીત ગાયું હતું. જેને તેના શિક્ષકે મોબાઈલમાં રેકોર્ડીંગ કર્યું હતું. જે હાલ સમગ્ર દેશમાં વાયરલ થઈ રહ્યું છે. ત્યારે આ ગીતના અસર ગાયક કમલેશ બારોટે એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018માં ગીત બનાવ્યું હતું. જે બાદ અમદાવાદની મેશવા ફિલ્મ્સ નામની કંપનીએ આ ગીતના તમામ રાઈટ્સ ખરીદી લીધા હતા. 2019માં કંપનીએ પોતાની યુ-ટ્યુબ ચેનલ ઉપર આ ગીત રિલીઝ કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 6 હજારથી વધારે ગીતમાં અવાજ આપ્યો છે. કેટલાક ગીતનો લેખક અને કંપોજર હું ખુદ છું. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા સહદેવના પણ લોકગાયક કમલેશ બારોટે વખાણ કર્યાં હતા.

છત્તીસગઢનો સહદેવ અત્યારે સોશિયલ મીડિયામાં છવાયેલો છે. એટલું જ નહીં છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલએ પણ સહદેવનું હાર પહેરાવીને સન્માન કર્યું હતું.

(Photo: Social Media)