રાજકોટઃ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આ વર્ષથી પ્રવેશ માટે GCAS નામનું કોમન એડમિશન પોર્ટલ દાખલ કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ 30 કોર્સમાં 1.18 લાખ સીટ ખાલી હોવાનું જાહેર થયું છે. હકીકત એ છે કે, દર વર્ષે સ્નાતક કક્ષાના અલગ અલગ કોર્સમાં વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળી જાય છે અને 50 ટકા જેટલી સીટ ખાલી રહે છે. જેથી પ્રવેશ માટેના પોર્ટલ આ પ્રકારના કોર્સ માટે કોઈ જ લાભદાઈ નથી. સેન્ટ્રલાઇઝના નામે ડિસેન્ટ્રલાઇઝ એટલે કે કોલેજો પોતાની રીતે એડમિશન આપી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં અલગ અલગ 30 કોર્ષમાં 1.18.240 બેઠકો ખાલી છે. જેમાં બી.એડ. બેઝિકમાં 50, બી.એસસી., એમ.એસસી એપ્લાઇડ ફિઝિક્સમાં 40, બેચલર ઓફ આર્કિટેક્ચરમાં 40, બેચલર ઓફ આર્ટસમાં 25,913, બેચલર ઓફ આર્ટસ એન્ડ બીએડમાં 50, બેચલર ઓફ આર્ટસ ઇન્ટિરિયર ડિઝાઇનમાં 80, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં 7500, બેચલર ઓફ કોમર્સમાં 34,488, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં 10,391 અને બેચલર ઓફ ડેન્ટલ સર્જરીમાં 125 બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બેચલર ઓફ ડિઝાઇનમાં 60, બેચલર ઓફ એજ્યુકેશનમાં 4400, બેચલર ઓફ એજ્યુકેશન અંગ્રેજીમાં 50, બેચલર ઓફ હોમ સાયન્સમાં 800, બેચલર ઓફ હોમિયોપેથીક મેડિસિન એન્ડ સર્જરીમાં 950, બેચલર ઓફ હોટલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટમાં 60, બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનમાં 210, બેચલર ઓફ લોમાં 3060, બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં 25, બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરીમાં 856, બેચલર ઓફ પરર્ફોર્મિંગ આર્ટસમાં ડાન્સ-કથક, તબલા અને વોકલમાં 30-30 બેઠકો ખાલી હોવાનું જાણવા મળ્યું છે. એટલે કોમન એડમિશન પ્રવેશ સિસ્ટમ છતાંયે બેઠકો ખાલી રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો તેમજ સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓ સીધા જે તે કોલેજમા જાય અને તુરંત સરળતાથી એડમિશન મળી જાય છે. સ્નાતક કક્ષાના કોર્સમાં પણ 50 ટકા જેટલી સીટ ખાલી રહે છે. ત્યારે આ વખતે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ રાજ્યભરમાં દાખલ કરવામાં આવ્યું છે તેમજ આ પોર્ટલમાં રજીસ્ટ્રેશનની રૂ. 300 ફી ભર્યા બાદ જે તે કોલેજમાં એડમિશન ફી પણ ભરવાની રહે છે. જેથી વિદ્યાર્થીઓને હેરાનગતિ તો થાય જ છે પરંતુ સાથે જ રજિસ્ટ્રેશન ફી અને એડમિશન ફી બંને ભરવી પડે છે. આ ઉપરાંત આ વખતે રાજ્યમાં ધોરણ 12નું 9 મે ના પરિણામ જાહેર થયું તે સાથે ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી પરંતુ રાજ્યની સરકારી 15 સ્ટેટ યુનિવર્સિટી અને સંલગ્ન ખાનગી કોલેજોમાં એડમિશન શરૂ થયા ન હતા ચોઇસ ફીલિંગ પણ 16 મેથી શરૂ થયુ. જેથી અગાઉ કોંગ્રેસના પૂર્વ સેનેટ સભ્ય દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે GCAS ખાનગી યુનિવર્સિટીઓને લાભ અપાવવા માટે છે અને તે હાલ સાચું ઠરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.